December 22, 2024
ચારિત્ર્ય નો ચકરાવો
Trilok Thaker

 

સત્યમ તપો જપો જ્ઞાનમ ,સર્વ વિદ્યા કળા અપી ,

નરસ્ય નિષ્ફલમ સન્તિ, યસ્ય શીલમ વિદ્યતે

 

“માણસમાં સત્ય ,તપ, જપ જ્ઞાન અને સર્વ વિદ્યાઓ, કલાઓ હોય તો પણ જો ચારિત્ર્ય ન હોય તો તે માણસ નિષ્ફળ જાય છે.

 

“વિદેશિશુ ધનમ વિદ્યા વ્યસનેશું ધનમ મતિ:

પરલોકે ધનમ ધર્મ:,શીલમ સર્વત્ર વૈ ધનમ ||”

“વિદેશમાં ધન વિદ્યા છે, સંકટ સમયે ધન બુદ્ધિ છે પરલોક માં ધન ધર્મ છે,  પરંતુ સારું ચારિત્ર્ય  બધી જગ્યાએ ધન છે.”

 

રાષ્ટ્ર નિર્માણ વ્યક્તિના નિર્માણ પર આધારિત છે અને વ્યક્તિનું નિર્માણ એટલે તેના ચારિત્ર્ય નું નિર્માણ.  જીવનના અનેક ઝંઝાવાતો, નિરાશા, દુ:ખના અંધકાર વચ્ચે પણ વ્યક્તિ ટકી જાય છે જો તેનું ચારિત્ર્ય ચમકીલું ઉજ્જવળ બન્યું હોય. આવા પ્રખર દેશવાસીઓથીજ દેશનું ચારિત્ર્ય ઉજ્જવળ હોય છે. કેમ કે વ્યક્તિજ દેશનો પાયો છે. તેની સાથો સાથ, જે દેશ ભવ્ય  ઇતિહાસ વાળો હોય, સંપત્તિ અને સંસ્કારમાં સમૃદ્ધ હોય, તેની ભાવી પેઢી પણ એટલી સમૃદ્ધ અને ગુણવાન બનશે. આમ દેશ અને દેશવાસી બન્ને એક સિક્કાની બે બાજુ છે.

આના જ્વલંત ઉદાહરણો આપણા દેશમાં જ મળે  છે. દેવતાઓ જેને પોતાની માતા બનાવવાની ઈચ્છા કરે છે, તે માતૃભૂમિના ચારિત્ર્યવાન ખોળે અનેક ભગવાન જન્મ્યાં છે,  તેમજ  ત્યાગભૂમિના તપોવનમાં રહી, આત્મચિંતનનું અભૂતપૂર્વ સાહિત્ય રચનાર ઋષીઓ થયા છે. એટલુંજ નહીં, આવા ચારિત્ર્યવાન રાષ્ટ્રની ગોદમાં અનેક વીરો પણ જન્મ્યા છે.   

 

આજે , આવા, દેશ અને દેશવાસીઓની પરસ્પર આધારિત ચારિત્ર્યની ચર્ચા કરીએ, જેથી  નવા સંકેતો મેળવી શકાય.

સહુથી પહેલા ચારિત્ર્ય એટલે શું? તેની ઝાંખી મેળવીએ.

સાવ સાદી પણ અર્થ સભર વ્યાખ્યા સ્વામી વિવેકાનન્દજી આપે છે :-

‘’માણસના માનસિક વલણો, ગુણો  અને તેની રુચીઓનો સરવાળો એટલે તેનું ચારિત્ર્ય

સ્વામીજી કહે છે ” આપણે આજે જે છીએ તે આપણા સેવેલા વિચારના પરિણામ રૂપે છીએ. વિચારોજ જીવે છે. માટે મનના વિચારો પર ખાસ લક્ષ્ય આપજો, આપણા દરેક કાર્ય, દરેક હલનચલનની છાપ આપણા મન પર પડે છે. આ છાપ સંસ્કાર બને છે. પ્રત્યેક માણસનું ચારિત્ર્ય આવા સંસ્કારના સરવાળાથી ઘડાય છે. જો સંસ્કારો શુભ હશે તો ચારિત્ર્ય સારું બનશે.”

