May 20, 2024
AI: રાક્ષસ કે જીન?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી દુનિયા બદલાઈ રહી છે. શાળા અને કોલેજોમાં ભણવાનું પણ બદલાઈ રહ્યું છે. રાજકીય સિસ્ટમ બદલાઈ રહી છે. યુદ્ધોનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. અમે અવારનવાર કહેતા રહીએ છીએ કે અમને તમારા હિતોની ચિંતા છે. એટલે જ AI જીન બનીને તમને મદદરૂપ કરશે કે પછી રાક્ષસ બનીને તમારી નોકરી ખાઈ જશે એ જાણવું જરૂરી છે.
સૌથી પહેલાં અમેરિકાના ટેક્સાસમાં મેકડોનાલ્ડ્સની રેસ્ટોરન્ટનાં આ દૃશ્યો જુઓ. અહીં કોઈ કર્મચારી નથી. માત્ર રોબો જ કામ કરે છે. આ રીતે અનેક ઓફિસોમાંથી ભવિષ્યમાં માણસો ગાયબ થઈ જશે અને રોબો કામ કરશે.
રસ્તાઓ પર સેલ્ફ ડ્રાઇવિંગ કાર જોવા મળશે. જ્યાં તમારે પહોંચવાનું હોય એ સ્થળ લખવાનું રહેશે, આંખ બંધ કરીને બેસી રહો કારમાં. પસંદ કરેલી જગ્યાએ કાર તમને પહોંચાડી દેશે.

હવે, સવાલ એ છે કે રેસ્ટોરન્ટ્સ અને ઓફિસોમાં કામ કરનારા સ્ટાફનું શું થશે? ડ્રાઇવરોનું શું થશે?
દુનિયામાં જ્યારે પણ કોઈ નવી ટેક્નોલોજી આવે ત્યારે જોબ્સને ખતરો રહે છે. જેમ કે, સ્માર્ટફોન્સ આવ્યા ત્યારે લેન્ડલાઇન ફોન ઓપરેટર્સની નોકરીઓ ગાયબ થઈ ગઈ હતી. કાર આવી ત્યારે ઘોડાગાડી ચલાવનારાઓનું કામ લગભગ બંધ થઈ ગયું. એ જ રીતે ઓનલાઇન વેબસાઇટ્સ આવવાના કારણે બુકિંગ ક્લાર્કની નોકરીઓ ગઈ.

જોકે, આ તમામ ટેક્નોલોજી કરતાં AIથી ખૂબ જ વધારે ખતરો છે. જેના માટે સૌથી મોટું કારણ એ છે કે AIની અસર કોઈ એક સેક્ટર પર જ નથી. તમામ ક્ષેત્રો પર એની અસર થઈ રહી છે. પહેલી વખત ક્રિએટિવ લોકોની નોકરીઓ સામે જોખમ ઊભું થયું છે.

લોકોને લાગતું હતું કે ટેક્નોલોજી આવશે તો એવી જ જોબ્સ જશે કે જેમાં એકને એક કામ વારંવાર કરવું પડતું હોય. એવાં રીપિટ થતાં કામ જ ટેક્નોલોજી કરશે એમ મનાતું હતું, પણ પહેલી વખત ટેક્નોલોજીના કારણે ક્રિએટિવ લોકોને પણ ખતરો છે. જેમ કે, લેખક કે ગ્રાફિક ડિઝાઇનર જેવા ક્રિએટિવ લોકોની જોબ્સ જવાનો પણ ખતરો છે. તમે થોડીક જ સેકન્ડ્સમાં ચેટજીપીટી પાસેથી મેઇલ લખાવી શકો છો કે કોઈ AI ટુલથી થોડીક જ મિનિટ્સમાં તમે ગ્રાફિક્સ બનાવી શકો છો.
AIના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓએ પહેલાં જ નોકરી ગુમાવી દીધી છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને ગૂગલ જેવી ગ્લોબલ કંપનીઓએ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. જેના માટે AI જ રિયલ વિલન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વાત માત્ર વિદેશની નથી. ભારતમાં પણ કેટલીક કંપનીઓએ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. AI જીનની જેમ મદદ કરે છે, પરંતુ AIને નોકરીઓ ખાનારો રાક્ષસ પણ કહેવાયો છે. બલકે, ખૂદ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જ એનાલિસિસ અનુસાર AI 40 ટકા નોકરીઓ ખાઈ જશે. ધનવાન દેશોમાં તો લગભગ 60 ટકા કર્મચારીઓની નોકરી AIના કારણે જતી રહેશે.

