November 19, 2024

અરવલ્લીની ગિરીમાળામાં ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડાયા

વિક્રમ સરગરા, અંબાજી: બનાસકાંઠા જિલ્લામા અરવલ્લીની ગિરીમાળાને લીલીછમ બનાવવા, જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવા હેતુસર છેલ્લા 3 વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તારમાં ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડવામાં આવ્યા છે. અહીં ટેક્નોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને બનાસ ડેરી દ્વારા પ્રારંભ કરાવાયો હતો.

અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા “હરિતયજ્ઞ” માં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો: બોટાદના બે મિત્રોએ ખેડૂતોએ ટેક્નોલોજીને ખેતી સાથે જોડી કાશ્મીરી કેસરની ખેતી કરી

છેલ્લા 9 વર્ષથી બનાસવાસીઓએ બનાસડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે. દર વર્ષે કરોડો સીડ બોલનું વાવેતર કરવામાં આવે છે. જેસોરથી શરૂ કરેલ સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ છે. ગામની શાળા, સ્મશાન, મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ગોળો બનાવી તેમાં સીડ- બીજ મુકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે, જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે છે, આમ નેચરલ નર્સરિંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય એવું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી, બનાસ ડેરી નિયામક મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.