January 7, 2025
મતદાનના મહાકુંભ માટે મહા તૈયારી
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

ગુજરાતમાં સાતમી મેના દિવસે તમારી આંગળી પર શાહી લગાવવામાં આવશે. દિલ્હીની ગાદી પર કોને બેસાડવા એ નક્કી કરવાનો તમને અધિકાર આપવામાં આવશે. તમારા આ અધિકારની તાકાતનું ખરું મૂલ્ય કદાચ તમે નહીં જાણતા હોય, પણ નેતાઓને એની પૂરેપૂરી સમજ છે. એટલે જ તો તેઓ તમારી આગળ અત્યારે ઝૂકી રહ્યા છે. કમરનો મણકો ખસી ગયો હોય તો પણ તેઓ ઝૂકી રહ્યા છે. તમારા આ અધિકારના કારણે જ નેતાઓ તેમની મોંઘી ગાડીઓમાંથી ઉતરીને તમારી આગળ હાથ જોડે છે. તમારા ખભા પર હાથ મૂકશે. જેથી તેમના ખભા મજબૂત થાય. તમારી સાથે ચાલશે, જેથી તેમની ચાલ સફળ થાય.

શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે, તમને આ અધિકાર આપવા માટે કોણ ભરપૂર મહેનત કરે છે? અમે ચૂંટણી પંચની વાત કરી રહ્યા છીએ. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈને આસામ સુધીના, આપણા મહાન દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે ચૂંટણી પંચ કેટલી મહેનત કરે છે એ જાણવું તમારા માટે જરૂરી છે.
વોટિંગનો આ અધિકાર આપવા માટે ચૂંટણી પંચને આભાર કહેવું પણ જરૂરી છે. ચાલો, આપણે સાથે મળીને કહીએ કે, આભાર ચૂંટણી પંચ.
અમે તમને સમજાવીશું કે, ચૂંટણી પંચ કેવી રીતે તમને વોટિંગનો અધિકાર આપવા માટે મહેનત કરે છે. એક-એક સ્ટેપ સમજાવીશું. જેથી ચાય પે ચર્ચામાં કોઈ ચૂંટણી પંચની ખામીની વાત કરે ત્યારે તમે એનો જવાબ આપી શકો.
અમે શરૂઆત મતદાતા સૂચિથી કરીશું. જેમાં તમારું નામ પણ સામેલ હોય છે. 141 કરોડની વસ્તી ધરાવતા દેશમાં વોટર્સનું લિસ્ટ તૈયાર કરવું સરળ નથી. તમારી આંગળીના નિશાન જેવા બાયોમેટ્રિક ડેટાનું ડુપ્લિકેશન ન થાય એની ખાસ કાળજી લેવાય છે.
ચૂંટણી પંચ હવે એના માટે અનેક સોફ્ટવેર્સનો ઉપયોગ કરે છે. જેથી ક્યાંક કોઈ ભૂલ રહી ના જાય. મહિનાઓ પહેલાંથી જ ચૂંટણી પંચે એના માટે તૈયારીઓ શરૂ કરવી પડે છે. મતદાર યાદી જાહેર કરાય છે. કોઈને વાંધા હોય તો પણ ચૂંટણી પંચ કહે છે કે, નો પ્રોબ્લેમ. અમે ભૂલ સુધારી દઇશું. એક-એક દાવા અને વાંધાનો નિકાલ થાય છે.
દસમાં કે બારમાં ધોરણનો વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ માટે આખું વર્ષ મહેનત કરે છે. પરીક્ષાઓ ભલે થોડા દિવસની હોય, પણ મહેનત તો આખા વર્ષની હોય છે. એ જ રીતે ચૂંટણી પંચ પણ નોનસ્ટોપ કામ કરે છે. મતદાતા સૂચિ તૈયાર થઈ ગઈ. હવે, આ સૂચિમાં જેમના નામ છે એ લોકોને કહેવાનું છે કે, તમે લોકોએ લિસ્ટમાં નામ લખાવ્યું છે, પણ વોટ આપવા જરૂર જજો. એટલે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીના મહિનાઓ પહેલાંથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દે છે. વોટિંગ લિસ્ટ તૈયાર કરી દીધું. તમને કહી પણ દીધું કે, તમે તમારો મત અચૂક આપજો.

