December 28, 2024

ડૉક્ટર્સ કોમ્યુનિટી અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ: રાહુલ ગાંધી

Doctor Rape in Kolkata: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, કોલકાતામાં જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. જે રીતે તેની સામે આચરવામાં આવેલા ક્રૂર અને અમાનવીય કૃત્યોનો પર્દાફાશ થઈ રહ્યો છે, તેના કારણે ડૉક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે. પીડિતને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે.”

હું પીડિત પરિવાર સાથે ઉભો છું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આ ઘટનાએ અમને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી તો માતા-પિતાએ પોતાની દીકરીઓને ભણવા માટે કયા આધારે વિશ્વાસ કરવો જોઈએ? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે? હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર દરેક પક્ષ અને દરેક વર્ગે સાથે મળીને ગંભીરતાથી ચર્ચા કરવી પડશે અને નક્કર પગલાં લેવા પડશે. આ અસહ્ય દુઃખમાં હું પીડિત પરિવાર સાથે ઉભો છું. તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે રજૂ થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં લલનટોપને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રેઇની ડૉક્ટરના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે. પુત્રીનો મૃતદેહ જોતા પહેલા ત્રણ કલાક સુધી હોસ્પિટલની બહાર રાહ જોવી પડી હતી. ટ્રેઇની ડૉક્ટરના પિતાએ જણાવ્યું કે, જ્યારે તેમને પ્રથમવાર હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, તમારી પુત્રીએ આત્મહત્યા કરી છે અને તમારે તાત્કાલિક આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ મામલાને લઈને દેશભરમાં ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.