December 27, 2024

ભાદરવી પૂનમ દરમિયાન 32 લાખ ભક્તોએ કર્યા દર્શન, અઢી કરોડથી વધુનું મળ્યું દાન

અંબાજી: ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો માઈભક્તોએ પગપાળા અંબાજી આવ્યા અને માં અંબાના દર્શન કર્યા છે. ત્યારે, સત્તાવાર માહિતી મુજબ આ વર્ષે 32 લાખ કરતાં વધુ માઈભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. તો, અઢી કરોડથી વધુની રોકડનું દાન મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ભાદરવી પૂનમે અંબાજી ખાતે મહામેળામાં અંદાજે 32.54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો સાથે સાથે, મહામેળામાં અંદાજે રૂ. 2.66 કરોડથી વધુની રોકડ અને 500 ગ્રામથી વધુ સોનાનું દાન પણ મળ્યું છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન માત્ર 7 દિવસમાં એસટી બસ સેવાએ કુલ 11,455 ટ્રીપ કરી જેમાં 5.04 લાખથી વધુ માઈભક્તોએ મુસાફરી કરી હતી.

અંબાજી મંદિરની કરાશે પ્રક્ષાલન વિધિ 
યાત્રાધામ અંબાજી ખાતે હવે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો છે. હવે અંબાજી ખાતે નિજમંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. યાત્રાધામ અંબાજી મંદિરની પ્રણાલિકા મુજબ 20 સપ્ટેમ્બર, ભાદરવા વદ-૩(ત્રીજ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે 01:30 કલાકે શરૂ થશે. ભાદરવી પૂનમનો મહામેળો પૂર્ણ થયા બાદ વર્ષમાં એકવાર દર વર્ષે પ્રક્ષાલનવિધિ કરવામાં આવે છે. જેથી આ દિવસ પૂરતા માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળા બાદ થશે મંદિરની પ્રક્ષાલન વિધિ, બદલાયો દર્શન-આરતીનો સમય

મળતી માહિતી મુજબ, સવારની આરતીનો સામે સવારે 07:30 થી 08:00નો રહેશે. દર્શન સવારે 08:00 થી 11:30, માં અંબાને રાજભોગ ધરાવવાનો સામે બપોરે 12:00 કલાકનો રહેશે. તો, સાથે સાથે, બપોરના દર્શનનો સામે બપોરે 12:30 થી 01:00 નો રહેશે. તેમજ, માતાજીની સંધ્યા આરતીનો સમય આશરે રાત્રે 09:00 કલાકનો રહેશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.