January 16, 2025

બંગાળમાં ડોક્ટરોએ 48 કલાકની હડતાળનું કર્યું એલાન, સરકાર પાસે શું છે તેમની માંગ?

Kolkata: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં આરોગ્ય તંત્રની હાલત સારી નથી. પીડિતા માટે ડોક્ટરો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ વિરોધ કરી રહ્યા છે અને તેમની માંગણીઓ માટે ભૂખ હડતાલ પર જઈ રહ્યા છે. બંગાળમાં ડોકટરોએ ફરી એકવાર તેમની માંગણીઓને લઈને 48 કલાકની હડતાળનું એલાન કર્યું છે.

14-15 ઓક્ટોબરે બંધનું એલાન
કોલકાતાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ 14-15 ઓક્ટોબરે 48 કલાક માટે બંધની જાહેરાત કરી છે. IMAના જુનિયર ડોક્ટરો 15 ઓક્ટોબરે દેશભરમાં ઉપવાસ કરશે. આ ઉપવાસ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ડોક્ટરો પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ સાથે તેઓ તેમની માંગણીઓ પૂર્ણ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

ત્યારથી, ડૉક્ટરો કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે સતત વિરોધ કરી રહ્યા છે. 9 ઓગસ્ટના રોજ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. ગયા મહિને મમતા સરકારના આશ્વાસન પછી તેઓએ 42 દિવસ પછી તેમનું આંદોલન સમાપ્ત કર્યું. તેમણે પોતાનું કામ શરૂ કર્યું અને સરકારને સાત દિવસનો સમય આપ્યો. પરંતુ તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી.

પીડિતાને ન્યાયની માંગ સાથે જુનિયર તબીબોનું પ્રદર્શન

શું છે ડોકટરોની માંગ?

આરોગ્ય સચિવ એન.એસ.નિગમને તાત્કાલિક હટાવવાની માંગ
હોસ્પિટલોમાં તેમની સુરક્ષાની માંગ, ટાસ્ક ફોર્સની રચનાની માંગ
હોસ્પિટલો માટે કેન્દ્રિય રેફરલ સિસ્ટમની સ્થાપનાની માંગ
હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવા, કાયમી મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવા માંગ
હોસ્પિટલોમાં તબીબો, નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાની માંગ

આ પણ વાંચો: નકલી નોટો વટાવવા જતાં બે શખ્સોને ઝડપી પાડતી બાપુનગર પોલીસ, થયા અનેક ખુલાસા

આજથી દેશભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ
કોલકાતા રેપ કેસને લઈને આજથી દેશભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ છે. FAIMAએ દેશભરમાં સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. દેશભરના અનેક આરડીએએ બંધને સમર્થન આપ્યું છે. બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કોલકાતાના ડૉક્ટરોના સમર્થનમાં FAIMAએ આ જાહેરાત કરી છે. સરકારનું વલણ જોયા બાદ FAIMA તેનું આગળનું આયોજન નક્કી કરશે.