January 7, 2025
AIને બના દી જોડી
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

નમસ્કાર, અત્યાર સુધી તમે અનેક વખત સાંભળ્યું હશે કે રબ ને બના દી જોડી, કે પછી જોડી તો ઉપરવાલા હી બનાતા હૈ. જો તમારી જોડી ડેટિંગ એપ્સથી બની હોય તો એમ કહી શકો કે AIને બના દી જોડી. આજકાલ આવી જોડીઓ ખૂબ બની રહી છે.
ડેટિંગ એપ્સ તો વર્ષોથી છે, પણ હવે AI ડેટિંગની પણ રીત બદલી રહ્યું છે. આ વાત પર અમે વધારે પ્રકાશ પાડીશું. અમે તમને એ પણ જણાવીશું કે AI અને અલગોરિધમ્સથી સંબંધોની શરૂઆતના કયા ગેરફાયદા છે. સૌથી પહેલાં એઆઈની લવ સ્ટોરી પર અસરો વિશે જાણો.
અત્યારે દુનિયાભરમાં 1500થી પણ વધારે ડેટિંગ એપ્સ અને વેબસાઇટ્સ છે. જેના પર ડેટિંગ કરવાની રીતને AI સંપૂર્ણપણે બદલી રહ્યું છે. અનેક AI ટુલ્સની મદદથી તમે ચેટ કરી શકો છો. તમારે તો માત્ર કોપી અને પેસ્ટ જ કરવાનું છે. AI ટુલ્સ ચેટ માટે લખાણ તૈયાર કરશે. એ પછી આ લખાણને ડેટિંગ સાઇટ કે એપ પર પેસ્ટ જ કરવાનું રહે છે.

ડેટિંગ એપ્સની કંપનીઓ AIનો ઉપયોગ કરી રહી છે. જેમ કે ટિન્ડરની માલિકી ધરાવતી કંપની મેચ ગ્રૂપે રિસન્ટલી એક નવું AI ફીચર રિલીઝ કર્યું છે. આ ફીચરની ખાસિયત અમે જણાવીશું. કોઈ વ્યક્તિ ટિન્ડર પર કોઈ મેસેજ લખે. એને વાચીને AIને લાગે કે એ મેસેજથી સામેવાળી વ્યક્તિને પ્રોબ્લેમ થશે. એટલે AI ટુલ એ મેસેજ મોકલનારને અલર્ટ કરે છે. મેસેજ મોકલનારને આ એઆઈ ટુલ પૂછે છે કે તમે આ મેસેજ ખરેખર મોકલવા માગો છો કે નહીં. મેસેજ જેને મળ્યો હોય તેને પણ પૂછે છે કે તે આ મેસેજને લઈને ફરિયાદ કરવા માગે છે કે નહીં.
એ સિવાય કેટલીક એપ્સ ફોટોગ્રાફ સિલેક્ટ કરવામાં પણ AIની મદદ લઈ રહી છે. મોટા ભાગની ડેટિંગ એપ્સમાં મેચમેકિંગ અલગોરિધમ્સથી થાય છે. જે યુઝર્સની પસંદ, નાપસંદ, રસ, અને વર્તાવના આધારે તેમને એકબીજા સાથે જોડે છે.
જેના માટે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ જેવી એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ એપ્સને જેટલો ડેટા વધારે મળે એટલી જ શક્યતા વધારે રહે છે મેચ મળવાની. એક રીતે અહીં અલગોરિધમ્સ કામ કરે છે.
ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા બંને લગભગ એકસરખાં અલગોરિધમ્સનો ઉપયોગ કરે છે. આ અલગોરિધમ્સની અસરો શું છે એ જાણીએ.

જો તમે કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મો, મ્યુઝિક, કે રમતને પસંદ કરતા હોય તો એવી જ પસંદ ધરાવતા લોકો તમને મેચ કે ફ્રેન્ડ તરીકે સજેસ્ટ કરાય છે. આ રીતે ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર લોકો જોડાઈ રહ્યા છે. આ બંને પર જીપીએસનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે જ તમને તમારા નજીકના વિસ્તારના લોકોની પ્રોફાઇલ્સ જોવા મળે છે.

આખી રમત સમજો. પહેલાં બે વ્યક્તિ એઆઈ અલગોરિધમના કારણે મળી. એ પછી તેઓ એકબીજાને પ્રેમભર્યા મેસેજ પોતે ટાઇપ કરતા નથી, પણ એના માટે ચેટજીપીટીની મદદ લે છે. એટલે વ્યક્તિને લાગે કે તેના પાર્ટનરે પ્રેમથી તેના માટે શબ્દો લખ્યા છે. પણ એની પાછળ એઆઈ એટલે કે કૃત્રિમ ભેજું હોય છે. જેનામાં દિલ તો છે જ નહીં.

