May 20, 2024
હાર EVMની, જીત પોતાની
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

જો કોઈનું કામ ખરાબ ન કરી શકાય તો તેનું નામ ખરાબ કરવું જોઈએ. દુશ્મનને ખલાસ કરવાની આ એક રણનીતિ છે. નામ ખરાબ કરવું એટલે કે, દુશ્મનનો ખોટો પ્રચાર કરવો. તેના પર એલફેલ આરોપો મૂકવા. તેના ચરિત્ર પર કાદવ ઉછાડવાનો. ભલે આરોપોમાં કોઈ દમ ના હોય, પણ આરોપો મૂકવા જરૂરી છે. વિરોધ પક્ષો પણ સતત આરોપો મૂકી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે, શું કેટલાક પક્ષો આ રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે? આ પાર્ટીઓ અત્યારે EVM એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને પણ બદનામ કરી રહી છે. અત્યારથી જ વિરોધી પાર્ટીઓ કાગારોળ મચાવી રહી છે. અમે તમને જણાવીશું કે, શું ખરેખર ચૂંટણીમાં ‘ફિક્સિંગ’ થઈ શકે? એના પહેલાં આ ‘ફિક્સિંગ’નો આરોપ રાહુલ ગાંધીએ મૂક્યો હતો.
રાહુલ ગાંધીએ EVMને દેશમાંથી હટાવવાની વાત કરી છે. હવે, બીજી બાજુ તેમની જ પાર્ટીના લીડર શશી થરૂરે EVMના ટ્રાન્સપોર્ટેશનને લઈને સવાલો ઉઠાવ્યા છે. વાત માત્ર રાહુલ ગાંધી અને શશી થરૂરની નથી. બીજી પાર્ટીઓના અનેક નેતાઓ પણ EVMને લઈને સવાલો કરી રહ્યા છે. જાણે કે, આવા સવાલો કરવાની રાજકીય ફેશન થઈ ગઈ છે.
અલબત્ત ચૂંટણીમાં જીત મળે તો આ જ આ નેતાઓ EVMને ભૂલી જાય છે. પોતાની પીઠ થાબડવા લાગે છે. જોકે, હાર મળતાં જ તેઓ કહેવા લાગે છે કે, ગરબડ થઈ છે. આ ગરબડ માનસિકતાની છે. EVMમાં તો નથી જ. અમે આખી વાત તમને સમજાવીશું કે, શા માટે EVMમાં હેકિંગ કે ગરબડ શક્ય નથી.

ચૂંટણી પંચ ભારતમાં ચૂંટણીઓને નિષ્પક્ષ બનાવવા માટે પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. EVMને લઈને દસ વર્ષ પહેલાં પણ સવાલ ઉઠાવાયા હતા. એટલે જ ચૂંટણી પંચે 2014માં VVPATનો અમલ કર્યો. VVPAT એટલે કે Voter Verifiable Paper Audit Trail. વોટિંગ મશીનની બાજુમાં VVPAT મુકાય. તમે EVMમાં બટન દબાવો. તમે જેને વોટ આપ્યો હોય ખરેખર તેને જ વોટ ગયો છે કે નહીં એની ખાતરી VVPATથી થાય છે. VVPATથી તમને એક રસીદ હાથમાં મળે છે. એટલે તમને ખાતરી થઈ જાય. એ રસીદ તમને બતાવવા માટે જ હોય છે. એ પછી રસીદ બોક્સમાં નાંખવામાં આવે.
મતદાનની સમગ્ર પ્રક્રિયામાં ત્રણ પ્રકારનાં મશીન હોય. એક તો બેલેટ યુનિટ હોય છે. જેને વોટિંગ મશીન કહેવાય છે. જેમાં તમે ઉમેદવારના નામની આગળ બટન દબાવો છે. બીજું VVPAT હોય છે. ત્રીજો ભાગ કન્ટ્રોલ યુનિટ હોય છે.
