December 22, 2024
ઘર- પરિવાર, હિન્દુત્વની ધાર.
Trilok Thaker
Expert Opinion

ઘર- પરિવાર, હિન્દુત્વની ધાર.

હિન્દુત્વ એટલે “સત “ની સત્તા. માણસના વાણી, વર્તન, વિચાર, આચાર,વૃતિ,અને ભાવમાં સાત્વિકતા નું પ્રભુત્વ એટલે હિન્દુત્વ.  યાને  સદવિચાર ,સદાચાર, સદભાવ ,સત્કર્મ વગેરે નો સમૂહ.  ભલે  કોઈ પણ જાતિ હોય ,ભાષા હોય, પ્રાંત હોય, પંથ હોય  આ બધાને એક સૂત્રમાં બાંધતું તત્ત્વ એટલે હિન્દુત્વ . કારણ કે તે ,કોઈ ધર્મગ્રંથ, સંપ્રદાય, કે જાહેર વાદ  સંવાદમાં નહીં , પણ દરેકના   ઘરમાં વસે છે , શ્વસે છે.  જેના પર સર્વનો અધિકાર છે. એનાથી જ સજ્જનતા, સજ્જ છે. .ને આવી સજ્જ્નતાનું લાલન પાલન થાય છે પરિવારમાં. પરિવાર નું સ્થાન છે  ઘર માં . ઘરના બારણાની અંદર, ખુણે ખૂણામાં, પારણામાં ઝૂલે છે હિન્દુત્વ. ને  પરંપરાઓનું   પાલન, વહન  કરે છે , કરાવે છે પરિવાર.

આપણે ભૂલવા  લાગ્યા છીએ કે હિન્દુત્વ એ આપણી સંસ્કૃતિનો પર્યાય છે, અને   સંસ્કૃતિ એટલે  પરમ્પરાઓ નો સમૂહ .અને પરિવાર એ પરંપરાનો પ્રાણ છે. આમ સદીઓથી, ઘર પરિવાર, હિન્દુત્વની સફરને અક્ષુણ્ણ રાખી રહ્યું છે. કારણકે એ આત્મિક છે, અધ્યાત્મિક છે. વૈદિક છે.

પરંતુ સ્થળ,કાલ,સંજોગો ને  કારણે ઘસાતી જતી, ઘટતી જતી  પરિવાર વ્યવસ્થા ને જોતા, આ ઘર અને પરિવારનું મહત્વ ફરી સમજાવવું જરૂરી લાગે છે. જેથી હિન્દુત્વની ચિરંતનતાને બળ મળે.

આપણા ચિર સ્થાયી સમાજ રચનાનું ઘટક ‘પરિવાર’ છે,  યાદ રહે કે  “  પરિવાર, જાતિ -સમૂહ -આધારિત છે, વ્યક્તિ આધારિત નહી . હિન્દુત્વ વ્યક્તિવાદી (individualistic ) નથી . વ્યક્તિ વાદ “ઈગો સેન્ટ્રીક” (આત્મ કેન્દ્રિત ) છે  જે વ્યક્તિઓનું કલેક્શન માત્ર બની રહે છે  જેમાં  વ્યક્તિનો સ્વાર્થ પ્રથમ હોય  છે, પણ પરસ્પર પ્રેમ, સ્નેહ સંવેદના, પડોશી ધર્મ પછી છે. વ્યક્તિ વાદ ત્યાગ નહીં પણ ભોગ ના પાયા પર પનપે છે.