અમે AIઅને અલગોરિધમ્સથી બનતાં સંબંધોનું એનાલિસિસ કરવા માગીએ છીએ. કોઈ વ્યક્તિ તર્ક કરી શકે છે કે આ ટેક્નોલોજીથી વધુને વધુ લોકોને મળી શકાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે રબને બના દી જોડી અને એઆઈને બના દી જોડી વચ્ચે ફરક રહેલો છે.

અલગોરિધમ્સનો આધાર મોટા ભાગે ઉપરછલ્લી માહિતી હોય છે, જેમ કે, દેખાવ, કઈ બાબતોમાં રસ છે. એટલે જ આવી ઉપરછલ્લી માહિતીના આધારે મજબૂત સંબંધ ન બંધાય. બીજું કે તમારી પાસે ડેટિંગ એપ્સ કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અનેક ચહેરા છે. એટલે નિર્ણય કરવામાં પણ મૂંઝવણ થાય. એટલે લાખો કરોડો ચહેરામાંથી ભરોસો મૂકી શકાય એવો એક ચહેરો પસંદ કરવામાં મુશ્કેલી થાય.

ઓનલાઇન પ્રોફાઇલમાં રહેલી માહિતી કેટલી સાચી એ સવાલ રહે છે. કોઈ પણ સંબંધનો આધાર વિશ્વાસ છે. એટલે જ ખોટી માહિતીના આધારે બાંધવામાં આવેલો સંબંધ ન જ ટકી શકે. અલગોરિધમ જ્યારે બે વ્યક્તિને મેચ કરે છે ત્યારે દેખાવ, રસ અને વ્યક્તિ ક્યાં રહે છે એવી બાબતોને ધ્યાનમાં રાખે છે. વાસ્તવમાં સંબંધોના મૂળમાં તો મૂલ્યો, વિશ્વાસ અને જીવનનાં ધ્યેય હોવા જોઈએ. અમે પહેલાં કહ્યું એમ વ્યક્તિ ચેટજીપીટી પાસેથી પ્રેમથી તરબતર શાયરી લખાવે અને પછી પોતાના નામે મોકલે.

આમ AIના કારણે સંબંધોમાં અનેક રીતે અપ્રમાણિકતા આવે છે. એઆઈનો ઉપયોગ કરીને પોતાની પ્રોફાઇલને પાવરફુલ બતાવાય છે. ઉદાહરણ તરીકે, કોઈ માણસ મજૂરી કરતો હોય, પણ પોતાની જાતને વૈજ્ઞાનિક બતાવવા માટે એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી શકે છે. તે એઆઈ ટુલ્સની મદદથી એવો ડીપફેક વિડિયો તૈયાર કરી શકે કે જેનાથી વિશ્વાસ થઈ જાય કે તે કોઈ લેબોરેટરીમાં બેસીને કામ કરે છે. એટલે ગેરમાર્ગે દોરવા માટે AI ટુલ્સનો ઉપયોગ થઈ શકે છે. આવી પ્રોફાઇલ જોઈને તમે વ્યક્તિ પસંદ કરો અને બાદમાં વાસ્તવિકતાની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અને જિંદગી વેરણછેરણ થઈ જાય છે.
આ બધામાં પ્રાઇવસીની પણ ચિંતા રહે છે. આ ડેટિંગ એપ્સ કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ તમારા વિશે ઘણું બધું જાણે છે. જેના કારણે તમારા ડેટાનો ગેરલાભ થવાનો સતત ડર રહે છે.
એઆઈ અને અલગોરિધમ્સ આધારિત સંબંધોનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તમે જ્યારે ઓનલાઇન જ પ્રેમ શોધતા રહો ત્યારે ઓફલાઇન સંબંધો બનાવવાની તમારામાં ક્ષમતા જ ન રહે. ઓફલાઇન એટલે કે રૂબરૂમાં વ્યક્તિઓને કેવી રીતે મળવું, કેવી રીતે વાતચીત કરવી, વી રીતે સામેવાળી વ્યક્તિને પારખવી એની સૂઝ રહેતી નથી. જેના કારણે જીવનના મહત્ત્વના નિર્ણયો લેવામાં ભૂલ થવાની શક્યતા વધી જાય છે.

બીજો મોટો ગેરલાભ એ છે કે ઓનલાઇનની જ દુનિયામાં રહેવાના કારણે વ્યક્તિ વાસ્તવિક દુનિયાથી સાવ અલગ થઈ જાય છે. એ પછી વાસ્તવિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે ત્યારે તે ડરી જાય છે અને હારી જાય છે. એટલે જ અમે તમને ચેતવવા ઇચ્છીએ છીએ. AIને બના દી જોડીના કારણે ક્યાંક એમ ના બને કે, AIને ડિલિટ કર દી જિંદગી…