November 5, 2024

દિવાળી વેકેશનને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં માનવ મહેરામણ ઉમટ્યું, રોજ 35 હજાર મુસાફરોની મુલાકાત

પ્રવિણ પટવારી, રાજપીપળાઃ આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા જ હોય છે. કેવડિયા અત્યાર સુધી 1.50 કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓ આ 6 વર્ષમાં નોંધાઈ ચુક્યા છે અને હાલ આ વેકેશન દરમિયાન પણ રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયા આવે એવી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે દિવાળી રજાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી આ વર્ષ હાઉસફુલ જોવા મળ્યું છે.

ગઈકાલે રવિવારના દિવસે, એક જ દિવસમાં 73 હજાર પ્રવાસી નોંધાયા છે અને 1 નવેમ્બરથી તમામ હોટલો, ટેન્ટસિટી, રો-હાઉસ હાઉસફુલ થયા છે. ખાસ ટેન્ટસિટીમાં આ દિવાળીમાં આવતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓને સ્પેશિયલ આદિવાસી ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. રાત્રે કલ્ચર પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં રોજના 50 હજાર કરતાં વધુ પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા સ્પેશિયલ એસટી બસો મૂકવામાં આવી છે. જેથી પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે. દિવાળી વેકેશનમાં હવે ફરવા માટે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે અને જેને લઈ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.