આપણે ઘણીવાર વ્યક્તિની વાણી, વર્તણુક, વ્યવહાર, વિચાર જોઇને અભિપ્રાય બાંધીએ છીએ કે “ભાઈ સમજુ છે” કે “ભાઈ નકારાત્મક વિચારો વાળા છે” કારણ કે  અંદરનું ચારિત્ર્ય વ્યક્તિના આ ચારનું (વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર) પ્રતિબિંબ છે. 

તેઈત્રેય ઉપનીષદમાં કહેલું છે :-

જે સદા યુવાન છે, સદાચારી, સદગુણી છે આશાવાન છે, બલિષ્ઠ છે, દૃઢ નિશ્ચયી છે. તથા જે હળવી હૂંફાળી આગ જેવો છે તે જ સદચારિત્ર્યવાન છે.”

આપણી સંસ્કૃતિએ વ્યક્તિના ઘડતર માટે જીવનમાં શુદ્ધિ અને પવિત્રતાને પ્રથમ સ્થાન આપ્યું હતું. આપણા ભવ્ય વારસાના સર્જક આવા ગુણો વાળાજ  હતા. આપણે સમાજ જીવનમાં અગ્રેસર  લોકોની “પાત્રતા” ને મહત્વ આપ્યું હતું. સાધ્ય અને સાધનની શુદ્ધિ બન્નેને મહત્વ આપીને તેઓની મહાનતાને સ્વીકારી હતી . સામાજિક નેતૃત્વની નાનામાં નાની અશુદ્ધીને આપણે સ્વીકારી નહોતી.

દેશ અને દેશના લોકો, બન્નેનું ચારિત્ર્ય મજબુત હોવું જરૂરી છે આપણે ઘણા સજ્જન, ઘણા  ઉમદા વ્યક્તિઓ છીએ પણ શું આપણે  રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત છીએ ?? રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા સદગુણો જેટલી જ ઉમદા છે ખરી?? ( ઇતિહાસમાં અને આજે પણ, જયચંદો અનેક રૂપમાં  છે  જ ને !!) તેના થી વિપરીત,  ઘણા ઉમદા રાષ્ટ્રપ્રેમ વાળા નેતા, વ્યક્તિગત રીતે ભ્રષ્ટતા થી  ભરેલા નથી નજરે પડતા?? ! યાને ચારિત્ર્ય અંદર-બહાર અને સીમાની પેલે પાર, ફેલાયેલું હોવું જોઈએ.

આ સાબિત કરે છે કે વ્યક્તિ નિર્માણ એ ચારિત્ર્ય વાન રાષ્ટ્રનો પાયો છે. અને એટલે જ મજબુત ચારિત્ર્યવાળા ઘડાયેલા વ્યક્તિઓનો સમૂહ રાષ્ટ્રને મજબુતી આપે છે. જેમકે જાપાન, બીજા વિશ્વયુદ્ધમાં લગભગ નાશને કિનારે પહોંચેલ રાષ્ટ્ર પોતાના દૃઢ નિશ્ચયી, સખ્ત મહેનતુ, અને પારાવાર શિસ્ત વાળા લોકોની બદૌલત આજે  વિશ્વ અર્થકારણમાં અગ્રેસર થઈ ગયું છે . આ છે વ્યક્તિના ચારિત્ર્યની રાષ્ટ્ર પરની અસર!!.        

