January 7, 2025
આજકાલનાં બાળકો ‘ટાઇમ બોમ્બ’થી રમી રહ્યા છે?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

બે વર્ષની નવ્યા અને સોહન માટે મોબાઇલ એટલે યૂટ્યૂબ. તેઓ એના પર સોંગ્સ અને સ્ટોરીઝ જુએ છે. આઠ વર્ષના દેવ માટે ફોન એટલે ગેમ્સ. તેની મધર તેને મોબાઇલ પર અડધો કલાક ગેમ્સ રમવાની પરમિશન આપે છે, પરંતુ એ સમયગાળો અડધા કલાકથી મોટા ભાગે વધી જ જાય છે. નિર્મલ કોલેજમાં જાય છે તો તે મોટા ભાગે સોશિયલ મીડિયા પર જ ટાઇમ સ્પેન્ડ કરે છે. મોબાઇલનો અર્થ જુદી-જુદી એજના લોકો માટે જુદો-જુદો છે, પરંતુ આખરે બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ બાબતે મોટા ભાગનાં પેરેન્ટ્સ સ્ટ્રિક્ટ રહે છે. જેના માટે જુદાં-જુદાં કારણો જવાબદાર છે. સૌથી વધારે ચિંતા સંતાનોનો સમય વેડફાવાની અને બીજી ચિંતા તેમની આંખોને નુકસાન પહોંચવાની છે.
મોટાભાગના પેરેન્ટ્સ માને છે કે મોબાઇલની ડિસ્પ્લે લાઇટ તેમનાં બાળકની દૃષ્ટિને નબળી પાડશે. અમેરિકાના ઓહિયોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટોલેડોએ તેના રિસર્ચમાં લખ્યું છે કે, બ્લૂ લાઇટ રેટિનાને નુકસાન પહોંચાડે છે. રેટિનામાં ફોટોરિસેપ્ટર સેલ્સ હોય છે. એ કોઈ પણ ઇમેજનો ફોટો લઈને એને દિમાગ સુધી પહોંચાડે છે અને દિમાગ આપણને જણાવે છે કે, સામે શું છે. જોકે, આ રિસર્ચમાં અનેક બાબતો સ્પષ્ટ થઈ શકી નથી. જેમ કે, કેટલા સમય સુધી બ્લૂ લાઇટના સંપર્કમાં રહેવાથી દૃષ્ટિ વીક થઈ જાય છે.

આમ છતાં મોબાઇલને લઈને સૌથી મોટી ફરિયાદ એ છે કે, એ બાળકોની દૃષ્ટિ નબળી પાડી દેશે. જોકે, નિષ્ણાતો અનુસાર એક ચોક્કસ અંતરથી મોબાઇલનો ઉપયોગ કરવામાં આવે અને ફોન આંખોની બરાબર સામે હોય તો સમસ્યા ઓછી રહે છે.
નિષ્ણાતો અનુસાર, જો તમે તમારા બાળકોને 30 મિનિટ ફોનનો ઉપયોગ કરવા દો છો તો એના પછીની 30 મિનિટ સુધી પોતાના બાળકને એવી એક્ટિવિટીઝ કરાવો કે જેથી તેમની આંખોની એક્સરસાઇઝ થાય. તેમને ટેનિસ, ફુટબોલ અને બેઝબોલ જેવી ગેમ્સ રમવા માટે કહી શકો છો.
ભારતમાં જ નહીં બ્રિટન, અમેરિકા અને ચીન જેવા દેશોમાં બાળકોના મોબાઇલ ફોનના ઉપયોગ પર અનેક વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના 12.8 ટકા બાળકો રોજ ત્રણ કલાક સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરે છે. અમેરિકામાં 5થી 16 વર્ષના 70 ટકા બાળકોની પાસે પોતાનો ફોન છે. ભારતમાં પણ 95 ટકા બાળકોના ઘરમાં મોબાઇલ છે.
બ્રિટનમાં બીજી ચિંતા છે. 1999ની સરખામણીમાં ત્યાંનાં બાળકોમાં માનસિક સમસ્યાઓ વધી છે. એક્સપર્ટ્સનું એક ગ્રૂપ એના માટે મોબાઇલને કારણ માને છે, પરંતુ આ બાબતે પણ નક્કર રિસર્ચ થયું નથી. કેમ કે, બાળકોની લાઇફસ્ટાઇલમાં ચેન્જીઝ અને આઉટડોર એક્ટિવિટીઝનો અભાવને પણ માનસિક સમસ્યાઓ માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બાળકોના મોબાઇલ ઉપયોગ પર દુનિયાભરના પેરેન્ટ્સ એ બાબતે સંમત છે કે, તેમને મોબાઇલથી શક્ય એટલા દૂર રાખવા જોઈએ. ગૂગલ પર એવા આર્ટિકલ્સ એટલા મોટા પ્રમાણ છે કે જેમાં મોબાઇલના ઉપયોગના ખતરાં ગણાવવામાં આવી રહ્યા છે. એ વાચીને એમ જ લાગે કે, જાણે બાળકો મોબાઇલ નહીં પણ ટાઇમ બોમ્બ ઓપરેટ કરી રહ્યા હોય.
આ બધા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકોના મોબાઇલ ઉપયોગ પર ગાઇડલાઇન્સ બનાવી છે. એ અનુસાર એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ ના આપવો જોઈએ. 2થી 4 વર્ષની ઉંમરનાં બાળકો બેસીને રોજ એક કલાક મોબાઇલનો ઉપયોગ કરી શકે છે. જોકે, આ ગાઇડલાઇન્સની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે, મોબાઇલનો વધુ ઉપયોગ નુકસાનકારક છે.
વાસ્તવિકતા એ છે કે, મોબાઇલના ઉપયોગની બાળકો પર વિપરીત અસરો વિશે કોઈ નક્કર પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. વિરોધાભાસી તારણો રજૂ કરવામાં આવી રહ્યાં છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, બાળકોના મોબાઇલના ઉપયોગ પર રિસ્ટ્રિક્શન્સ લાદવા જરૂરી છે, પરંતુ એ રિસ્ટ્રિક્શન્સ શેના માટે છે એ વિશે પણ બાળકોને સમજાવવાં જોઈએ.
એ હકીકતને નકારી ન શકાય કે, મોબાઇલ બાળકોની સેફ્ટી માટે જરૂરી છે. બાળકોને મોબાઇલનો સારી રીતે ઉપયોગ કરતા શીખવવું જોઈએ. તેમને સમજાવવું જોઈએ કે, ક્યારેય અજાણ્યા નંબરોથી આવતા કોલ્સ કે મેસેજનો જવાબ ના આપવો. એપ્સ અને ગેમ્સ રમવાની લિમિટ નક્કી કરવી જોઈએ. જેમાં હિંસાને પ્રોત્સાહન અપાતું હોય તેવી ગેમ્સ ના રમવા દેવી જોઈએ. દરેક બાબતના સારા અને નરસા એમ બે પાસાં હોય છે. મોબાઇલની બાબતમાં નરસી બાબતોનું પલડું ભારે છે. હવે એને બેલેન્સ કરવા માટે બાળકોમાં વિવેક બુદ્ધિ કેળવવી જરૂરી છે.