કોઈ વોટર મત આપવા જાય ત્યારે ચૂંટણી અધિકારી કન્ટ્રોલ યુનિટનું બટન દબાવે. એટલે વોટિંગ મશીનમાં ગ્રીન લાઇટ થાય છે. એટલે વોટર વોટ આપી શકે. આનાથી ફાયદો એ છે કે, વોટર એક જ વખત મત આપી શકે.
વોટિંગ મશીન, VVPAT અને કન્ટ્રોલ યુનિટ ત્રણેય એકબીજાની સાથે જોડાયેલા છે. હવે, વાત છેડછાડના આરોપની છે. એટલે અમે સ્પષ્ટતા કરીશું. આ આરોપોથી દેશનું નામ પણ ખરાબ થાય છે. એટલે જ અમે દેશના હિત ખાતર આ ખુલાસો કરીએ છીએ. આ આખી સિસ્ટમમાં SELF DIAGNOSTIC SYSTEM અને TAMPER DETECTION PROGRAMME હોય છે. એટલે કે, કોઈ પણ વ્યક્તિ EVMમાં છેડછાડ કરવાની કોશિશ કરે તો આ સિસ્ટમ એને પકડી પાડે છે. હવે, અમે EVMની યાત્રા કહીશું. એ ક્યાં બને છે ત્યાંથી લઈને તમારા મતદાન કેન્દ્ર સુધીની યાત્રા અમે કહીશું.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એમ બે સરકારી એકમો વોટિંગ મશીન્સ તૈયાર કરે છે. તમામ EVM ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની પાસે હોય છે. ચૂંટણીની તારીખો નજીક આવતાં દેશભરમાં EVMના ડિસ્ટ્રિબ્યૂશનની શરૂઆત થવા લાગે છે.
સૌથી પહેલાં EVMને જિલ્લાનાં હેડક્વાર્ટરના સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવે છે. અહીં તમામ કામગીરી સીસીટીવી કેમેરામાં કેદ કરાય છે. સ્પેશ્યલ સિક્યોરિટી ફોર્સીસના જવાનો તહેનાત હોય છે. ચોક્કસ સીરિયલ નંબર્સ ફાળવવામાં આવે છે. કોમ્પ્યુટર રેન્ડમલી આ સીરિયલ નંબર પસંદ કરે છે. એટલે કયું મશીન કયા બૂથમાં જશે એની કોઈને ખબર ના પડે. EVMને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે ત્યારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હોય છે. જેમ કે, ગુજરાતની વાત કરીએ તો અહીં BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટીઓના પ્રતિનિધિઓ એ સમયે હાજર હોય છે. આ બધાની હાજરીમાં EVM સ્ટ્રોંગ રૂમમાં મુકાય છે. એ પછી એને સીલ કરાય છે અને બહાર સુરક્ષા દળોના જવાનો તહેનાત રહે છે. સીસીટીવીથી સતત રેકોર્ડિંગ થાય છે. એટલે કોઈને લાગે કે, કંઇક ગરબડ છે તો એ ચેક કરી શકે છે.
વોટિંગને થોડાક દિવસ બાકી હોય ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી વોટિંગ મશીનને અલગ-અલગ બેઠકોમાં લઈ જવાય છે. આ બેઠકોમાં સ્ટ્રોંગ રૂમમાં વોટિંગ મશીનને મુકાય છે. જિલ્લાના હેડક્વાર્ટરના સ્ટ્રોંગ રૂમ જેવી જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલે કે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એ સમયે હાજર હોય છે. સુરક્ષા દળોના જવાનો પણ હોય છે. આ દરેક EVMનું યુનિક આઇડી હોય છે. સ્ટ્રોંગ રૂમમાંથી EVM મતદાન કેન્દ્રો સુધી પહોંચે છે. અહીં અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ EVMનાં યુનિક આઇડી મેચ કરે છે. એની નોંધ કરવામાં આવે છે.
