દ્વારકાના એક મકાનમાં આગ, એક જ પરિવારના ચાર લોકોનાં ગૂંગળામણથી મોત
દ્વારકાઃ શહેરના એક મકાનમાં આગ લાગતા ચાર લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત સ્થાનિક ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, દ્વારકાના આદિત્ય રોડ પર આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં પરિવારના ચારેય સભ્યોના મોત નીપજ્યા છે. દાદી, પતિ-પત્ની અને બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે, વહેલી સવારે મકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. તે દરમિયાન ઘરમાં રહેલા ચાર લોકોના ધૂમાડાથી ગૂંગળાવાને કારણે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકોનાં નામ
- પાવન ઉપાધ્યાય
- તિથિ ઉપાધ્યાય
- ધ્યાના ઉપાધ્યાય
- ભામિની ઉપાધ્યાય
FSLની ટીમે ઘરે જઈ તપાસ હાથ ધરી
ત્યારે આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે હોસ્પિટલે જઈ અને ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય FSL સહિતની ટીમોની મદદથી દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે ગૂગળી બ્રહ્મ સમાજમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ હોવાથી દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.