હવે, ચૂંટણી પંચનું ફોકસ પ્રિસાઇડિંગ ઓફિસર્સને રેડી કરવાનું છે. લોકશાહીના આ મહા ઉત્સવને યોગ્ય રીતે પાર પાડવાની જવાબદારી તેમના ખભા પર જ હોય છે. આ પ્રિસાઇડિંગ ઓફિસર્સ આખી મતદાન પ્રક્રિયાનું સંચાલન કરે છે. ચૂંટણીના દિવસો પહેલાંથી જ તેમનું કામ શરૂ થાય છે અને વોટિંગ બાદ પણ તેમની કામગીરી ચાલતી રહે છે.
સૌથી પહેલાં આ પ્રિસાઇડિંગ ઓફિસર્સને ટ્રેનિંગ અપાય છે. ચૂંટણીના નિયમોની તેમને જાણ કરાય છે. તેમને માહિતી આપવામાં આવે છે કે, આ છે કાયદા, એના આ છે ફાયદા. ચૂંટણી પંચ આ પ્રિસાઇડિંગ ઓફિસર્સને એક જ વખત ટ્રેનિંગ નથી આપતું. ટ્રેનિંગનાં ત્રણથી વધારે સેશન્સ હોય છે. તમને કદાચ સવાલ થતો હશે કે, આટલી બધી ટ્રેનિંગ કેમ? ચૂંટણીમાં નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખવો પડે. સહેજ પણ ચૂક થાય તો પ્રોબ્લેમ થઈ જાય. નાની ગરબડ થાય તો પણ મોટો હંગામો મચી જાય. ખાસ કરીને કોઈ પાર્ટી હારવા આવે એટલે એ હંગામો મચાવી દેતી હોય છે.
મામલો સંવેદનશીલ બની જાય છે. એટલે જ કેવી રીતે વોટિંગ મશીન મેળવવું, મતદાન કેન્દ્રો પર સુરક્ષા કેવી રહેશે, પોલિંગ અધિકારીઓને શું જવાબદારી સોંપવી એમ દરેકેદરેક માહિતી પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવે છે.
આ અધિકારીઓની પસંદગી કેવી રીતે થાય છે એ પણ અમે તમને જણાવીશું. એના માટે રેન્ડમાઇઝેશન પ્રોસેસ છે. એટલે કે કમ્પ્યુટર પસંદ કરે છે. જેથી કોઈ આરોપ ના મૂકી શકે. આ પ્રક્રિયા મારફત ચૂંટણીની સાથે જોડાયેલા અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે. પહેલાં તબક્કામાં ચૂંટણીને સંબંધિત અધિકારીઓ જેમ કે, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરની પસંદગી કરવામાં આવે છે.
ચૂંટણી પંચને સારી રીતે ખબર છે કે, આપણે ત્યાં કેટલાક રાજનેતાઓની હોબી આરોપો મૂકવાની છે. ફિક્સિંગનો આરોપ ના મુકાય એટલે જ ચૂંટણી પંચ પ્રિસાઇડિંગ ઓફિસર્સને જણાવતા નથી કે, તમારે કઈ બેઠક પર ફરજ બજાવવાની છે. આ આખી પ્રક્રિયા ખૂબ લાંબી છે. વિશાળ દેશમાં ચૂંટણી યોજવી સરળ નથી.
હવે, વાત રેન્ડમાઇઝેશનના બીજા તબક્કાની. આ તબક્કામાં પોલિંગ પાર્ટી નક્કી થાય છે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મતદાર ઓળખ અધિકારી, પોલીસ અધિકારી સામેલ હોય છે. ચૂંટણીના છથી સાત દિવસ પહેલાં જ આ કામગીરી થાય છે. આ તબક્કામાં પણ મતદાન મથકની જાણકારી આપવામાં આવતી નથી. આ પોલિંગ પાર્ટી નક્કી કરતી વખતે ઓબ્ઝર્વર્સની હાજરી હોય છે. સમગ્ર પ્રક્રિયામાં ઓબ્ઝર્વર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે.

