વધારે લસણ ખાવાથી પણ થાય છે નુકસાન
Food Tips: ભારતીય રસોડામાં શિયાળાના સમયે લસણ અને ડુંગળી ભરપુર માત્રામાં હોય છે. લસણ નાખવાથી ખાવાનો સ્વાદ વધે છે. એ સાથે તેમાં રહેલા ઔષધિય ગુણો તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર લસણનો ઉપયોગ ઘણા રોગને દુર કરવા માટે થાય છે, પરંતુ વધુ પ્રમાણમાં લસણનો ઉપયોગ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. જો તમે પણ લસણનો ઉપયોગ હદથી વધારે કરો છો તો સાવધાન થઈ જાઓ. તમને પણ આ બિમારીઓ થઈ શકે છે.
લો બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કાચું લસણ ખાવાથી અનેક ફાયદા થાય છે, પરંતુ જો તમે લાંબા સમય સુધી કાચા લસણનું સેવન કરી રહ્યા છો તો તમારૂ બ્લડ પ્રેશર ઓછું થવાનો ડર પણ રહે છે. જેના કારણે તમને ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ડાઈજેશન
આયુર્વેદ અનુસાર લસણની તાસીર ગરમ છે. આથી જો તમે વધુ પ્રમાણમાં લસણનું સેવન કરો છો તો તમને પાચનશક્તિમાં તકલીફ થઈ શકે છે. કબજિયાત, ગેસ અને બ્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે.
હાર્ટ બર્ન
લસણની તાસીર શરીર માટે ગરમ છે. જેના કારણે પેટમાં એસિડિટીની સમસ્યાઓનો વધી જાય છે. આ ઉપરાંત જેને પહેલાથી જ ગેસની સમસ્યાઓ હોય છે. એ લોકોએ વધુ પ્રમાણમાં લસણ ન ખાવું જોઈએ. તેના કારણે હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે.
બ્લીડિંગ
વધુ પ્રમાણમાં કાચુ લસણ ખાવાથી લોહી પાતળું થઈ જાય છે. લસણમાં રહેલા તત્વો લોહીને પાતળું કરી નાખે છે. જો લોહી સંબંધિત દવા લો છો તો તમારે કાચુ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ.
દરરોજ કેટલું લસણ ખાવું
દરરોજ આખા દિવસમાં 1થી 2 કળી જેટલું જ લસણ ખાવું જોઈએ. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ એથી વધારે લસણ ખાશો તો તમારા શરીર માટે હાનિકારક છે.