November 13, 2024

6 કલાકની ડયુટી દરમિયાન શિક્ષક 3 કલાક મોબાઇલમાં રમતો રહ્યો ગેમ, DMએ કર્યો સસ્પેન્ડ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના શરીફપુર ગામમાં આવેલ અપર પ્રાયમરી સ્કૂલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં એક શિક્ષક પોતાની 6 કલાકની ડયુટી દરમિયાન 3 કલાક સુધી મોબાઇલ મચેડતો રહ્યો. આ દરમિયાન શિક્ષક સવા કલાક સુધી તો કેન્ડી ક્રશ ગેમ જ રમતો રહ્યો. જીલાધિકારી રાજેન્દ્ર પેન્સિયાના આદેશ બાદ શિક્ષણાધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે.

બુધવારે જીલાધિકારી (DM) રાજેન્દ્ર પેન્સિયા શરીફપુર ગૌશાળાના પશુઓના મોતને લઈને નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. બપોરે પરત ફરતા સમયે તેઓ ગામની શાળામાં ઓચિંતા ચેકિંગ માટે પહોંચ્યા હતા. DMએ સ્કૂલમાં ડયુટી પર હાજર શિક્ષક પ્રેમ ગોયલનો ચેક કરતાં જાણવા મળ્યું હતું કે શિક્ષક ડયુટી દરમિયાન 3 કલાક સુધી મોબાઈલ વપરતો રહ્યો. શિક્ષક ડયુટી દરમિયાન 1 કલાક 17 મિનિટ સુધી તો કેન્ડી ક્રશ ગેમ જ રમતો રહ્યો. બાકીના 1 કલાક 43 મિનિટ દરમિયાન શિક્ષક સોશિયલ મીડીયા અને કોલ કરવામાં વિતાવ્યા હતા.

DEOએ કર્યો શિક્ષકને સસ્પેન્ડ 

શિક્ષકની આ પ્રકારની બેદરકારી અને ગેરવર્તણૂંક જોઈને DMનો પારો ચઢ્યો અને તેમણે બેઝિક શિક્ષણાધિકારીને સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દીધા. સાથે જ અન્ય શિક્ષકોને પણ ચેતવણી આપી. DMના આદેશથી બેઝિક શિક્ષણાધિકારીએ શિક્ષકને તુરંત સસ્પેન્ડ કરી દીધો.

સ્કૂલના વિદ્યાર્થીઓના હોમવર્કમાં પણ અનેક ભૂલો
DM દ્વારા સ્કૂલના નિરીક્ષણ દરમિયાન તેમણે કેટલાંક બાળકોને તેમને આપવામાં આવતા હોમવર્કની તપાસ પણ કરી. જેમાં એક શિક્ષકની કોપીમાં એક પેજ પર 9 ભૂલો, બીજા એક શિક્ષકની કોપીમાં 23 અને ત્રીજા શિક્ષકની કોપીમાં 11 ભૂલો, ચોથા શિક્ષકની કોપીમાં એક પેજમાં 21, પાંચમા શિક્ષકના એક પેજમાં 18 અને અન્ય શિક્ષકના એક પેજમાં 13 ભૂલો જોવા મળી હતી. શિક્ષકોની ભૂલો જોઈને જીલાધિકારીએ કહ્યું હતું કે આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. સ્કૂલમાં બાળકોને આપવામાં આવેલ હોમવર્કમાં ઘણી ભૂલો જોવા મળી હતી. નારાજગી વ્યક્ત કરતાં સુધરી જવા માટે શિક્ષકોને ચેતવણી આપી. તો સાથે સાથે કહ્યું કે, જો સુધારા ન થયા તો કાર્યવાહી કરવામાં આવશે.