જૂનાગઢમાં ગરમાયો ઈકો ઝોનનો મુદ્દો, માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયું વિશાળ ખેડૂત સંમેલન

સાગર ઠાકર, જુનાગઢ: ભારતીય કિસાન સંઘ દ્વારા મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ઈકો સેન્સેટીવ ઝોનના મુદ્દે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રીત થયા અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઈકો સેન્સેટીવ ઝોનના કારણે ખેડૂતોને થનારી હાલાકીથી અવગત કરાવવા ખેડૂત સંમેલન યોજાયું હતું.
જૂનાગઢ સહીત ત્રણ જીલ્લાના 196 ગામોમાં હાલ ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ગામેગામ ખેડૂત સંમેલનો થઈ રહ્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોને અવગત કરવામાં આવી રહ્યા છે. કઈ રીતે ખેડૂતોને ઈકો સેન્સેટીવ ઝોનથી હાલાકી પડશે તેની માહિતી આપવામાં આવી રહી છે અને ખેડૂતો દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. ભારતીય કિસાન સંઘના આ કાર્યક્રમ અંતર્ગત મેદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે મેંદરડા અને માળીયા હાટીના તાલુકાના ખેડૂતો માટે ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોના સંમેલનમાં આગામી દિવસોમાં સરકાર જો ઈકો સેન્સેટીવ ઝોન નહીં હટાવે તો જલદ આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે આગામી દિવાળીના તહેવારમાં કાળી ચૌદશના દિવસે 196 ગામના લોકો ઈકો ઝોનના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરશે. ખેડૂત સંમેલન બાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં અલગ અલગ 10 મુદ્દા સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. સાથે સાથે તાજેતરમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકશાન થયું હોય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.