November 6, 2024

દેશભરમાં OPD ઠપ્પ: રસ્તા પર ઉતરી આવ્યા ડોક્ટર્સ, કરી રહ્યા છે ન્યાયની માંગ

દિલ્હી: કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે દેશભરના ડૉક્ટરો વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી NCR સહિત સમગ્ર દેશમાં તબીબોનો વિરોધ ચાલુ છે. મંગોલપુરીની રાજીવ ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીમાં તબીબો દ્વારા અનિશ્ચિતકાળની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

મંગળવારે સવારે મંગોલપુરીના રાજીવ ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ ચાલુ છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બળાત્કારની ઘટના સામે ડોક્ટરો કેન્દ્ર સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.

ગત સોમવારે AAIMS અને RML હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ્સના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. રિસિડેન્ટ તબીબોની અનિશ્ચિતકાળની હડતાળને કારણે AIIMSમાં 80 ટકા જેટલી સર્જરીને અસર થઈ હતી. AIIMSના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નિરુપમ મદાન પાસેથી મળેલી માહિતી અનુસાર, સોમવારે AIIMSમાં 98 મોટી અને 96 નાની સર્જરીઓ થઈ.

FAIMAએ આજે ​​દેશભરમાં OPD બંધનું એલાન આપ્યું છે. બંગાળના કોલકાતા શહેરમાં એક મહિલા ટ્રેઈની ડૉક્ટર સાથે કરાયેલી ક્રૂરતા સામે દેશભરના તબીબો અને સ્ટાફમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ડોક્ટર્સ સરકાર પાસે તેમની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે ફરીદાબાદ ESIC મેડિકલ કોલેજમાં ડોક્ટરો તેમની સુરક્ષા માટે અને કોલકાતા કેસના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.