કહેવાય છે, આદી કાળમાં   એક વાર લોકો ભગવાન મનુ  પાસે જઈ, વર્ણ ,જાતિ, સમાજ વગેરેની  રચના વિષે પૂછે છે ત્યારે ભગવાન મનુ “કહે છે ::વ્યક્તિને સમાજ રચનાનો પાયો નહીં ગણવો , પણ સમૂહ ને સમાજ રચનાનો પાયો -ઘટક ગણવો “”   (મનુ સ્મૃતિ ચેપ્ટર ૧ ,શ્લોક;૨) જેના પરથી “” બહુ જન હિતાય, બહુ જન સુખાય “ની  રાજ્ય ની નીતિ બની હતી. વ્યક્તિ નહી,પણ સમૂહ ને સમાજનો ઘટક બનાવવાનું કારણ પ્રકૃતિ કહો કે સમષ્ટિ પણ છે જ્યાં” એક નહીં “ અનેક “નું ચલન છે  પશુ, પ્રાણી, પંચભૂત  પણ સમૂહ -યાને પરિવારમાં જ રહે છે, આપણે ભૂલી  ગયા પણ ખુદ “ભગવાન એક હતા-અને એકો અહમ બહુસ્યામ “નો સંકલ્પ કરી અનેકમાં વહેચાઈ ગયા.  …આમ પ્રભુ ખુદ,  પરિવારમાં પરિવર્તીત થઈ ગયા. કારણકે પરિવાર જ   વર્ધન, સંવર્ધન પામવા નો  નૈસર્ગિક રસ્તો  છે.  ખુદ ભગવાન,મનુ મહારાજ બન્ને ને  અવગણી, ”એકલવાયું ઘર “ બનાવવું યોગ્ય છે ખરું??

પ્રભુના આ સર્વ ત્યાગી બલિદાનની વિરુદ્ધ કે ભગવાન મનુની   વૈદિક સુચના  વિરુધ,  હાલમાં   પુરુષ કે સ્ત્રી એકલા રહેવાની  ફેશન અપનાવી  રહ્યા  છે કે  “માત્ર અમે બે” નો પ્રયોગ ચાલી રહ્યો છે. –  આ મનોવલણ “પલાયન વાદ છે, બાળ ઉછેર ની જવાબદારીથી ભાગવાની વૃતિ છે.  જે  કુદરતી રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અતિ હાનિકારક છે.  પ્રથમ તો માનવીમાં બે ભૂખ છે : ૧. સ્નેહની ભૂખ, અને ૨.  પેટની ભૂખ. જો પેટની ભૂખ સંતોષાતા ,શારીરિક શક્તિની સાઈકલ ચાલ્યા કરે છે. પણ સ્નેહની ભૂખ સંતોષીએ તો  જ “ઈગો સેટીસફેક્સન -મનુષ્યપણાના  સંતોષની   ” માનસિક ઊર્જા મળે છે. વળી  વ્યક્તિગત પ્રશ્નો, તણાવ, ચિંતા, જયારે કોઈની સાથે શેર કરીએ છીએ ત્યારે  દુ:ખ, ચિંતા હળવી થાય છે અને  ઉકેલ મળે છે . જે વિજીગીશું અને જીજીવીશું (વિજેતા રહેવાની, જીવતા રહેવાની ) વૃતિને ટકાવી રાખે છે. એકલા રહેતા વ્યક્તિઓ  ડીપ્રેશનના જલદી ભોગ બને છે.