મતદાન શરૂ થાય એના પહેલાં EVMનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. એ સમયે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હોય છે. અમે વોટિંગ મશીનના પ્રોડક્શનથી લઈને મતદાન કેન્દ્ર સુધીની EVMની યાત્રા કહી. જેના પછી તમારી ફરજ શરૂ થાય છે. આ ફરજ છે મત આપવાની. તમે મત આપવા જાવો. તમે મત આપી દીધા. એ પછી EVM અને VVPATને મેચ કરાય છે. એ વખતે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હોય છે. ચૂંટણી દરમ્યાન પણ કંઇક પણ ગરબડ થાય તો ચૂંટણી રોકી દેવાય છે. મતદાન પૂરું થઈ જાય એટલે તમામ પાર્ટીઓના નેતાઓની સાઇન લેવાય છે. વોટિંગ મશીન સીલ કરાય.
ચૂંટણીઓમાં બીજેપીની જેમ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહે છે. આમ છતાં વિરોધી પાર્ટીઓ ગરબડનો આરોપ મૂકે છે.
આટઆટલી પ્રક્રિયા પછી પણ સવાલો ઊભા કરવા કેટલા યોગ્ય છે? વિરોધી પાર્ટીઓએ કયા આરોપો મૂક્યા અને આ આરોપો શા માટે ખોટા છે એની એક-એક વિગત જણાવીશું.

રાજકીય પાર્ટીઓ આરોપ મૂકે છે કે, એક હજાર મત સુધી જ ટેસ્ટિંગ થાય છે. જોકે, ખરી ગરબડ તો એક લાખ મત પડી જાય એ પછી જ શરૂ થાય છે.
અમે તમને પહેલાં જ કહ્યું કે, સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ફોર્સીસના જવાનોની હાજરી હોય છે. એનું રેકોર્ડિંગ પણ હોય છે. શું એમ છતાં આવી ગરબડ શક્ય છે? વાત એક લાખ મત પડ્યા બાદ ગરબડ કરવાના આરોપની છે તો એનું પણ ચેકિંગ કરાયું છે. એક લાખ મત પછી પણ વોટિંગ મશીન અને VVPATના ડેટાને મેચ કરાયો છે.
કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટે તમે એક વખત બટન દબાવો, પણ એ પાર્ટીને બે મત મળે. એટલે કે એક કા ડબલ થઈ જાય.
આવો આરોપ મૂકનારા નેતાઓને પણ ખ્યાલ છે કે, એ શક્ય નથી. કેમ કે, વોટિંગને VVPATની સાથે મેચ કરાય છે.
હવે, અમે ત્રીજા આરોપ વિશે જણાવીશું.
મતદાન થઈ ગયા પછી કોઈ ચોક્કસ પાર્ટીના મત વધારવામાં આવે છે. કેટલાક નેતાઓએ આવો પણ આરોપ મૂક્યો છે.
હકીકત એ છે કે, મતદાન થઈ ગયા પછી પોલિંગ બૂથનો ઇનચાર્જ અધિકારી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં વોટિંગ મશીનને સીલ કરે છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ નોંધી લે છે કે, કયા વોટિંગ મશીનમાં કેટલા મત પડ્યા છે. એટલે જ સવાલ છે કે, શા માટે EVMને બદનામ કરાય છે?
માની લો કે, કોઈ એક EVMમાં એક હજાર મત પડ્યા છે. એટલે નોંધ લેવાશે કે આ IDવાળા મશીનમાં એક હજાર મત પડ્યા છે. વોટિંગ બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ વેરિફાય કર્યા બાદ જ સાઇન કરે છે. એ લિસ્ટ બધા પ્રતિનિધિઓને મોકલવામાં આવે છે.
મતદાનની ક્યારે શરૂઆત કરવામાં આવી અને ક્યારે મતદાન પૂરું થયું એ ચોક્કસ સમયની નોંધ કરવામાં આવે છે. કોઈ છેડછાડ કરવાની કોશિશ કરે તો ટાઇમના આધારે ખબર પડી જાય. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઓકે કરે એ પછી જ વોટિંગ મશીન સીલ થાય છે. રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને એક યુનિક પરચી આપવામાં આવે છે. બીજી પરચી અધિકારી પોતાની પાસે રાખે છે. બંને પાર્ટીઓના કોડ એક સાથે મળે ત્યારે જ મશીન ખૂલે.
