September 17, 2024
સિમેન્ટ કિંગ બનવા જંગ
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion: માણસની ત્રણ મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં અને મકાન હોય છે. રોટી અને કપડાં ખરીદવા અત્યારે એટલું મુશ્કેલ નથી, પણ ઘર ખરીદવું ચોક્કસ જ મુશ્કેલ અને મોંઘું છે.

આગામી સમયમાં તમારે તમારા સપનાંનું ઘર ખરીદવા માટે કદાચ વધારે રૂપિયા ખર્ચવા પડશે. બિલ્ડર્સને પણ મકાનોના ભાવ વધારવાની ફરજ પડશે. અમારો ઇરાદો તમને ડરાવવાનો નથી, પરંતુ ભૂતકાળને જોતા અમારા એનાલિસિસનું આ તારણ છે. આ આખો મામલો સિમેન્ટનો છે. મકાનના બાંધકામમાં મુખ્ય જરૂરિયાત સિમેન્ટની હોય છે. હવે, સિમેન્ટના ભાવ વધી જાય તો એની સીધી અસર મકાનોની કિંમત પર થાય.

અમારી વાત સાંભળીને તમને કદાચ પ્રશ્ન પણ થાય કે, સિમેન્ટના ભાવ વધવાની શક્યતા શા માટે છે ? શું કોઈ નવો વેરો લાદવામાં આવ્યો છે ? બિલકુલ નહીં. મોનોપોલીના કારણે જ સિમેન્ટના ભાવ વધી શકે છે. આ આખી વાતને સમજાવવા માટે અમે તમને જિયોની વાત કરીશું. ફરી કદાચ તમને સવાલ થાય કે, જિયો અને સિમેન્ટ વચ્ચે શું સંબંધ છે ? આ સંબંધ મોનોપોલીનો છે.

રિલાયન્સ જિયોની એન્ટ્રી પહેલાં ટેલિકોમ માર્કેટમાં અનેક કંપનીઓ હતી. જિયોની એન્ટ્રી થતાં જ આ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. શરૂઆતમાં રિલાયન્સ જિયો સાવ સસ્તા ભાવે ઇન્ટરનેટ આપતું હતું. એટલે લોકોને મજા પડી ગઈ. વધુને વધુ લોકો કહેવા લાગ્યા કે, જુગ જુગ જિયો. જિયોના સુનામીમાં સૌથી વધુ અસર BSNLને થઈ. એ પછી બીજી કેટલીક ખાનગી કંપનીઓને અસર થઈ. ધીરે-ધીરે રિલાયન્સ જિયોએ સમગ્ર માર્કેટને કેપ્ચર કર્યું. હવે, સ્થિતિ એ છે કે, રિલાયન્સ જિયો ભાવ વધારે તો બીજી ખાનગી ટેલિકોમ કંપનીઓ પણ ભાવ વધારી દે છે. એટલે કે, અત્યારે ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોની મોનોપોલી છે. હવે, રિલાયન્સ જિયોએ ભાવ વધાર્યા તો લોકોને BSNLની યાદ આવી ગઈ. જિયોના ઉદાહરણથી તમને સમજાઈ ગયું હશે કે, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ એક કંપનીની મોનોપોલી થઈ જાય તો તમને એની સીધી અસર થાય.

સિમેન્ટ સેક્ટરમાં મોનોપોલીની જ સ્થિતિ સર્જાઈ રહી છે. આ સેક્ટરમાં નંબર વન બનવા માટે બે ઉદ્યોગપતિઓની વચ્ચે ભારે જંગ જોવા મળી રહ્યો છે. ગૌતમ અદાણી અને કુમાર મંગલમ બિરલાની વચ્ચે આ જંગ જામ્યો છે.