જ્યાં પરિવાર રહેતો હોય, તેને જ ઘર કહેવાય બાકી તો ચાર દીવાલોનું મકાન કહેવાય . “ઘર “ પરિવાર નો  સબંધ અને અર્થ , ગુજરાતી સાહિત્યમાં  એટલો તો વણાય ગયો છે અવનવી અનેક કહેવતો ,લોકોક્તિ રોજીંદા ઉપયોગમાં છે. .દા.ત. ઘરનું ખુબ જતન કરતા વ્યક્તિને આપણે “ઘરવલ્લો છે. !તો ઘર અને બહારની દુનિયા વચ્ચે નો ફર્ક સમજાવવા આપણે કહીએ છીએ “ધરતીનો છેડો ઘર “”તો વ્યક્તિઓની એક સરખી વર્તણુક,વ્યવહાર માટે આપણે કહીએ છીએ “” ઘેર ઘેર માટીના ચુલા.”   કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ/પરિવાર માટે “..એનું તો ખોરડું (ઘર)મોટું.” વગેરે વગેરે.. આમ પરિવારનું મહત્વ સમજાવતી ઉક્તિઓ છે જેમકે: સાત વાર સોનાના, પણ સૌથી મોટો વાર તો “પરિવાર”, પરિવાર અને ઘરને જોડતી ઉક્તિમાં “ઘરડા ગાડા પાછા વાળે.” “ઘરડા જ  ઘર નું ઢાંકણ”, ઘરડા જે ગત,રમત જાણે તે નાના શું જાણે”” ..વગેરે વગેરે .. લોકોક્તિઓ દ્વારા  ઘર એટલે  “એકલ દોકલ  માણસ નહીં,   પણ ઘર એટલે સમગ્ર  પરિવાર.

સનાતની હિન્દુત્વએ  ચાર પુરુષાર્થ આપ્યા . :ધર્મ, અર્થ, કામ, મોક્ષ :: આ ચારેય ની   પ્રયોગ શાળા  છે પરિવાર. આજની ભાષામાં વાત કરીએ તો “મુલ્યો”(વૅલ્યુ) જેવાકે adjustment, adaptability,cooperation, collaborative attitudes-યાને સમાધાન ,સ્વીકાર્યતા, સહયોગ, વગેરે  સામુહિક વર્તણુકના પાઠ શીખવા મળે છે. જેનાથી   (win -win situation} ની ,”આપણા સર્વની જય જય” ની ભાવના વિકસે છે.

હિંદુ પરિવારોની મહતા હવે વિશ્વના વૈજ્ઞાનિકો પણ સ્વીકારવા લાગ્યા છે જેમકે:-

ઇંગ્લેન્ડના માનસશાસ્ત્રી માઈકલ રૂટર કહે છે. “માનસિક વિકૃતિ, આત્મહત્યા, અપરાધ, વ્યસન, હતાશા વગેરે નું કારણ ભગ્ન પરિવાર છે.

        ઇગ્લેન્ડના એક વખત ના વડાપ્રધાન   શ્રીમતી માર્ગારેટ  થેચર, ભારતીય જીવન પધ્ધતી ના પ્રસંશક હતા. તેઓ કહે છે. “વિવાહ વિચ્છેદના  અંતે  તૂટતા પરિવારોને કારણે ઈંગ્લેન્ડના સામાજિક જીવનમાં જે પડકારો ઊભા થયા છે. તેનો ઉકેલ  ભારતીય પરિવારના મુલ્યો ના   પ્રશિક્ષણ થી  મળી શકે છે.          

        તે જ રીતે રોયલ બેંક ઓફ કેનેડાના મંથલી મેગેઝીન -૫૮/-લેખ ૧૦ “લેટ અસ પ્રિઝર્વ અવર ફેમીલી “ માં લખે છે :

૧. પારિવારિક પ્રેમ, સ્નેહ ન મળવાથી વધુમાં વધુ નૈતિક સામાજિક સમસ્યા સર્જાય છે.

૨. સારા સમાજ માટે વ્યક્તિમાં જે આવશ્યક સંસ્કાર જરૂરી છે તે પરિવારમાં થી મળે છે .

૩. વ્યક્તિ નિર્માણ માટે, પરિવાર પ્રથમ પગથિયું છે.

૪. પરસ્પર પુરક બનવાનું, પરસ્પરનું અવલંબનમાં રહેવાનું  પરિવાર શીખવાડે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંઘર્ષ નું નહીં ,સામંજસ્ય નું મહત્વ પરિવાર સમજાવે  છે.    