પિક્ચર હજી પૂરું થયું નથી. આ ત્રીજા તબક્કામાં મુખ્ય ફોકસ પોલિંગ પાર્ટીઓને રવાના કરવાની હોય છે. તેમને રેન્ડમલી જ મતદાન કેન્દ્ર ફાળવવામાં આવે છે. આ કામગીરી પણ કોઈ ઓબ્ઝર્વરની નજર હેઠળ જ કરવામાં આવે છે. હવે ચૂંટણીના એક દિવસ પહેલાંની વાત કરીશું. પોલિંગ પાર્ટીને ચૂંટણીને સંબંધિત તમામ સામગ્રી આપવામાં આવે છે.
ચૂંટણી પંચની મહેનતનો આટલેથી અંત આવતો નથી. લોકશાહીમાં શાહીથી લઈને સુરક્ષા સુધી હજી ઘણી બધી પ્રક્રિયા છે. તમારામાંથી કેટલાક લોકોને સવાલ થતો હશે કે, અમે આટલી બધી વિગતો કેમ આપીએ છીએ? જેના જવાબમાં અમે ગઈ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા રજૂ કરીશું.
ગઈ ચૂંટણીમાં 67 ટકાથી વધારે મતદાન થયું હતું. એનો અર્થ એ છે કે, લગભગ 33 ટકા લોકોએ મતદાન નહોતું કર્યું. આવા વોટર્સને અમે મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ. પ્લીઝ વોટ આપજો. કેમ કે, તમારા માટે ચૂંટણી પંચ ખૂબ મહેનત કરે છે.
ચૂંટણી પંચ હજી કેટલી વધારે મહેનત કરે છે એ અમે તમને જણાવીશું.
લોકશાહીના મહા ઉત્સવની અમે વાત કરી રહ્યા છીએ. મતદાર યાદીમાં તમારું નામ સામેલ થાય છે એની અમે વાત કરી. હવે, તમારા હાથ પર લગાડવામાં આવતી શાહી અને તમે જેના દ્વારા તમારો મત આપો છો એ EVM અને તમારા મતદાન કેન્દ્રની વાત કરીશું. એક સમગ્ર પ્રક્રિયાને સમજાવીશું. આ ચૂંટણીમાં પહેલી વખત મત આપવા જઈ રહેલા યુવા મતદારો માટે પણ આ જાણકારી ખૂબ જ મહત્ત્વની રહેશે.
સૌથી પહેલાં અમે ચૂંટણી પંચ દ્વારા ચકાસણીની કામગીરીની વાત કરીશું. ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ ઉમેદવારી નોંધાવે. એની સાથે જ એ નેતાએ કેટલા અપરાધો કર્યા, તેની પાસે કેટલી સંપત્તિ છે એ તમામ વિગતો સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં આવતી રહેતી હોય છે. એનું કારણ એ છે કે, નેતાઓએ એ વિગતો એફિડેવિટમાં જણાવવી પડે છે. નેતાઓની વાત પર કેટલો ભરોસો કરવો? આઝાદી બાદથી આપણા દેશે એટલા કૌભાંડો જોયા છે કે, વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. એટલે જ નેતાઓની એફેડિવેટ પર ચૂંટણી પંચ આંખ બંધ કરીને વિશ્વાસ કરતું નથી. ચૂંટણી પંચ એ એફિડેવિટને ચેક કરે છે. કોઈ નેતા એફિડેવિટમાં ખોટી જાણકારી આપે તો તેની વિરુદ્ધ એક્શન પણ લેવાય છે. ટ્રાન્સપરન્સી લાવવા માટે જ આ કવાયત કરાય છે. મતદાતાઓને પણ ખ્યાલ આવી જાય છે કે, કયા નેતાએ ચૂંટણી જીત્યા બાદ પોતાનો કેટલો વિકાસ કર્યો. કોણે કેટલી કાર ખરીદી અને કોણે કેટલા ક્રાઇમ કર્યા એ બધી વિગત એફિડેવિટથી જાહેર થઈ જાય છે.
