September 8, 2024

વડોદરામાં ભારે વરસાદને પગલે આવતીકાલે અપાઈ સ્કૂલોમાં રજા, DEOનો આદેશ

દિપક જોષી, ડભોઇ: રાજ્યમાં ભારે વરસાદને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. તો, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે વડોદરામાં વરસાદની સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વરસાદને લઈને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલની રજાને લઈને DEO આર. આર. વ્યાસે જાહેરાત કરી છે. DEOએ વડોદરા જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેને લઈને સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ શાળાઓને પરિપત્ર આપીને આવતીકાલે રજાની જાણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાંક દિવસોમાં થયેલા વરસાદને પગલે વડોદરા જિલ્લાના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે.

 

મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં રેડ એલર્ટ આપ્યું છે. તો, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો, કચ્છ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.