EDએ વિજય માલ્યા, નીરવ મોદીની 22 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી: નાણામંત્રી
Finance Minister: લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભાગેડુ વિજય માલ્યાની રૂ. 14,131.6 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. નાણા મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પીડિત અથવા યોગ્ય દાવેદારોને રૂ. 22,280 કરોડની સંપત્તિ પરત કરી છે અને કહ્યું હતું કે આર્થિક અપરાધીઓ સામેની લડાઈ ચાલુ રહેશે. નીરવ મોદી કેસમાં 1,052.58 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે. મેહુલ ચોક્સી કેસમાં 2,565.90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને તેની હરાજી કરવામાં આવશે. નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) કેસમાં, છેતરપિંડીનો ભોગ બનેલા વાસ્તવિક રોકાણકારોને રૂ. 17.47 કરોડની સંપત્તિ પરત કરવામાં આવી હતી.
— ED (@dir_ed) December 18, 2024
‘ભલે તે ગયા, અમે તેની પાછળ છીએ…’
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “PMLA કેસમાં, EDએ મુખ્ય કેસમાંથી લગભગ 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ સફળતાપૂર્વક રિકવર કરી છે. અમે કોઈને છોડ્યા નથી, ભલે તેઓ દેશ છોડીને ભાગી ગયા હોય, અમે તેમની પાછળ છીએ. EDએ આ નાણાં એકત્ર કર્યા છે અને બેંકોને પાછા આપ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે આથી એ ઓળખવું અગત્યનું છે કે અમે આર્થિક ગુના કરનારા કોઈપણને બક્ષ્યા નથી. અમે તેમની પાછળ છીએ. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે પૈસા બેંકોમાં પાછા જવાના છે તે પાછા જાય.
વિદેશી કાળા નાણા અંગે નાણામંત્રીએ કહ્યું કે, 2015નો બ્લેક મની એક્ટ વાસ્તવમાં ઘણા કરદાતાઓ પર અવરોધક અસર કરી રહ્યો છે અને તેઓ પોતે તેમની વિદેશી સંપત્તિ જાહેર કરવા આગળ આવી રહ્યા છે. વિદેશી સંપત્તિ જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા 2024-25માં વધીને 2 લાખ થઈ ગઈ છે, જે 2021-22માં 60,467 હતી.