May 9, 2024
સરસ્વતી માટે ભગીરથ પ્રયાસ
રૂષાંગ ઠાકર
Expert Opinion

ચાલો, પાણી વહી જાય એ પહેલાં પાળ બાંધીએ. પાણીને બચાવવા માટે પાણીદાર પ્રયાસ કરીએ. આજે વિશ્વ જળ દિવસ છે. આપણી સંસ્કૃતિમાં નદીઓની પૂજાનું મહત્ત્વ છે. નદીઓની પૂજાની વાત આવે ત્યારે દેશમાં સૌથી પહેલાં ત્રણ નદીઓનાં નામ લેવાય. ગંગા, યમુના અને સરસ્વતી. આપણને ગંગા અને યમુના તો વહેતી જોવા મળે છે, પણ સરસ્વતી ક્યાં દેખાય છે? જોકે, ભવિષ્યમાં દેશના લોકોને કદાચ સરસ્વતી જોવા મળી શકશે. કેમ કે, આ પવિત્ર નદીનો પ્રવાહ ફરી અસ્ખલિત વહે એ દિશામાં ભગીરથ પ્રયાસો પણ થઈ રહ્યા છે.

જે રીતે રાજા ભગીરથે ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે કઠોર તપસ્યા કરી હતી. એ પ્રકારની તપસ્યા અત્યારે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ચાલી રહી છે. આ તપસ્યા કરવાનું કારણ એ છે કે, સરસ્વતી આપણે ત્યાં માત્ર એક નદી નહીં પણ દેવી છે. સરસ્વતી જ્ઞાન અને સંગીતનાં દેવી છે. આ સરસ્વતી નદીના પુરાવા પણ મળ્યા છે. હડપ્પા સભ્યતા સરસ્વતી નદીના કિનારે જ વિકસી હતી. સરસ્વતી નદીના પ્રવાહના સ્થળોએથી 2015થી 2021 દરમ્યાન ખોદકામ કરીને સેમ્પલ મેળવાયા હતા. હિમાચલ પ્રદેશની તળેટીથી લઈને રાજસ્થાનના અનૂપગઢ જિલ્લા સુધી ખોદકામ કરીને આ સેમ્પલ્સ મેળવવામાં આવ્યા. એના કાર્બન ડેટિંગના આધારે આ ખુલાસો થયો છે. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર એઆર ચૌધરી અને તેમની ટીમ તરફથી આ રિસર્ચ કરાયું હતું.

હવે તો, રાજસ્થાન અને ગુજરાતમાં પણ સરસ્વતી નદીને જીવંત કરવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. હરિયાણા સરસ્વતી વારસા વિકાસ બોર્ડ રાજસ્થાન અને ગુજરાતમાં સરસ્વતીની શોધ કરી રહ્યું છે. આ બોર્ડે રાજસ્થાન અને ગુજરાત સરકારનો સંપર્ક પણ સાધ્યો છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ્સથી સરસ્વતી નદીની મેળવવામાં આવેલી તસવીરોનો ઊંડો અભ્યાસ કર્યો છે. જેના આધારે આ સરસ્વતીને ફરી વહેતી કરવા માટેના પ્રયાસો શરૂ થયા. ટેક્નિકલ એક્સપર્ટ્સની ટીમ ગુજરાત અને રાજસ્થાનમાં પહોંચી હતી. સિદ્ધપુર સહિત ગુજરાતનાં કેટલાંક સ્થળો પર જઈને તપાસ કરવામાં આવી હતી. કુલ સાતથી આઠ જગ્યાઓએથી રેતી, પથ્થર અને પાણીનાં નમૂના મેળવવામાં આવ્યા હતા. આ નમૂનાની દહેરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીયોલોજી દ્વારા તપાસ થશે. સરસ્વતીની શોધ માટે છેલ્લાં અનેક દશકાઓથી પ્રયાસો થઈ રહ્યા છે.