2022માં સિમેન્ટના ક્ષેત્રમાં અદાણી ગ્રૂપની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACC લિમિટેડ હસ્તગત કરીને અદાણી હવે સિમેન્ટનું ઉત્પાદન કરતું બીજા નંબરનું ગ્રૂપ બની ગયું. અદાણી ગ્રૂપે 2023માં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને પણ હસ્તગત કરી. એટલે કે, સિમેન્ટ સેક્ટરમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું. અદાણી ગ્રૂપે આ જ વર્ષે પેન્ના સિમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખરીદી. કોઈ પણ સેક્ટરમાં પ્રવેશતાની સાથે જ અદાણી ગ્રૂપનો દબદબો થઈ જાય છે. જેના લીધે એ સેક્ટરની બીજી કંપનીઓમાં ડર ફેલાઈ જાય છે.
અદાણી ગ્રૂપની ધમાકેદાર શરૂઆત થઈ. એટલે આ સેક્ટરના લીડર અલ્ટ્રાટેકે પણ પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવાના પ્રયત્નો કર્યા. અલ્ટ્રાટેકે બે વર્ષમાં છ ડીલ કરી દીધી છે. અલ્ટ્રાટેક કંપની બિરલા ગ્રૂપની છે. અલ્ટ્રાટેકના બોર્ડે ઇન્ડિયા સિમેન્ટ્સમાં વધુ 33 ટકા હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં જૂનમાં અલ્ટ્રાટેકે આ જ કંપનીમાં 23 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

ગૌતમ અદાણી અને કુમાર મંગલમ બિરલા વચ્ચે સિમેન્ટ કિંગ બનવા માટે જોરદાર જંગ જામ્યો છે. સામાન્ય માણસો મોલમાં જઈને વસ્તુઓ ખરીદતા હોય એ જ રીતે આ બંને અબજોપતિઓ સિમેન્ટ કંપનીઓ ખરીદી રહ્યા છે. બંને અબજોપતિઓની પાસે ભરપૂર રૂપિયા આપે છે. આવી સ્થિતિમાં નાની કે મધ્યમ કક્ષાની સિમેન્ટ કંપનીઓને ફાયદો થઈ શકે છે. તેમને સારી ઓફર મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓરિએન્ટ સિમેન્ટને અદાણી અને બિરલા બંને ગ્રૂપ ખરીદવા માગે છે. એ જ રીતે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, મંગલમ સિમેન્ટ લિમિટેડ, વદરાજ સિમેન્ટ લિમિટેડ અને બગલકોટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર પણ આ બંને અબજોપતિઓની નજર હોય એમ કહેવામાં આવી રહ્યું છે.

અદાણી ગ્રૂપની એન્ટ્રી પછી જ અલ્ટ્રાટેકે સિમેન્ટ કંપનીઓ ખરીદવાનું શરૂ કર્યું હતું. વાસ્તવમાં અલ્ટ્રાટેક વર્ષોથી સિમેન્ટ સેક્ટરમાં નંબર વન કંપની છે. બિરલાને ડર લાગવા લાગ્યો કે, ભવિષ્યમાં અદાણી ગ્રૂપ ઓવરટેક કરી શકે છે. અત્યારે તો અલ્ટ્રાટેક જ આગળ છે. અલ્ટ્રાટેકની અત્યારે 150 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદનની કેપેસિટી છે. બીજી તરફ અદાણી ગ્રૂપની અત્યારે 79 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદનની કેપેસિટી છે.

અત્યારે તો બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની જ આગળ છે. જોકે, અદાણી ગ્રૂપ જે રીતે કંપનીઓ ખરીદી કરી રહી છે એ જોતા તે ભવિષ્યમાં અલ્ટ્રાટેકને ઓવરટેક કરી શકે છે. એટલા માટે જ બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક અત્યારે અદાણીની જેમ કંપનીઓ ખરીદી રહી છે. અમે તમને શરૂઆતમાં જ રિલાયન્સ જિયોની વાત કરી હતી. વાસ્તવમાં બિરલાને જિયો જેવી સિચ્યુએશન ઊભી થવાનો ડર છે. રિલાયન્સ જિયોના કારણે અનેક ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાન થયું. આવી જ એક કંપની વોડાફોન છે. જેના બોર્ડમાં કુમાર મંગલમ બિરલા છે. વોડફોનની સાથે સંકળાયેલા હોવાના કારણે કુમાર મંગલમ બિરલા સારી રીતે જાણે છે કે, મોનોપોલીની કેવી અસર થાય છે. એટલે જ વોડાફોનની જેમ અલ્ટ્રાટેકને અસર થાય એમ તેઓ નથી ઇચ્છતા.

