November 15, 2024

દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તહેનાત

દ્વારકાઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટને પગલે NDRF ટીમ આવી પહોંચી છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમને સ્ટેન્ટબાય કરી દેવામાં આવી છે. બરોડાની સિક્સ બટાલિયનના 30 સભ્યોની NDRFની ટીમ દ્વારકા આવી પહોંચી છે. આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી હોવાથી NDRFની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ઓેરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં થન્ડરસ્ટ્રોર્મની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બે જિલ્લાને ઓરેન્જ એલર્ટમાં મૂકી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ ઉપરાંત સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળશે. તેને લઈને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તેમણે જણાવ્યુ હતુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની સિસ્ટમ મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચી ગઈ છે. મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

ક્યારે ક્યાં વરસાદ પડશે?
26 જૂને આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27મી જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 28મી જૂને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.