આ છે સાયન્સ જર્નલ ‘નેચર’નો રિપોર્ટ. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે, હડપ્પા સભ્યતાના સમયે આ નદી વહેતી હતી. આ નદીની બંને બાજુ વસાહતો હતી. એ હિમાલયનાં ઊંચાં શિખરો પર રહેલા ગ્લેશિયરથી નીકળીને ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગ પહોંચતી હતી. ઇસરો આ દિશામાં નક્કર કામગીરી કરી રહ્યું છે. ઇસરોએ હાઈ રિઝોલ્યૂશન ઇમેજીઝ અને સેટેલાઇટ દ્વારા સરસ્વતી નદીનો પ્રવાહ શોધી લીધો છે. ઇસરોએ સરસ્વતી નદીની બાયો ચેનલ વિશે પણ રેકોર્ડ્સ બનાવ્યા છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રિસર્ચ કરાયું હતું. આ ડિપાર્ટમેન્ટે કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં નમૂના લઈને રિસર્ચ કર્યું હતું. અનેક રિસર્ચમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, સરસ્વતી નદી હિમાચલ પ્રદેશમાં થઈને હરિયાણા, રાજસ્થાન થઈને આખરે ગુજરાતમાં કચ્છના રણમાં પણ ભળતી હતી. હકીકત એ છે કે સરસ્વતી નદીની શોધના અનેક પ્રવાહ છે. જેમ કે, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ ચન્દ્ર સિંહે એક રિસર્ચ કર્યું છે. જેમાં કંઇક જુદી જ હકીકત રજૂ કરાઈ છે. આ રિસર્ચમાં રજૂ કરાયું છે કે સરસ્વતી નદીની શરૂઆતનું સ્થળ મધ્ય પ્રદેશનું બુંદેલખંડ છે.

હવે, આપણી આસ્થાની વાત કરીએ તો આપણે માનીએ છીએ કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. જ્યાં દર 12 વર્ષે કુંભમેળો પણ યોજાય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો સિદ્ધપુરમાં પણ સરસ્વતી નદી છે. જ્યાં સરસ્વતી નદીને નર્મદાના નીરથી અસ્ખલિત કરવામાં આવી છે. હવે, સવાલ એ છે કે, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ જેવી જુદી-જુદી જગ્યાઓમાંથી કઈ જગ્યાએ વાસ્તવમાં સરસ્વતી નદીનો પ્રવાહ વહેતો હતો? કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર એઆર ચૌધરી પાસે એનો જવાબ છે. તેમણે ખુલાસો કર્યો કે, સરસ્વતી નદીનો પ્રવાહ એકધારો નથી રહ્યો. ભૂગર્ભમાં ઉથલપાથલના કારણે આ પ્રવાહ સતત બદલાતો રહ્યો છે. જેમ સમયની સાથે સરસ્વતીનો પ્રવાહ બદલાતો રહ્યો એમ કેન્દ્રમાં સરકારો બદલાતી રહી અને એ જ રીતે સરસ્વતીની શોધ માટેનો પ્રવાહ પણ બદલાતો રહ્યો.

1999થી 2004 દરમ્યાન કેન્દ્રમાં NDAની સરકાર હતી. એ સમયે સરસ્વતી નદીની શોધ માટે પ્રોજેક્ટ શરૂ થયો હતો. બાદમાં 2004માં કેન્દ્રમાં UPAની સરકાર આવી. આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો. 2014માં કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર આવી અને ફરી શરૂ થયો શોધનો પ્રવાહ. જૂન 2014માં સરકાર બની અને નવેમ્બર 2014માં તો ઇસરોનો 76 પાનાનો રિપોર્ટ તૈયાર થઈ ગયો. 2015માં હરિયાણાની ભાજપ સરકાર દ્વારા હરિયાણા સરસ્વતી વારસા વિકાસ બોર્ડ સ્થાપવામાં આવ્યું.

અત્યારે સરસ્વતીની શોધ કરવામાં આવી રહી છે. ફરીથી એને જીવંત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હકીકત એ છે કે, જો આપણે પાણી બચાવવા માટેના પ્રયાસોમાં ગંભીર નહીં થઈએ તો સરસ્વતીની શોધની જેમ એક દિવસ આપણે પાણીની શોધ કરવી પડશે. સરસ્વતી આ ધરતી પરથી લગભગ લુપ્ત થઈ ગઈ. એ જ રીતે પાણી પણ ગાયબ થઈ જશે. હવે, ગુજરાતના મહાનગરોમાં પાણીની સ્થિતિના આંકડા અમે તમને જણાવીશું. જ્યાં સૌથી ખરાબ સ્થિતિ રાજકોટની છે.

રાજકોટને માથાદીઠ 110 લીટર પાણી મળે છે. અમદાવાદને માથાદીઠ 180 લીટર, વડોદરાને 145 લીટર જ્યારે સુરતને 135 લીટર પાણી મળે છે. આજે વિશ્વ જળ દિવસે તમે ‘જળ જ જીવન’ છે એવાં સૂત્રો જોયા હશે. જોકે, ખરા અર્થમાં જ ‘જલ હૈ તો કલ હૈ’. એટલા માટે જ તમારે તમારાં સંતાનોના ભવિષ્ય માટે પાણીનો વેડફાટ ના કરવો જોઈએ અને શક્ય એટલો જળનો બચાવ કરવો જોઈએ.