હવે, સીધા મતગણતરીના દિવસની વાત કરીશું. બધાનાં હૃદયના ધબકારા વધી જતા હોય છે. કોઈ ચૂક ના થાય એટલા માટે રાજકીય પક્ષો પણ પોતાના પ્રતિનિધિઓને મતગણતરીના સ્થળે મોકલે છે. તેમની હાજરીમાં જ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવે છે. અધિકારીઓ અને નેતાઓના પ્રતિનિધિઓ હા પાડે એ પછી જ મશીન ખોલવામાં આવે છે. મશીન ઓપન થઈ ગયા પછી મતગણતરી શરૂ થાય છે. પ્રિસાઇડિંગ ઓફિસર રિઝલ્ટ્સ બતાવે છે. રિઝલ્ટ્સને રેન્ડમલી VVPATની સાથે મેચ કરાય છે. જો EVMમાં BJPને 100 મત મળ્યા હોય અને કોંગ્રેસને 90 મત મળ્યા હોય તો VVPATમાં પણ એટલા જ મત બતાવવા જોઈએ. આખરે તમારી સમક્ષ રિઝલ્ટ જાહેર કરાય છે અને જનતાએ કોની ગેરંટીમાં વિશ્વાસ મૂક્યો એની ખબર પડી જાય છે.
જનતા સમક્ષ કહેવા માટે કોઈ મુદ્દા હોતા નથી ત્યારે ખોટા આરોપો મૂકવાની એક પરંપરા ચાલી રહી છે. EVMને ખૂબ બદનામ કરાયું છે. એટલે ચૂંટણી પંચને પણ લાગ્યું કે, નિર્દોષ EVMને બદનામ કરનારાઓને જવાબ આપવો જ જોઈએ.
ચૂંટણી પંચે જાહેર પડકાર ફેંક્યો. આરોપ મૂકનારા નેતાઓને બોલાવ્યા કે, આવો અને પુરવાર કરો કે EVM હેક કરી શકાય છે. કોઈ પણ પાર્ટી નહોતી ગઈ. બે પાર્ટીના લોકો ત્યાં પહોંચ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ તેમને પૂછ્યું હતું કે, તમે કેમ આવ્યા? આ લોકોએ કહ્યું કે, અમે તો અમસ્તા જ આવ્યા છીએ. આ જ વાત ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરીને કહી છે.
EVMને બીચારો ગણીને નેતાઓ આરોપો મૂકતા રહ્યા, પણ આખરે જીત તો EVMની જ થઈ છે.
2001માં મદ્રાસ હાઈ કોર્ટમાં ઇવીએમ વિરુદ્ધ અરજી કરાઈ હતી. તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પ્રતિબંધની માગણી થઈ હતી. અદાલતે કહ્યું કે, આ અરજી ખોટી છે. અદાલતે ચૂંટણી પ્રક્રિયામાં કેટલી મોટી સંખ્યામાં કાગળોનો ઉપયોગ થાય છે એનું કારણ આપ્યું.
2004માં કર્ણાટક હાઈ કોર્ટમાં પણ EVMનો મામલો લઈ જવાયો. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, EVMમાં તો છેડછાડ કરી શકાય છે. અદાલતે કહ્યું કે, તમે છેડછાડની વાત કરો છો. EVM તો દેશનું ગૌરવ છે.
EVMએ ખૂબ લાંબી લડાઈ લડવી પડી છે. આ બે હાઈ કોર્ટની જ વાત નથી. રાજસ્થાન, ગુજરાત, બોમ્બે, મધ્ય પ્રદેશ અને દિલ્હીની અદાલતોમાં પણ EVMએ પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડી છે.
2013થી 2023 દરમ્યાન સુપ્રીમ કોર્ટે નવ કેસમાં EVMની તરફેણમાં ચુકાદા આપ્યા છે. દરેક કેસ બાદ EVM મજબૂતીથી બહાર આવ્યું છે.
