December 19, 2024

ડ્રોન હુમલો: ભારતીય નૌકાદળની મોટી કાર્યવાહી…!

હુમલાને કારણે તેના એક ભાગમાં આગ લાગી ગઇ હતી (ફોટો પ્રતીકાત્મક)

અરબી સમુદ્રમાંથી ભારત આવી રહેલા એક વ્યાપારિક જહાજ પર ડ્રોન હુમલા બાદ Indian Navy (ભારતીય નૌસેના) એલર્ટ થઇ ગઇ છે અને અરબી સમુદ્ર્માં ભારતીય નૌકાદળે સુરક્ષા માટે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય જહાજ પર હુમલાને અટકાવવા ભારતીય નૌકાદળે ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે અરબી સમુદ્રમાં વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો થયો હતો. નોંધનીય છે કે ગુજરાતના પોરબંદરથી 217 નોટિકલ માઈલ (લગભગ 370 કિમી)ના અંતરે આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. આ જહાજમાં દળના 21 ભારતીયો સભ્યો હતા જો કે તે બધાજ સુરક્ષિત છે. ભારતીય ગાર્ડે ત્યાંથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષા આપવા માટે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધાર્યું દીધું છે. વેપારી જહાજ એમવી કેમ પ્લુટો સોમવારે બપોરે 3 વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમની દેખરેખ હેઠળ મુંબઈ બંદરે પહોંચ્યું હતું. આ વેપારી જહાજ પ્લુટોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. નેવી અધિકારીઓ જણાવ્યું હતું કે હુમલાના વિસ્તાર અને જહાજ પર મળેલા કાટમાળના વિશ્લેષણમાં ડ્રોન હુમલા તરફ ધ્યાન દોર્યું છે અને તમામ વિગતોની ખાતરી કરવા માટે વધુ ફોરેન્સિક અને તકનીકી વિશ્લેષણની જરૂર પડશે. બીજી બાજુ કોસ્ટ ગાર્ડ, નેવી, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે.

ભારતીય ગાર્ડે વેપારી જહાજોને સુરક્ષા આપવા પેટ્રોલિંગ પણ વધાર્યું

ભારતીય નૌકાદળ એલર્ટ
ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે યુદ્ધ જહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા સહિત અનેક માર્ગદર્શિત મિસાઇલ વિનાશક આ વિસ્તારમાં દેખરેખ માટે તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ભારત આવતા ઈઝરાયલી વ્યાપારિક જહાજ એમ.વી.કેમ પ્લૂટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો. જેના લીધે લાઈબેરિયાના ઝંડા લગાવેલા આ જહાજના એક ભાગમાં આગ લાગી ગઇ હતી.

ઈરાનથી ડ્રોન લોન્ચ કરાયાનો દાવો
અમેરિકાના ડિફેન્સ વિભાગે જણાવ્યું હતું કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો હતો અને એક રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવ્યું હતું. બીજી બાજુ પેન્ટાગોનના પ્રવક્તા દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લમાં વેરાવળથી 200 સમુદ્રી માઈલ દૂર (લગભગ 370 કિ.મી.) દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ઈઝરાયલી જહાજ પર ઈરાનથી આવેલા ડ્રોનથી હુમલો કરાયો હતો. જો કે બીજા દિવસે ઈરાને અમેરિકાના દાવાને ફગાવી દીધો હતો. ગયા અઠવાડિયે જ યુએસ દ્વારા દરિયાઈ વાણિજ્યની સુરક્ષા માટે બહુરાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરી હતી. સુરક્ષાના પગલા તરીકે, બ્રિટન, બહેરીન, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, સેશેલ્સ અને સ્પેન દક્ષિણ સમુદ્રમાં સંયુક્ત પેટ્રોલિંગ કરશે.

ભારતીય નૌકાદળે ત્રણ યુદ્ધ જહાજો તૈનાત કર્યા