December 11, 2024
ગુજરાત બજેટમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો
ભાવિન પટેલ
ભાવિન પટેલ
Public Opinion

ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે, રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. તેમજ અન્ય માહિતી પણ આપી છે. કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ કરાઈ છે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ કરાઈ છે.
ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

ભારત વિશ્વમિત્ર બન્યું
“એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-૨૦ સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્‍દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે. જી-૨૦ના વિવિધ કક્ષાના ૧૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે. નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્‍દ્રભાઇની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્‍ટ સમિટમાં ૪ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ૪૦ દેશોના મંત્રીશ્રીઓ, ૧૪૦થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણું ગુજરાત 5-G ગુજરાત બને : સીએમ
આપણા મૃદુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.

ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર
ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.

શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે
રાજયની મોટાભાગની વસતિ હાલમાં ૧૮ થી ૬૦ વર્ષના વયજૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજયને ડેમોગ્રાફિક ડિવીડ‍ન્‍ડનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં, રાજયમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.

નારી શક્તિ વંદન અધિનિયમ
આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે. માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્‍દ્ર સરકારે “નારી શક્તિ વંદન અધિનિયમ” લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને ૩૩% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે. મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમનો આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે. આમ, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમોમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.