હવે, સુપ્રીમ કોર્ટના વધુ એક ચુકાદાની વાત કરીશું. સુપ્રીમ કોર્ટે નવા ચુકાદામાં EVMમાં ગરબડનો આરોપ મૂકતી અરજીઓ પર સુનાવણી કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
અદાલતે સ્પષ્ટ કહ્યું કે, ‘અમારે કેટલી અરજીઓ પર સુનાવણી કરવાની? અમે થોડા સમય પહેલાં જ તો VVPAT વિશેની એક અરજી પર સુનાવણી કરી હતી. અમે ધારણાઓને સાચી ના માની શકીએ. દરેક રીતના સારાનરસા ગુણો હોય છે. સોરી, અમે આ અરજી પર સુનાવણી નહીં કરીએ.’
પીએમ મોદીએ જણાવ્યું કે, કેવી રીતે વિરોધ પક્ષના નેતાઓ EVMને ટાર્ગેટ કરે છે.
સવાલ એ છે કે, વોટિંગ મશીને કેટલી વખત અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે? EVMએ માનહાનિનો દાવો કરવો જોઈએ. અમારો કહેવાનો અર્થ એ છે કે, EVM વતી ચૂંટણી પંચે આવો દાવો કરવો જોઈએ. તો જ નેતાઓ ખોટા આરોપો મૂકતા અટકશે.
અમે તમને EVMની યાત્રા અને અદાલતોમાં એની જીતની વાત કરી.
હવે, સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ અમે EVMની ઇનસાઇડ સ્ટોરી કહીશું. ટેક્નિકલ ભાષા પણ સમજાવીશું. આ મુદ્દો તમારે જાણવો જરૂરી છે. કેમ કે, નિર્દોષને સાથ આપવો જરૂરી છે. વાત દેશની પ્રતિષ્ઠાની પણ છે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે આજે EVMની વાત કરી રહ્યા છીએ. અમે તમને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને સિક્યોરિટી ફોર્સીસની હાજરીની વાત કરી. જેના લીધે EVMમાં છેડછાડ શક્ય નથી એ પણ જણાવ્યું. હવે, થોડા ઊંડા ઉતરીએ. થોડુંક ટેક્નિકલ નોલેજ જણાવીશું, પણ અમે એને સરળ રીતે રજૂ કરીશું. EVM એક રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને હેક કરવાની બે રીત હોય છે. એક તો વાયરનો ઉપયોગ કરીને અને બીજું વાયરલેસ.
મશીનને હેક કેવી રીતે કરવું એ અમે તમને જણાવીશું. અમે તમને હેકિંગ માટે પ્રોત્સાહન આપતા નથી. અમે તો રજૂ કરવા ઇચ્છીએ છીએ કે, EVMને હેક ના કરી શકાય. માની લો કે, કોઈએ કહ્યું કે, મારે તો EVMને હેક કરવું જ છે. અમે જ તેમને કહીશું કે, કઈ બેસ્ટ રીત છે. તમારે દરેકેદરેક વોટિંગ મશીનને વાયરથી માઇક્રોપ્રોસેસરની સાથે જોડવાનું રહે. માઇક્રોપ્રોસેસર એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર સર્કિટ ધરાવતી ચિપ છે. તમે વોટિંગ મશીન પર કોઈ બટન દબાવો છો. એટલે એ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જાય છે. માઇક્રોપ્રોસેસર એ ઇન્ફોર્મેશનને સમજવાની કોશિશ કરે છે. એનું જે પણ રિઝલ્ટ્સ આવે એ મેમરીમાં મોકલે છે. માઇક્રોપ્રોસેસર મશીનના બોસ જેવો છે. માહિતી લે છે, ગણતરી કરે છે અને રિઝલ્ટ્સ સ્ટોર કરે છે. બાદમાં જરૂર પડે ત્યારે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકાય. આ આખી પ્રક્રિયામાં વાયરથી મશીનને જોડવાનું હોય છે.
