September 20, 2024

ભરૂચમાં સ્કૂલવાનમાં ચાલતા નશીલા દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ

જય વ્યાસ, ભરૂચ: ભરૂચ પોલીસે સ્કૂલ વાનમાં ચાલતી એમડી ડ્રગ્સની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વેનચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATS અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દહેજની કંપનીમાંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પડ્યા બાદ પોલીસને નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચમાં એક વ્યક્તિ સ્કૂલ વેનમાં એમ.ડી. ડ્રગની હેરાફેરી કરે છે. જેના આધારે પોલીસે વહેલી સવારે ભરૂચથી ચાવજ ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સ્કૂલ વેન આવતા તેને અટકાવી તપાસ કરતા વેનમાંથી રૂ.6.20 લાખની કિંમતનો એમ.ડી.ડ્રગસનો 62 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્કૂલ વેન ચાલક અને ભરૂચના રહાડપોર ગામે રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછમાં તે એમ.ડી. ડ્રગ્સનો આ જથ્થો વડોદરાથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝીપલોક બેગમાં ડ્રગસનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.