         

પ્રશ્ન એ થાય છે કે ઘરમાં કેટલા માણસો હોય તો પરિવાર  કહેવાય ?શ્રી પાંડુરંગ દાદા કહે છે.  વૈદિક સમાજ રચના  ઉતર  આપે છે કે  જે ઘરમાં ઓછામાં ઓછા ૩  આશ્રમો છે તે પૂર્ણ પરિવાર વાળું ઘર ગણાય, યાને પતી પત્નીનો ગૃહસ્થાશ્રમ છે, સાથે બાળકો છે યાને બ્રહ્મચર્યઆશ્રમ છે. માતા પિતા સાથે છે યાને વર્ણાશ્રમ પણ છે. સન્યસ્ત આશ્રમ અપેક્ષિત નથી કારણે વૈદિક વિચાર પ્રમાણે “તેના માટે તપોવન ઉપયુક્ત જગ્યા  છે”.

તો સ્વામી વિવેકાનંદજી ખુબ માર્મિક રીતે કહે છે. “ જે વ્યક્તિ પોતાના પિતાની સેવા કરવા માંગે છે તેણે સૌ પ્રથમ પોતાના સંતાનોની સેવા કરવી.””                   

અલબત વાનપ્રસ્થ વડીલ પરિવારમાં  જ્યેષ્ઠ હોવાથી અને અનુભવમાં શ્રેઠ હોવાથી આપોઆપ પરિવાર નો મુખિયા બને છે. જેના નિર્ણયો માન્ય ગણાય છે. આવો વડીલ પરિવારની શક્તિ, સામર્થ્ય  અને પોતાની સમજ નો ઉપયોગ પરિવારના શ્રેય માટે કરે છે.

દરેક પરિવારને પોતાની આગવી પરંપરા, આચાર પદ્ધતિ હોય છે જેનું પાલન કરવાનું અને કરાવવાની  ફરજ આ વડીલ ની હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ “રઘુકુલ રીત ….પ્રાણ જાય પર …બચન ન જાય “” છે. આવા  કેટલાય રાજ પરિવારો પોતાના “નાક “ની જાળવણી માટે જાત પણ હોમી દેતા હોય છે.

આપણે યાદ કરીએ ગુરુકુળ = આ ગુરુકુળ એટલે  કોઈ નામી  ગુરુ- શિષ્યનો પરિવાર. આ ગુરુના શિષ્યના   ઘર પરિવારો પરથી જ આજનો  શબ્દ “ગોત્ર” બન્યો છે. જે જ્ઞાતિનો પેટા ભાગ કહેવાય છે.  આવી જ રીતે કલાના ક્ષેત્રમાં સંગીત,નાટક ચિત્ર, નૃત્ય વગેરે માટે “ઘરાના” શબ્દ પ્રચલિત છે જે સ્પેસિફિક કલાના સ્વામી ગુરુના શિષ્ય-પરિવાર  માટેનો શબ્દ ગણાય છે.

આર્થિક ઉપાર્જન માટે ક્યારેક પરિવારને પોતાનો  વ્યવસાય હોય છે જે  પેઢીઓથી  ચાલતો આવે છે   જેને કર વ્યવસ્થા માંટે    “સંયુક્ત પરિવાર”નો ધંધો ગણાય છે :  ભારત વિશ્વનો એક જ એવો દેશ  છે જ્યાં સદીઓથી  HUF ; યાને “હિંદુ અનડીવાઈડેડ ફેમીલી” નામની આઈડેન્ટીટી  તરીકે  પ્રખ્યાત છે.

આવા આપણા હિન્દુત્વની સંસ્કૃતિનું પાલન પોષણ કરતા “ઘર પરિવાર “ ની અનોખી અપ્રતિમ સમાજ વ્યવસ્થા ને   આપણે મજબુત કરતા રહીએ  પરિવાર વ્યવસ્થા  બચાવીએ, હિન્દુત્વને રક્ષીએ. અને અપનો વારસો  પેઢી દર પેઢી સોપતા રહીએ.