અદાણી અને બિરલા બંને ગ્રૂપ્સ પોતપોતાનું સ્થાન મજબૂત કરી રહ્યાં છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય એમ આ બંને ગ્રૂપ્સ નાની અને મધ્યમ કક્ષાની સિમેન્ટ કંપનીઓને ગળી રહી છે. એક વખત આ ખેલ પૂરો થશે. એટલે બંને ગ્રૂપ્સ સિમેન્ટના ભાવ વધારી શકે છે.
અદાણી ગ્રૂપ એનર્જીથી લઈને એરપોર્ટ સુધી એમ અનેક સેક્ટર્સમાં એક્ટિવ છે. આખરે આ ગ્રૂપે શા માટે સિમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરી ? વળી, એન્ટ્રી કરવાની સાથે જ સિમેન્ટ સેક્ટરમાં નંબર વન બનવા માટે આટલા પ્રયાસો શા માટે ? આ તમામ જાણકારી મેળવવી જરૂરી છે.
ભારત સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ખૂબ જ ભાર મૂક્યો છે. આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 14.8 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એટલું જ નહીં ક્રિસિલ રેટિંગ અનુસાર માર્ચ 2026 સુધીમાં ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 179.2 અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બેઝિકલી રસ્તાઓ, રોડ, બ્રિજ, ટનલ, પુલ, આવાસો અને એરપોર્ટ જેવી સુવિધાઓ. આ તમામના બાંધકામમાં સ્વાભાવિક રીતે સિમેન્ટની જરૂર પડે. એટલે સિમેન્ટની ડિમાન્ડ વધશે એ પાક્કું જ છે.

ભારતમાં સતત વસ્તી વધે છે એટલે શહેરોમાં લોકોને રહેવા માટે મકાન પણ જોઈએ. મકાનોના બાંધકામના કારણે સિમેન્ટનો વપરાશ વધે. અદાણી ગ્રૂપે કદાચ ગુજરાતમાં 2036માં યોજાનારા ઓલિમ્પિક્સનો પણ વિચાર કર્યો હશે. ઓલિમ્પિક્સ ગુજરાતમાં યોજાશે તો આખી દુનિયાના લોકો ગુજરાતમાં આવશે. એટલે ઓલિમ્પિક વિલેજીઝ ઊભા કરવા પડશે. આ કન્સ્ટ્રક્શનમાં પણ સિમેન્ટનો ઉપયોગ થશે. ટૂંકમાં અદાણી ગ્રૂપે આવનારા સમયનો વિચાર કર્યો છે.

આખી દુનિયામાં સિમેન્ટના ઉત્પાદનમાં આપણો દેશ બીજા સ્થાને છે. પહેલાં નંબરે ચીન છે. ભારત અને ચીન બંને વિદેશોમાં મોટા પાયે સિમેન્ટની નિકાસ પણ કરે છે. એ રીતે બંને દેશો સારું એવું ફોરેન એક્સચેન્જ મેળવે છે. નિકાસ કરવા માટેના પોર્ટ પણ અદાણીના છે. એટલે જ અદાણી પોતાના જ પોર્ટ પરથી સિમેન્ટની નિકાસ કરી રહ્યું છે. અલ્ટ્રાટેક પણ વર્ષોથી બહેરિન, UAE અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં સિમેન્ટની નિકાસ કરી રહી છે.

આટલી ડિમાન્ડ જોઈને જ બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અદાણી ગ્રૂપ ઉત્પાદનની ક્ષમતા વધારી રહ્યા છે. જેના માટે તેઓ કંપનીઓનું શોપિંગ કરી રહ્યા છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં નવ વર્ષમાં આ રીતે મર્જર અને હસ્તગત માટે 15 જેટલી ડીલ થઈ છે. હવે, આ ડીલમાં કંપનીની કિંમત અલગ જ રીતે નક્કી થાય છે. ધારો કે, અદાણી કે અલ્ટ્રાટેકે કોઈ કંપની ખરીદવી હોય તો એની કિંમતનો આધાર ઉત્પાદન ક્ષમતા પર હોય છે. હવે, જે કંપનીનું વર્ષનું જેટલું ઉત્પાદન થતું હોય એ મુજબ રૂપિયા ચૂકવાય. અત્યારે લગભગ ટન દીઠ સાડાછ હજારની કિંમતે કંપની ખરીદવામાં આવે છે. આ સામાન્ય ભાવ છે. હવે, કોઈ કંપનીને અલ્ટ્રાટેક અને અદાણી ગ્રૂપ બંને ખરીદવા માગતા હોય તો એ સ્થિતિ જોઈને કંપની પોતાનો ભાવ વધારી પણ શકે છે.