ભારત જેવા વિશાળ દેશમાં લાખો EVMનો ઉપયોગ થતો હોય એવા સમયે આ રીતથી હેકિંગ કરવું એ મિશન ઇમ્પોસિબલ જેવું છે. અમે તો તમને પહેલાં જ કહી દીધું છે કે, EVMને સ્ટોર રૂમમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા દળોના જવાનોની નજર હેઠળ રખાય છે. શું દરેકેદરેક EVMને વાયરની સાથે જોડવું શક્ય છે? એ શક્ય જ નથી.
હવે, વાયરલેસ હેકિંગની વાત કરીશું.
આ કેસમાં EVMને વાયરથી કનેક્ટ કરવાની કોઈ જ જરૂર નથી. જોકે, તમને EVMના કન્ટ્રોલ યુનિટ અને એ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ પર કામ કરે છે એની સમજ હોવી જોઈએ. આ રીતે હેકિંગ કરવા માટે વાયરલેસ લિન્કનો ઉપયોગ કરવો પડે. જેના માટે EVMમાં રેડિયો રિસીવર હોવું જોઈએ. રેડિયો રિસિવરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ અને એન્ટિના હોય છે. ચૂંટણી પંચનો દાવો કે EVMમાં આવી સર્કિટ જેવું કંઈ જ નથી.
માની લઈએ કે કોઈએ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ તૈયાર કરી. ટેક્નિકલ ભાષામાં એને ટ્રાન્સિવર કહેવાય. એને EVMમાં ઇન્સર્ટ પણ કરી દીધી. જે શક્ય જ નથી. આ બધું કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે, છતાં વિરોધ પક્ષોએ જે મુદ્દો ઉઠાવ્યો છે.
એ શંકાનું સમાધાન કરવું જરૂરી છે.
માની લો કે, આ રીતે હેકિંગ થાય તો પણ એના માટે આવા લાખો ટ્રાન્સિવર્સ જોઈએ. એને દરેક EVMમાં ઇન્સર્ટ પણ કરવા પડે. આવાં ADVANCED ટ્રાન્સિવર્સને તમે તમારી શેરીની દુકાનમાંથી ના ખરીદી શકો. બલકે, આવાં ટ્રાન્સિવર્સ ડિઝાઇન કરી શકે એવી દુનિયાભરમાં બહું થોડી કંપનીઓ છે. આવાં ટ્રાન્સિવર્સનો ખર્ચ પણ મોટો છે. એના માટે ડૉલરમાં પેમેન્ટ કરવું પડે. આવાં તો લાખો ટ્રાન્સિવર્સ જોઈએ.
એટલે તમે જ કહો કે, EVMના હેકિંગની વાતો કરવી અને એક્ચ્યુઅલમાં કરવું એ કેટલો ફરક છે. આ કહાનીનો આટલેથી અંત નથી. પિક્ચર અભી બાકી હૈ. વાત એકલા ખર્ચની નથી. ટ્રાન્સિવર્સ મળી પણ ગયાં, પણ આ ટ્રાન્સિવર્સની સાથે કનેક્ટ કરવા માટે સ્પેશ્યલ એન્ટેના જોઈએ. ટ્રાન્સિવર્સ લાખોની સંખ્યામાં જોઈએ તો એન્ટેના પણ લાખોની સંખ્યામાં જોઈએ. ટ્રાન્સિવર સાવ નાનું હોય તો એને EVMમાં છુપાવી શકાય, પણ એન્ટેનાને કેવી રીતે છુપાવી શકાય?
આપણે આ આખી વાતને ટૂંકમાં સમજીએ. ચૂંટણી પંચ, EVM બનાવતી કંપનીઓ અને વિદેશની ચિપ મેકિંગ કંપનીઓ. આ ત્રણેય મળીને નક્કી કરે તો જ એ શક્ય છે. વળી, કરોડો રૂપિયા નહીં પણ કરોડો ડૉલરની જરૂર પડે. ધારો કે આ બધું જ થઈ જાય, પણ એન્ટેના કેવી રીતે છુપાવશો?