એફિડેવિટની વિગત તમે મેળવી લીધી. હવે, સીધા મતદાનના દિવસની અમે વાત કરીશું. તમને વોટર સ્લિપ મળી ગઈ. તમે નક્કી પણ કરી લીધું કે, કોની ગેરંટીમાં વિશ્વાસ મૂકવો અને કોને પાઠ ભણાવવો છે. તમે એક જાગૃત મતદાતા તરીકે તમારી ફરજ બજાવવા મતદાન મથકે પહોંચો. આ મતદાન મથકો નક્કી કરવા માટે પણ નિયમો છે. જનપ્રતિનિધિત્વ કાયદામાં એના માટે કેટલીક જોગવાઈઓ છે. 2020 વર્ષમાં બનેલા નિયમો અનુસાર 1500થી વધારે મતદાતાઓ હોય તો એક પોલિંગ સ્ટેશન હોવું જોઈએ. એક બૂથ પર એક હજારથી વધારે વોટર્સ ના હોવા જોઈએ. મતદાન મથક નક્કી કરતી વખતે ચૂંટણી અધિકારીઓ તમારો ખાસ ખ્યાલ રાખે છે. કોઈ પણ મતવિસ્તારમાં વોટરે વોટ આપવા માટે બે કિલોમીટરથી વધારે દૂર જવું ના પડે એની કાળજી રાખવામાં આવે છે. આટલી કાળજી લેવાય એ પછી પણ કોઈ વોટ આપવા ના જાવ અને વોટિંગ દિવસને હોલિડે દિવસ તરીકે ઉજવે તો એ બિલકુલ યોગ્ય નથી.
શું ચૂંટણી પંચ આંગળી મૂકે એ જગ્યા મતદાન કેન્દ્ર બની જાય? કે પછી એના કોઈ ચોક્કસ નિયમો હોય છે? બિલકુલ જ. આટલા મોટા દેશમાં એમ કંઈ થોડી ચૂંટણી થાય છે? નિયમ મુજબ મંદિર, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ મતદાન મથક ન બનાવી શકાય. મોટા ભાગે સ્કૂલો, કોલેજો કે સરકારી કે અર્ધસરકારી વિભાગોની ઓફિસોમાં જ મતદાન મથકો હોય છે. એક નિયમ પણ તમારે જાણવો જરૂરી છે. પોલિંગ સ્ટેશનના 200 મીટરના એરિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીની ઓફિસ ના હોવી જોઈએ.
વડીલો અને દિવ્યાંગ લોકો માટે અલગ વ્યવસ્થા પણ કરવી પડે. વોટર્સની સુવિધા માટે રેમ્પની વ્યવસ્થા પણ ફરજિયાત છે. મતદાન મથક કઈ જગ્યાએ ઊભું કરવું એનો નિર્ણય સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ કરે છે. આ લોકસભાની ચૂંટણીમાં 10.5 લાખથી વધારે પોલિંગ સ્ટેશન્સ હશે. અમે તમને આ વિગતો આપી. હવે, કોઈ પોલિંગ સ્ટેશન કે મતદાન મથકમાં ક્યાંક કોઈ કચાશ રહી ગઈ હોય તો તમારે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ. બૂથના 100 મીટરના એરિયામાં ચૂંટણી પ્રચાર કરવાની છૂટ નથી. જો કોઈ એ એરિયામાં પ્રચાર કરે તો તમે ફરિયાદ કરી શકો છો.
હવે, અમે લોકશાહીની શાહીની વાત કરીશું. જે તમારી આંગળી પર લગાવવામાં આવે છે. આખો દેશ કહે છે કે, યે ડાઘ અચ્છે હૈ. કોઈ એક વોટર બે વખત મત ન આપે એટલા માટે જ આ શાહી લગાવાય છે. આ શાહી કોણ બનાવે છે એ પણ અમે તમને જણાવીશું.
લોકશાહીની ચૂંટણીના રંગમાં આખો દેશ રંગાય છે ત્યારે આ હકીકતને જાણવી જરૂરી છે. માત્રને માત્ર MYSORE PAINTS AND VARNISHES LIMITEDને જ આ શાહી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ કંપની છેક 1962થી આ શાહીનું ઉત્પાદન કરે છે. આ કંપની ભારત સિવાય 30 દેશોમાં પણ ચૂંટણી માટે આવી શાહી સપ્લાય કરે છે.