કંપનીઓના આ શોપિંગમાં અત્યારે બધાની નજર મોટા ભાગે દક્ષિણ ભારત પર છે. દક્ષિણ ભારતમાં વાસ્તવમાં નાની નાની કંપનીઓ વધારે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતની જેમ અહીં મોટી કંપનીઓનું સામ્રાજ્ય નથી. દક્ષિણની સિમેન્ટ કંપનીઓના માલિકો સંતોષી જીવ છે. વર્ષોથી તેમણે તેમની કંપનીઓની પ્રોડક્શન કેપેસિટી વધારી જ નથી. અનેક નાની કંપનીઓ છે. અત્યારે અલ્ટ્રાટેક અને અદાણી ગ્રૂપ વચ્ચેની ફાઇટના કારણે આ નાની સિમેન્ટ કંપનીઓને મજા પડી ગઈ છે. તેઓ તો ઓફરની જ રાહ જોઈ રહ્યા છે. સાઉથમાં ખૂબ જ મોટી સંખ્યામાં સિમેન્ટ કંપનીઓ હોવાના કારણે સ્પર્ધા વધારે છે. હવે, અદાણી અને બિરલા ગ્રૂપના દક્ષિણમાં પગલાં પડતાં જ સ્થિતિ બદલાઈ રહી છે.

અદાણી ગ્રૂપે દક્ષિણ ભારતના માર્કેટને કબજે કરવા માટે જ પેન્ના સિમેન્ટ ખરીદી. જેના થોડાક દિવસ પછી અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડમાં અમુક હિસ્સો ખરીદ્યો. ચેન્નઈની કંપની ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડની વર્ષની કેપેસિટી લગભગ 1.45 કરોડ ટનની છે. આ સાથે જ દક્ષિણ ભારતમાં અલ્ટ્રાટેકની સ્થિતિ વધારે મજબૂત થઈ છે.

અદાણી ગ્રૂપ અને અલ્ટ્રાટેક બંને ખૂબ જ આક્રમકતાથી પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. અત્યારની સ્થિતિ જોતા અલ્ટ્રાટેકને ઓવરટેક કરવું અદાણી ગ્રૂપ માટે થોડુંક મુશ્કેલ છે. બંનેની પ્રોડક્શન કેપેસિટી વચ્ચે ખાસ્સું અંતર છે. વળી, અદાણીની એન્ટ્રી પછી અલ્ટ્રાટેકે પણ પોતાની ક્ષમતા વધારી દીધી છે.

આ બંને ગ્રૂપ્સ પોતાની ક્ષમતા વધારી રહ્યા છે તો એનાથી સ્વાભાવિક રીતે આખરે તો તેમની બંનેની મોનોપોલી જ થશે. આપણા દેશમાં મોનોપોલીને રોકવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે. વાસ્તવમાં આ બંને ગ્રૂપ સિમેન્ટ કિંગ બનવાના ચક્કરમાં એક હદથી વધુ સિમેન્ટ કંપનીઓ હસ્તગત કરશે તો એ બદલ તેમની વિરુદ્ધ પગલાં લેવાઈ શકે છે. આ તો નિયમ જોતા આદર્શ સ્થિતિ છે. જોકે, ખરેખર આ બંને ગ્રૂપ્સની વિરુદ્ધ પગલાં લેવાશે કે નહીં એ તો સમય જ કહેશે.

જોકે, કેટલીક કંપનીઓ આ બંને ગ્રૂપ્સને ટક્કર આપવાના મૂડમાં છે. અનેક કંપનીઓએ તેમની પ્રોડક્શન કેપેસિટી વધારી દીધી છે. તેઓ શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર નથી. મોનોપોલી ઊભી ન થાય એના માટે આવી કંપનીઓની જરૂર છે. કોઈ પણ સેક્ટરમાં મોનોપોલી ઊભી થાય તો એનાથી આખરે દેશના સામાન્ય લોકોને જ નુકસાન થાય. 141 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશની ઓળખ વૈવિધ્યતા છે. અહીં અનેક ભાષા, બોલી, ધર્મ અને સંપ્રદાય છે. તમામ બજારોમાં પણ આવી જ વૈવિધ્યતા જળવાઈ રહે એ આખરે લોકોના જ હિતમાં છે. મૂળ વાત એટલી જ છે કે, લોકોની પાસે ઓપ્શનનો પાવર હોવો જોઈએ.