અલબત કોઇપણ દેશના લોકોની વર્તણુક, વાણી,વ્યવહારને જેતે દેશની પંચભૂત પ્રકૃતિ (દેશની માટી, હવા-પાણી)  ઘણી અસર કરે છે. આપણું સૌભાગ્ય છે કે આપણો દેશ ભવ્ય વિરાસત વાળો બહુરંગી ઇતિહાસ વાળો, સમૃદ્ધ સાહિત્ય વાળો, સદીઓ જુનો છે. જેણે આપણને  ઠરેલ, સહિષ્ણુ, દયાવાન બનાવ્યા છે. આમ ચારિત્ર્ય, તે દેશના  લોકોની સાઇકોલૉજી, અનથ્રોપોલોજી, સોસીયોલોજી નો વિષય બની જાય છે, તો પછી શું હોય શકે દેશનું ચારિત્ર્ય ?? યાને નેશનલ કેરેક્ટરની વ્યાખ્યા શું??  “દેશનું  ચારિત્ર્ય- યાને “નેશનલ કેરેક્ટર”ની વ્યાખ્યા જોઈએ તો “-

જે તે દેશના લોકોની ટેવ, માનસિક વલણ, દૃઢ નિર્ણય શક્તિ , વિશ્વાસ, શ્રદ્ધા, માન્યતા   અને અને અભિપ્રાયોનો  સરવાળો, એ  તે દેશનું ચારિત્ર્ય બને છે.

એક રીતે આ “નેશનલ કલ્ચર ” છે જે  દેશ અને દેશવાસીઓની  નિર્ણય પ્રક્રિયાનો પાયો બને છે. આ ચારિત્ર્ય દેશ અને બે દેશો વચ્ચેના વ્યવહારોને અસર કરે  છે.

 

સૂર્ય ના કિરણ ભલે સફેદ લાગે પણ અંદર તો સાત રંગ સમાયેલા છે. આપણો દેશ અનેક ભાષા , રીતરીવાજો, વ્યવહાર, વાણી, સંપ્રદાયો, વિચારો વગેરેની વિવિધતા વાળો છે પણ છે તો આખરે શાંતિ, ભાઈચારા, દયા-કરુણાને  ઉજાગર કરનારો દેશ! આ  છે આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ! બુદ્ધની કરુણા છે, તો સુભાષ અને શિવાજીનું લડાયક ખમીર પણ છે! હિમાલયની ઉચ્ચ ચોટીઓ પર આરધના કરતા ઋષીઓ છે તો ગામડે ગામડે જનતાની સેવા કરતા સદાવ્રતો, જલારામ, ભોજલરામ, અરે કચ્છના રણમાં પાણી અને રોટલાના ટુકડા ખવડાવતા અલ્ગારીઓ છે ! આ છે આપણું વ્યક્તિ ચારિત્ર્ય !!

તેનસિંગ, હિલરી એવરેસ્ટ પર પહોચી શક્યા. પણ કયારે ? સાથે  નેપાળી ભૂતાની શેરપા  હતા ત્યારે!! ચારિત્ર્યને સમજવા વ્યક્તિ અને રાષ્ટ્રના ભાગ જરૂર પાડીએ પણ આખરે તો પાયો  વ્યક્તિ છે. વ્યક્તિ નિર્માણ છે. કાશ! આપણું શિક્ષણ, માતા-પિતા અને સમાજ  આ વાતનું ઊંડાણ સમજે.!!  કમનસીબે, માતૃત્વ મોબાઈલમાં વ્યસ્ત છે, પિતૃત્વ પૈસામાં પસ્ત છે, અને બાળક એકલું એટલું અસ્તવ્યસ્ત છે! કોણ છે આ બાળકનું???  શેરીઓ અને ગલીઓમાં પનપતું બાળપણ એ ભવિષ્યનું રાષ્ટ્ર છે, તેમ સમજી માવજત કરીએ. રાષ્ટ્રનું ઉજ્જવળ ચારિત્ર્ય, આ બાળપણમાં છે, આ સ્વીકારી રાષ્ટ્ર પુરુષને સર્વગુણ સંપન્ન કરી વિશ્વગુરુ બનાવીએ.