January 3, 2025
ભાજપના ‘રત્ન’ને ભારત રત્ન
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

ભારતીય રાજનીતિમાં, ખાસ કરીને જમણેરી રાજનીતિમાં સૌથી કદાવર નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ અચૂક લેવું પડે. ભારત રત્ન માટે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેમની યાત્રાઓથી ભરપૂર રાજકીય યાત્રા પર એક નજર કરીએ.

આઝાદી બાદથી ભારતીય રાજકારણમાં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ જ થઈ રહી હતી. રાજીવ ગાંધીના કાર્યકાળમાં શાહબાનો કેસ સહિત આવા અનેક ઉદાહરણો મળી આવે. મતો માટે ચોક્કસ સમુદાયના હિતોને જ ધ્યાનમાં રાખવાની રાજનીતિ થઈ રહી હતી ત્યારે એવા સમયે જનસંઘે એક નવા પ્રવાહ હિન્દુત્વવાદની શરૂઆત કરી હતી. જેમાં અડવાણીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પહેલાં જનસંઘ અને બાદમાં બીજેપી સુધીના ટ્રાન્ઝિશનના સ્તંભ અડવાણી પણ રહ્યા છે.

અડવાણી સૌથી વધુ સમય સુધી બીજેપીના અધ્યક્ષ રહ્યા હતા. સંસદસભ્ય તરીકેની તેમની લગભગ ત્રણ દશક સુધીની કારકિર્દી રહી છે. તેઓ માર્ચ ૧૯૭૭થી ૧૯૭૯ દરમ્યાન કેન્દ્રીય માહિતી મંત્રી પણ રહ્યા હતા.

અડવાણી તેમના રાજકીય જીવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન સહિત અનેક પદ પર રહ્યા છે, પણ સવાલ એ છે કે તેમને ભારત રત્ન શા માટે અને અત્યારે જ શા માટે? તેમને ભારત રત્ન આપવા માટે આ પહેલાં બીજેપીની સરકારની પાસે નવ વર્ષનો સમય હતો.
રાજનીતિમાં સમયનું ખૂબ મહત્ત્વ છે. અત્યારનો સમય લોકસભાની ચૂંટણીનો છે અને આ ચૂંટણીમાં સ્વાભાવિક રીતે અયોધ્યામાં શ્રીરામ મંદિર ખૂબ જ મોટો મુદ્દો રહ્યો છે. જેના માટેનો શ્રેય લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાને પણ આપવો પડે.

એ સમયે કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશની જે સરકાર હતી એ જોતા આ સંઘ કાશીએ પહોંચે એવી શક્યતા બિલકુલ નહોતી. આમ છતાં રથયાત્રા કરવાનું કારણ હિન્દુત્વવાદી માહોલ ઊભો કરવાનો હતો. સોમનાથમાં જ્યારે અડવાણીએ વિશાળ જનમેદનીની વચ્ચે રથયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ રથયાત્રાનાં ૩૪ વર્ષ બાદ આખરે અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે અને દેશના કરોડો લોકો ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે.

આવો રામમય માહોલ હોય ત્યારે અડવાણીને કેવી રીતે ભૂલાય? ખાસ કરીને પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં અડવાણીને ગેરહાજરીને લઈને સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે વિરોધીઓને ભારતરત્ન માટે પસંદગી જડબાતોડ જવાબ છે.

અડવાણીના રાજકીય જીવનમાંથી નેતાઓ પાઠ ભણી શકે છે કે તેઓ રામરથ લઈને ગયા અને સત્તા પર પહોંચ્યા, પણ બાદમાં તેમને લાગ્યું કે હવે અન્ય પાર્ટીઓની સાથે જોડતોડ એટલે કે ગઠબંધન કર્યા વિના સત્તા મેળવવી મુશ્કેલ છે અને તેમની હિન્દુત્વવાદી છબીના કારણે પીએમ બનવાનું તેમનું સપનું સાકાર નહીં થાય.

એટલે તેઓ પાકિસ્તાનમાં ગયા અને મોહમ્મદ ઝીણાની પ્રશંસા કરી આવ્યા. તેઓ પથચ્યૂત થયા. જેનું જ પરિણામ છે કે તેઓ પીએમ બની શક્યા નથી. રામરથયાત્રા બાદ તેમણે જેટલી પણ યાત્રાઓ કરી એ નિષ્ફળ જ રહી છે.

સત્તા માટે વિચારધારાની સાથે સમાધાન કરનારાઓ માટે અડવાણી ઉત્તમ ઉદાહરણ છે. ઝીણાની પ્રશંસાને અપવાદ ગણીને આપણે ભૂલી જઈએ તો ચોક્કસ જ અડવાણી ભાજપ રત્ન છે અને રામજન્મભૂમિ મંદિર માટેના તેમના યોગદાનના કારણે તેઓ ભારતરત્ન માટે હકદાર હોવાનું સ્વાભાવિક રીતે અનેક લોકો માની રહ્યા છે.