આ શાહી માત્ર 40 સેકન્ડ્સમાં જ સુકાઈ જાય છે. જેના લીધે ચામડી પર ટેમ્પરરી નિશાન રહી જાય છે. સિલ્વર નાઇટ્રેટના કોન્સન્ટ્રેશનના કારણે એ નિશાનને ભૂંસી શકાય નહીં. કરોડો મતદાતાઓની આંગળી પર લોકશાહીના ગૌરવનું નિશાન શાહી લગાવવામાં આવશે. જેના માટેની તમામ તૈયારી કરવામાં આવી છે. 26 લાખ 55 હજાર વોટર ઇંકની બોટલ તૈયાર કરવામાં આવી છે. જેના માટેનો કુલ ખર્ચ 55 કરોડ રૂપિયા થયો છે. 10 એમએલની ઇંકની એક બોટલની કિંમત 174 રૂપિયા છે. 10 એમએલની આ બોટલથી લગભગ 700 મતદાતાઓની આંગળી પર શાહીનું નિશાન લગાવી શકાય.
તમારી આંગળી પર શાહી લગાવાઈ ગઈ. હવે, તમારે EVMમાં જઈને બટન દબાવવાનું રહે છે. તમે અત્યારે દેશમાંથી EVM હટાવોના નારા લગાવતા નેતાઓને સાંભળતા હશો, પણ સહેજ પણ શંકા કર્યા વિના EVMમાં જઈને તમને જેની ગેરંટી પર વિશ્વાસ હોય તેના નામની આગળ બટન દબાવજો. કેમ કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, EVMમાં કોઈ જ ગરબડ નથી. ચૂંટણી પંચ પણ સતત EVMને અપગ્રેડ કરે છે અને નવા EVM ખરીદતું રહે છે. મતદાનમાં ગરબડની શંકા દૂર કરવા માટે VVPAT પણ છે.
મતદાનના મહાકુંભ માટેની મહા તૈયારીઓની અમે વાત કરી રહ્યા છીએ. તમે શાંતિથી વોટ આપી શકો એ માટે સુરક્ષા દળો તડકા, ઠંડી અને વરસાદમાં ખડેપગે રહે છે એની અમે વાત કરીશું.
તમે મતદાન મથકે જાવ ત્યારે પણ તમને સુરક્ષા દળોના જવાનો જોવા મળતા હશે. એટલું જ નહીં રસ્તામાં પણ તમને આ જવાનો જોવા મળતા હશે. તમારા માટે એ કદાચ રુટિન બાબત હશે, પણ ભારે હથિયારો હાથમાં લઈને તડકામાં આખો દિવસ ઊભા રહેવું, સતર્ક રહેવું અને કંઇક ઘટના બને તો એક્શન લેવી. આ બધું સહેલું નથી. પોલીસની સાથે CRPFના જવાનોને પણ તહેનાત કરવામાં આવે છે. અમે તમને ચૂંટણી પંચને થેંક યુ કહેવા જણાવ્યું, એ જ રીતે તમારે આ જવાનોનો પણ આભાર માનવો જોઈએ. એ જવાનોની હાજરીના કારણે જ અસામાજિક તત્ત્વો વોટ આપતાં તમને રોકવાની હિંમત કરી શકતા નથી. આ જવાનો મતદાન મથકના દરવાજા પર ઊભા રહીને ગતિવિધિ પર નજર રાખે છે. સુરક્ષા દળો મતદાન મથકમાં દાખલ ના થઈ શકે.
સિક્યોરિટી ફોર્સીસ માટે આ ચૂંટણીમાં સુરક્ષાની જવાબદારી સંભાળવી સહેલું નથી. જમ્મુ-કાશ્મીર, મણિપુર અને હવે પશ્ચિમ બંગાળ પણ અશાંત રાજ્યોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. એ ઉપરાંત દેશમાં અનેક સંવેદનશીલ વિસ્તારો છે. જ્યાં અસંવેદનશીલ જોખમો રહેલાં છે. એટલે જ સુરક્ષા દળોની કામગીરી પણ ખૂબ પડકારજનક છે.