ઇનશોર્ટ EVMનું હેકિંગ અશક્ય છે. વિરોધ પક્ષોને તો એ શક્ય લાગે છે. અદાલત અને એક્સપર્ટ્સ કહે છે કે, ખોટા આરોપો ના મૂકો. EVM હેક ના થાય. હેકિંગનો મુદ્દો ઊડી ગયો, પણ વિરોધ પક્ષમાં હોવાના કારણે વિરોધ તો કરવો જ પડે.
હવે, વિરોધ પક્ષો દલીલ કરે છે કે, ધનવાન દેશોમાં એનો ઉપયોગ થતો નથી તો આપણા દેશમાં શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ? વાત એમ છે કે ભારતની સરખામણીમાં આ દેશોમાં મતદાતાઓ અને ઉમેદવારો બંનેની સંખ્યા ઓછી હોય છે. એટલે બેલેટ પેપરનો વધારે ખર્ચ થતો નથી.
બીજી એક મહત્ત્વની વાત કરીએ. બેલેટ પેપરથી ચૂંટણી થતી હતી ત્યારે પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ થઈ છે. ઉત્તર પ્રદેશમાં કેટલાક દશક પહેલાં તો બેલેટ પેપર્સથી ભરેલી આખેઆખી ટ્રકને પણ કબજે કરી લેવામાં આવી છે. એ સિવાય પણ બીજી અનેક ગેરરીતિનો દેશ સાક્ષી રહ્યો છે.
EVMથી કોઈ જોખમ નથી એ અમે તમને સમજાવ્યું. હવે અમે એના ફાયદા ગણાવીશું. EVM બેટરીથી ચાલે છે. એટલે જ્યાં વીજળી ના હોય એવા એરિયામાં પણ એનો ઉપયોગ થઈ શકે. EVMના ઉપયોગના કારણે દસ હજાર ટન બેલેટની બચત થઈ છે. એનાથી 20 લાખ વૃક્ષો બચી ગયાં છે.
બેલેટ પેપરથી પહેલાં ચૂંટણી થતી હતી ત્યારે મતગણતરી શરૂ થાય એના ખાસ્સા સમય પછી રિઝલ્ટ્સ જાહેર કરાતું હતું. હવે તો ફટાફટ ગણતરીના કારણે ચૂંટણીના દિવસે જ પિક્ચર ક્લીયર થઈ જાય છે.
આવા ફાયદાકારક EVMનો દેશમાં સૌથી પહેલાં ક્યારે ઉપયોગ થયો હતો એ પણ તમે જાણો. ભારતમાં છેક 1982માં પહેલી વખત EVMનો ઉપયોગ થયો હતો. કેરલામાં પેરવુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માત્ર 50 મતદાન કેન્દ્રો પર એનો ઉપયોગ થયો હતો.
એ સમયથી જ આ મશીન ભારતમાં લોકશાહીના ઉત્સવનો સાક્ષી છે.
વિરોધ પક્ષો EVM પ્રત્યે વિરોધની લાગણી જગાવતી વખતે ભૂલી જાય છે કે, તેઓ લોકોના મનમાં ચૂંટણીની પ્રક્રિયા પ્રત્યે અવિશ્વાસનો માહોલ જગાવી રહ્યા છે. ચૂંટણી પંચ એક તરફ ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા ફોકસ કરી રહ્યું છે ત્યારે એવા સમયે વિરોધ પક્ષો તેમના આ પ્રયાસ પર પાણી ફેરવી રહ્યા છે.
આ વિશેષ રજૂઆત કરવાનો અમારો હેતુ સ્પષ્ટ હતો. તમે લોકસભાની ચૂંટણીમાં મત આપવા જાવ ત્યારે તમારા મનમાં EVMને લઈને કોઈ શંકા ન રહેવી જોઈએ. એ ખરેખર નિર્દોષ અને જરૂરી છે.