આપણે જુદાં-જુદાં સેક્ટર્સમાં AIની કેવી અસરો થશે એ જાણીએ. મનોરંજન એટલે કે ફિલ્મો અને ટીવીના સેક્ટરમાં ખૂબ જ અસર થશે. સ્ટોરી લખવાથી લઈને પ્રોડક્શન AI કરી લેશે એમ કહેવામાં આવી રહ્યું છે. માર્વેલ જેવી મોટી ફિલ્મ કંપની એનિમેશન બનાવવા માટે AIનો ભરપૂર ઉપયોગ કરી રહી છે.

આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો નિદાન, સારવાર અને દર્દીની સંભાળ સુધી અનેક કામગીરીમાં AIની મદદ મેળવવામાં આવી શકે છે. જોકે, AI ડૉક્ટરનું સ્થાન લે એવી શક્યતા અત્યારે નથી.
રિટેઇલ સેક્ટર પર AIની ખૂબ જ અસર થશે. રિટેઇલ સેક્ટરની કંપનીઓએ AIની મદદ લેવા માટે પ્લાનિંગ શરૂ કર્યું છે. એમેઝોન કહે છે કે અમે તો આખેઆખું પુસ્તક લખવા માટે AIનો ઉપયોગ કરીશું. એ પછી એમેઝોન એવા પુસ્તકોને પોતાની વેબસાઇટ પર વેચશે.

તમારી રોજીરોટીને કેટલો ખતરો છે એ સવાલનો જવાબ મેળવવા માટે આપણે વધારે ઊંડા ઉતરવું પડે. આ વિશે માહિતી મેળવવી જરૂરી છે. કેમ કે, સવાલ તમારી નોકરીનો છે.
ચેટજીપીટી લાવનારી કંપની ઓપનએઆઈના બે અધિકારીઓએ ડરામણી હકીકત કહી છે. તેમણે કહ્યું કે દસ વર્ષમાં AI માણસની જેમ જ તમામ કામ કરશે. openAIના સીઇઓ સેમ અલ્ટમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરાતીએ કહ્યું કે એઆઈ થોડાં વર્ષમાં નેક્સ્ટ સ્ટેજ પર પહોંચી જશે. આ નેક્સ્ટ સ્ટેજ છે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ.
હવે, તમારા મનમાં સવાલ થશે કે AI અને આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ વચ્ચે શું ફરક છે?

AIમાં તમારે કમાન્ડ કે સૂચના આપવાની જરૂર પડે છે. જેમ કે, તમારે તમારી કંપની માટે કોઈ મેઇલ લખવાની જરૂર પડી તો ચેટજીપીટી પર જઈને એના માટે સૂચના આપવી પડે છે.
આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સના કેસમાં પોતાનો ડેટા એ જાતે ક્રિએટ કરશે. આ વાત અત્યારે માનવી મુશ્કેલ લાગે છે. અત્યારનું જનરલ AI વાસ્તવમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું સૌથી નબળું વર્ઝન છે.

ખેર, અમે આપણા દેશ પર થનારી અસરોની વાત કરીશું. ભારતની વસ્તી 141 કરોડથી પણ વધુ છે. એટલે ભારતની પાસે ભરપૂર ડેટા છે. એટલે આ ડેટાને ફીડ કરવા માટે પ્રોફેશનલ્સની જરૂર પડશે. એટલે વાસ્તવમાં રોજગારીની અનેક તકો ઊભી થશે. આ તકોનો લાભ મેળવવો જરૂરી છે. આ લાભ મેળવવા ભારતમાં કોલેજોમાંથી નીકળતા યુવાનોમાં એઆઈની સ્કિલ્સ હોવી જરૂરી છે.
ટૂંકમાં કહીએ તો, AI જીન અને રાક્ષસ બંને છે. આ રાક્ષસ અવતારને જીનમાં કન્વર્ટ કરવો જરૂરી છે.