આ સ્થળોએ હિંસાનો ખતરો રહે છે. એટલે જો કોઈ હિંસા થાય કે, કોમી રમખાણો થાય અને પોલીસ સિચ્યુએશનને કન્ટ્રોલ ના કરી શકે તો સ્વાભાવિક રીતે વોટિંગ અટકાવી દેવાય છે. થોડાં ઘણા લોકોના પાપે અનેક લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ જાય છે. એ સિવાય પણ કેટલાંક કારણોસર મતદાન રદ થઈ શકે છે. પ્રિસાઇડિંગ અધિકારીને ચોક્કસ પરિસ્થિતિમાં ચૂંટણી રદ કરવાનો અધિકાર છે. કોઈ મુશ્કેલીના કારણે પોલિંગ પાર્ટી મતદાન કેન્દ્ર પર ના પહોંચી હોય તો સ્વાભાવિક રીતે મતદાન રદ થાય. એ સિવાય પૂર, ભેખડો ધસી પડે કે ભયાનક વાવાઝોડું ફુંકાય તો પણ મતદાનને રદ કરાય છે. એ સિવાય જો વોટિંગ મશીન, મતદાર યાદી જેવી ચૂંટણી સામગ્રી ન મળી હોય અથવા તો મળી હોય તો એને નુકસાન પહોંચ્યું હોય એવા સંજોગોમાં પણ મતદાન રદ કરાય છે. એટલે જ ચૂંટણી પંચ સમક્ષ શાંતિથી મતદાન પાર પાડવાનો સૌથી મોટો પડકાર રહે છે.
વાત પડકારોની છે ત્યારે ટેક્નોલોજીના કારણે ચૂંટણી પંચ માટે કામગીરી વધુ મુશ્કેલ થઈ છે. તમે સાવ ખોટા વિડિયો જોયા હશે. વિડિયો કોઈનો, ચહેરો બીજા કોઈનો હોય છે. આવા વિડિયોને ડીપફેક કહેવાય છે. ચૂંટણી પંચે આવા વિડિયોને ફેલાતા પણ રોકવાના છે. ચૂંટણી પંચને આ પ્રયાસોમાં હવે CHATGPT બનાવનારી કંપની OPENAI પણ સાથ આપી રહી છે. ચૂંટણી પંચે પોલીસને ખોટા વિડિયો, ફેક ન્યૂઝવાળી પોસ્ટને તાત્કાલિક સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ આપ્યો છે.
અમે તમને ચૂંટણી પ્રક્રિયાનું પૂરું પિક્ચર આપવાની કોશિશ કરીએ છીએ. અમે આટલી જાણકારી આપી એ પછી પણ કદાચ તમને લાગતું હશે કે, હજી કંઇક ખૂટે છે. જોકે, ફિકર ના કરો. હજી અમારે તમને ઘણું કહેવું છે. જેમ કે, આચારસંહિતાનો અમલ અને મતગણતરીની વાત કરવી છે. એટલે જ પિક્ચર અભી બાકી હૈ.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાનો અમલ શરૂ થતાં જ કોઈ પણ ઉમેદવાર સરકારી વાહન, વિમાન કે બંગલાનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ ના કરી શકે. નેતાઓએ રેલી કરતા પહેલાં પોલીસ પાસેથી પરમિશન મેળવવી પડશે.
હવે, વાત ટેક્નોલોજીની. ચૂંટણી પંચ ટેક્નોલોજીની પણ મદદ લઈ રહી છે. જેમ કે, તમને ઉમેદવારોનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડનો ખ્યાલ આવે એટલે KYC APP છે. KYC એટલે કે know your candidate. તમે આ એપ પર જઈને તમારા મતવિસ્તારના ઉમેદવારે કોઈ અપરાધ કર્યો છે કે નહીં એ ચેક કરી શકો છે. એટલું જ નહીં ચૂંટણી પંચની cvigil app પણ છે. જો તમને લાગે કે, તમારી આસપાસ ક્યાંક ગરબડ છે. જેમ કે, મતદાતાઓને રૂપિયા આપવામાં આવી રહ્યા છે કે ખોટો પ્રચાર થઈ રહ્યો છે તો તમે આ એપ પર જઈને ફરિયાદ કરી શકો છો. 100 મિનિટમાં જ ફરિયાદનું નિવારણ થઈ જશે.
