January 18, 2025

Economic Survey: કોલેજ પાસઆઉટ 2 માંથી 1 યુવાન પાસે રોજગારી માટે જરૂરી યોગ્યતાનો અભાવ, સર્વેમાં ખુલાસો

Economic Survey: દેશના આર્થિક સર્વેક્ષણ મુજબ, ઝડપથી વધી રહેલી વસ્તીના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયની છે, પરંતુ તેમાંથી અનેક લોકો પાસે આધુનિક અર્થવ્યવસ્થા માટે જરૂરી કૌશલ્યોનો અભાવ છે. અનુમાન દર્શાવે છે કે લગભગ 51.25 ટકા યુવાનોને રોજગાર લાયક માનવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, આનો અર્થ એ થયો કે કોલેજ પાસ આઉટ કરેલ દર 2 માંથી 1 યુવાન હજુ પણ સરળતાથી રોજગારી મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો નથી. જો કે, ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં કુશળ યુવાનોની ટકાવારી અંદાજે 34 ટકાથી વધીને 51.3 ટકા થઈ છે.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ જણાવ્યું છે કે “ભારતમાં શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમની સ્થિતિ પરના NSSO રિપોર્ટ, 2011-12 (68માં રાઉન્ડ) અનુસાર, 15-59 વર્ષની વયના લગભગ 2.2 ટકા વ્યક્તિઓએ ઔપચારિક વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કરી છે, જ્યારે 8.6 ટકાએ બિન-ઔપચારિક વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરી છે.

2023 સુધી બિનક્રુષિ ક્ષેત્રમાં વાર્ષિક 78.5 લાખ રોજગાર સર્જનની જરૂરિયાત
આર્થિક સર્વે અનુસાર દેશમાં વધી રહેલા માનવ સંસાધનોને રોજગારી પૂરી પાડવા માટે બિન-કૃષિ ક્ષેત્રમાં 2030 સુધીમાં વાર્ષિક 78.5 લાખ નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે. સર્વે જણાવે છે કે કામકાજની ઉંમરની દરેક વ્યક્તિ નોકરી જ નહિ કરે. તેમાંથી કેટલાંક સ્વરોજગાર પણ કરશે અને કેટલાંક લોકો નોકરીઓ પણ આપશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશનો આર્થિક વિકાસ નોકરીઓ આપવા કરતાં લોકોને આજીવિકા પૂરી પાડવાના સંદર્ભમાં વધુ મહત્ત્વપૂર્ણ છે. તમામ સ્તરે સરકારો અને ખાનગી ક્ષેત્રે પણ આમાં ફાળો આપવો પડશે. આર્થિક સર્વે અનુસાર, કૃષિ ક્ષેત્રમાં શ્રમ બળ જે 2023માં 45.8% છે, તે 2047 સુધીમાં ધીમે ધીમે ઘટીને 25% થઈ શકે છે. એટલે 2030 સુધી આપણે બિન કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક 78.5 લાખ રોજગાર ઊભા કરવાની જરૂર હશે. સર્વે અનુસાર 78.5 લાખ રોજગારી સર્જનનું લક્ષ્ય PLI (5 વર્ષમાં 60 લાખ નોકરીઓ), મિત્ર ટેક્સટાઇલ સ્કીમ (20 લાખ નોકરીઓ) અને મુદ્રા યોજનાઓના અમલીકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.