December 21, 2024

જામનગરમાં “વિકાસ સપ્તાહ” નિમિત્તે 143 વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સંજય વાઘેલા, જામનગર: જામનગર શહેર અને જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોના કુલ રૂ.114.83 કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરતાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તથા સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ પૂર્ણ થયેલ છે. જેને રાજ્ય સરકાર દ્વારા “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થયું છે. સાથે સાથે તેઓનો ગુજરાતનાં વિકાસમાં પણ સિંહ ફાળો રહ્યો છે.

નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ગુજરાતને વંદે ભારત જેવી ટ્રેન થકી સુદઢ રેલ નેટવર્ક પ્રાપ્ત થયેલ છે. નર્મદા નદીના કાંઠે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને નવો વેગ મળ્યો છે. શિવરાજપુર બીચ, સુદર્શન સેતુનું નિર્માણ થવાથી બેટ-દ્વારકાનો વિકાસ થશે. જામનગરમાં ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. શહેરના રણમલ તળાવની કાયા પલટ કરીને રૂ.45 કરોડના ખર્ચે અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. લખોટા મ્યુઝિયમનું રૂ.18 કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન કરીને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે.

શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ત્રણ ઓવરબ્રિજ, એક અંડરબ્રિજ બન્યા છે. હાપા પાસે 41.85 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું તથા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું કામ પ્રગતિ હેઠળ છે. જામનગરના રમતવીરો માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા છે. જામનગરનો વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં ગત 20 વર્ષમાં અનેક આયોજનો થયા છે. ગુજરાતનાં ગરબાને વૈશ્વિક ઓળખ મળી છે. ત્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજન થકી અનેક ધંધાર્થીઓની આવકમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

જામનગરમાં 31.65 કરોડના કામોના ઇ-લોકાર્પણ થયા જેમાં મહાકાળી સર્કલ થી બેડી સર્કલ રિંગ રોડ પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અંતર્ગત 6 રોડ સ્વીપર મશીન, દેવરાજ દેપાળ અને સોનલનગર પ્રાથમિક સ્માર્ટ શાળામાં ડિઝાઇન અને ડેવલોપના કામો, 37 આંગણવાડીઓને અપગ્રેડ કરવાના કામો, લાખોટા તળાવ ખાતે લાઇબ્રેરી અને ગેમિંગ ઝોન માટે આંતરિક ફર્નિચરના કામો અને તળાવના સિન્થેટિક ટ્રેકના નવીનીકરણનું કામ, વોર્ડ નં.11 માં કોમ્યુનિટી હૉલ બનાવવાનું કામ, વોર્ડ નં. 6માં સીસી રોડના કામ, વોર્ડ નં.11 માં બાવરીવાસમાં આંગણવાડી, શ્યામ ટાઉનશિપમાં નંદઘર, આદર્શ સ્મશાનમાં પૂર સંરક્ષણ દીવાલ જેવા વિવિધ કામો પૂર્ણ થતાં મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કૃતિઓથી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં લોક કલાકાર હરીદેવ ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.