બધી પ્રક્રિયા પાર પાડ્યા બાદ સૌથી મુશ્કેલ દિવસ મતગણતરીનો હોય છે. આખો દેશ અદ્ધર શ્વાસે રિઝલ્ટ જોવા માટે આતુર રહે છે. EVM ફટાફટ રિઝલ્ટ જાહેર કરી દેશે, પણ આ મતગણતરી માટે ચૂંટણી પંચે મહા તૈયારીઓ કરવી પડે છે. EVM તૈયાર થયા, એ પછીથી એને સ્ટ્રોંગ રૂમમાં લાવવા અને ત્યાંથી મતદાન મથક સુધી પહોંચાડવા સુધીની પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. એ પછી મતગણતરી મથક સુધી પણ ભારે સુરક્ષા અને કેમેરાની નજર હેઠળ લાવવામાં આવે છે. જેથી કોઈને કોઈ શંકા ન રહે. આમ છતાં લોકો તો આરોપો મૂકવાના જ છે. લોગો કા કામ હૈ કહેના…
તમે અવારનવાર સમાચારોમાં જોતા અને વાંચતા રહેતા હશો કે, આટલા ઉમેદવારોની સિક્યોરિટી જપ્ત થઈ ગઈ. આખરે શા માટે આ સિક્યોરિટી જપ્ત થાય છે એ સવાલ તમને કદાચ થયો હશે. કાયદા અનુસાર લોકસભાની ચૂંટણી લડવા માટે 25,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ઉમેદવારોને એમાં છૂટ આપવામાં આવી છે. SC અને ST ઉમેદવારોએ માત્ર 12,500 રૂપિયા સિક્યોરિટી રકમ જમા કરાવવાની રહે છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર જો કોઈ ઉમેદવાર બેઠક પરના કુલ મતોમાંથી 16.6 ટકા મત ના મેળવી શકે તો તેની સિક્યોરિટી રકમ જપ્ત થઈ જાય. ગઈ લોકસભાની ચૂંટણીમાં લગભગ 86 ટકા ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
આ લોકસભાની ચૂંટણીમાં તમારે નક્કી કરવું છે કે, તમારે કોની સિક્યોરિટી ડિપોઝિટ ડૂલ કરાવવી છે. આજે જાહેર કરાયેલી તારીખો નોંધી લો. તમારી જે બટન દબાવશો એનાથી જ દેશનું ભવિષ્ય નક્કી થશે. તમારા મુદ્દા, તમારી લાગણીઓ અને માગણીઓને ધ્યાનમાં રાખજો. મત આપ્યા પછી સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પણ શેર કરજો. એટલે તમારી પોસ્ટ જોઈને કદાચ કોઈ મત આપવા માટે જાય.
આટલા મોટા પાયે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેટલો ખર્ચ થશે એ જાણવું જરૂરી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં લગભગ 55 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેનાથી સ્વાભાવિક રીતે આ ચૂંટણીમાં ખર્ચ ખાસ્સો વધશે. એનો અંદાજ કેટલા લોકો આ ચૂંટણી પ્રક્રિયાની સાથે જોડાયા છે એનાથી આવી શકે છે. આ ચૂંટણીમાં 3.4 લાખ સુરક્ષા દળોના જવાનોને તહેનાત કરવામાં આવશે. 1.5 કરોડ કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલિંગ અધિકારી સામેલ છે. 10.5 લાખ પોલિંગ સ્ટેશન્સ આ ચૂંટણીમાં ઊભા કરાશે. 2100 ઓબ્ઝર્વર્સને પણ તહેનાત કરવામાં આવશે.
મતદાનના આ મહાકુંભ માટે ચૂંટણી પંચ, નેતાઓ, દેશ અને મતદાતાઓ સહિત બધા જ લોકો તૈયાર છે. વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રના આ મહાઉત્સવ કેવી રીતે ઉજવાશે એના પર સમગ્ર દુનિયાની પણ નજર રહેશે. ચાલો, આ મહાઉત્સવને સફળ બનાવીએ. એવા પ્રયાસો કરીએ કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પૂરેપૂરું મતદાન થાય.