July 4, 2024

બંગાળ ટ્રેન એક્સિડન્ટ બાદ મધ્ય-પૂર્વ રેલવેએ નિયમોમાં કર્યો ફેરફાર: ડ્રાયવર્સને આપી સલાહ

Kanchanjunga Express Accident: કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાથી શીખ લઈને મધ્ય પૂર્વ રેલવે (ECR)એ પોતાના વિસ્તારના સ્ટેશન માસ્ટર્સને નિર્દેશ કર્યો છે કે તેઓ સ્વચાલિત સિગ્નલ સિસ્ટમમાં ખરાબીની સ્થિતિમાં ટ્રેન ડ્રાયવર્સને સિગ્નલ ક્રોસ કરવાનો અધિકાર આપતું ફોર્મ T/A 912 ઇસ્યુ ન કરે. કંચનજંઘા એક્સપ્રેસ-માલગાડીની ટક્કરમાં 10 લોકોના મોત થયાના થોડા ક જ દિવસોમાં આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

આગામી આદેશો સુધી લાગુ રહેશે પ્રતિબંધ

મધ્ય પૂર્વ રેલવે દ્વારા 21 જૂનના રોજ જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર T/A 912 ફોર્મ ઇસ્યુ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય મધ્ય પૂર્વ રેલવેની સુરક્ષા બેઠકમાં લેવામાં આવ્યો છે. ECRએ જણાવ્યું છે કે મધ્ય પૂર્વ રેલવેના જનરલ મેનેજર દ્વારા વિભાગના મુખ્ય વડા અને DRM (ડિવિઝનલ રેલ્વે મેનેજર) સાથે યોજાયેલી સુરક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓટોમેટિક સિગ્નલ ખરાબ થવાની સ્થિતિમાં T/A 912ને આગામી સૂચના આપવા સુધી ઇસ્યુ નહી કરવામાં આવે.

નિયમોમાં ફેરફાર કરીને કરાઇ આ વ્યવસ્થા

મધ્ય પૂર્વ રેલ્વે ઝોનનો આદેશોમાં કહેવામાં આવ્યું છે કે ‘T/A 912ની જગ્યાએ હવે ડબલ લાઇન માટે આગામી આદેશો સુધી G&SR 9.02 નોટ ઇસ્યુ કરવામાં આવશે.

G&SR 9.02 મુજબ, ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ ખરાબ થવાની સ્થિતિમાં, ટ્રેન ડ્રાઇવરે દરેક રેડ સિગ્નલ પર દિવસ દરમિયાન એક મિનિટ અને રાત્રે બે મિનિટ માટે રોકવું પડશે. ત્યારબાદ, જ્યારે આગળનું દ્રશ્ય સ્પષ્ટ થાય ત્યારે 15 કિલોમીટરની સ્પીડ સાથે આગળ વધશે. જો, આગળના સિગ્નલ સુધી કોઈપણ કારણોથી વિઝિબિલિટી સ્પષ્ટ નથી થતી તો ટ્રેન ડ્રાયવરે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર્વ રેલવે ઝોને પણ 19 જૂનના રોજ આ પ્રકારના આદેશો જાહેર કરીને રેલવે અધિકારીઓને ફોર્મ T/A 912 ફોર્મ ઇસ્યુ કરવા પર રોક લગાવી દીધી હતી. જોકે, બીજા જ દિવસે તેમણે આદેશ પરત ખેંચી લીધો હતો.

ડ્રાયવર યુનિયને માલગાડી ચાલકની ભૂલ માનવાનો કર્યો ઇનકાર

17 જૂનના રોજ પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જિલ્લામાં માલગાડીએ પેસેન્જર ટ્રેન કંચનજંઘા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી દીધી હતી. જે સ્થળે આ દુર્ઘટના થઈ તે પૂર્વોત્તર સીમાંત રેલવે ઝોન અંતર્ગત આવે છે. તપાસમાં સામે આવ્યું છે કે અધિકારીઓએ માલગાડી અને પેસેન્જર ટ્રેન બંને ટ્રેનોના ડ્રાયવરને T/A 912 ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. કારણ કે રાનીપાત્રા સ્ટેશન ચત્તર હાટ જંકશન પર ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. રેલવે બોર્ડની પ્રાથમિક તપાસના આધારે કહેવામાં આવ્યું હતું કે જે માલગાડીએ ટક્કર મારી હતી તેની સ્પીડ ખૂબ જ વધારે હતી, જ્યારે ચાલક યુનિયને દાવો કર્યો છે કે નોટ પર સ્પીડ લિમિટનો ઉલ્લેખ નથી અને તેના સભ્યની કોઈ જ ભૂલ નથી.