વરસાદને કારણે હિરણ, ધરોઈ અને શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો, અનેક ગામને કરાયા એલર્ટ
Heavy Rain: રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આ વચ્ચે હવે ભારે વરસાદને કારણે ગીરના જંગલમાં વરસાદ થતાં હિરણ નદીના પાણી જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે પાણીનું જળ સ્તર વધતાં પાણીનું લેવલ જાળવવા માટે વધુ એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ગીરમાં ભારે વરસાદને લઈને હિરણ ડેમ 2 નો એક દરવાજો અડધો ફૂટ ખુલ્લો હતો. હિરણ નદીના પાણી જળસ્તરમાં વધારો થયો છે. જોકે, હાલ કુલ બે દરવાજા અડધો ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. તેમજ ડેમના દરવાજા ખોલાતા નીચાણ વાળા વિસ્તારોના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય મહેસાણામાં સતલાસણા ધરોઈ ડેમ 82.74 ટકા ભરાયો છે. જ્યારે ધરોઈ ડેમમાં હાલમાં 1543 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો ભયજનક સપાટીથી હજુ પણ ડેમ 4.59 ફૂટ અધૂરો છે. ધરોઈ ડેમની સપાટી હાલમાં 617.41 ફૂટ પહોંચી છે. જોકે, નવા નીરની આવક રહેતા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, આગામી 3 દિવસ વરસાદની આગાહી
નોંધનીય છે કે ઉપરવાસમાં વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. પાલીતાણા શેત્રુંજી ડેમમા નવાનીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. શેત્રુંજી ડેમની જળ સપાટી 29 ફૂટ 8 ઇંચ પહોંચી છે. ત્યારે શેત્રુંજી ડેમની ઓવરફ્લો જળ સપાટી 34 ફૂટ છે.