December 26, 2024

લો બોલો! પત્નીની ગુટખા ખાવાની આદતથી પરેશાન પતિ ઘર છોડીને જતો રહ્યો

પતિ ઘરેથી જતા રહેતા પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના આગ્રામાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગુટખા પતિ-પત્ની વચ્ચે મોટા વિવાદનું કારણ બન્યું. પતિનો આરોપ છે કે તેની પત્ની ગુટખા ખાય છે. અને બુલેટ ચલાવે છે. પતિનું કહેવું છે કે જ્યારે પત્નીને તે ગુટખા ખાવાની ના પાડે છે ત્યારે તે તેની સાથે માથાકુટ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલા આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. જેના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક છોકરા સાથે થયા હતા. મળતી માહિતી મુજબ, બંનેએ વર્ષ 2020માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પછી પતિને ખબર પડી કે તેની પત્ની ગુટખા ખાય છે. અને તેને બુલેટ બાઇક ચલાવવાનો પણ શોખ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવક જગદીશપુરા સ્થિત જૂતાની ફેક્ટરીમાં કામ કરે છે. જેને રોજના લગભગ 300 રૂપિયા મળે છે. તેની પાસે રહેવા માટે તેના માતા-પિતાનું જૂનું ઘર છે. તેની આર્થિક સ્થિતિ સારી નથી.

પત્ની ગુટખા ખાવા માટે પૈસા માંગતી હતી
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પત્ની તેના પતિ સાથે જૂના મકાનમાં રહેવા માંગતી નથી. તેથી જ તેના પિતાએ તેને રહેવા માટે ઘર પણ આપ્યું હતું. આ બધા સિવાય પત્ની દરરોજ પતિ પાસે ગુટખા ખાવા અને બુલેટ બાઇક ખરીદવા માટે પૈસા માંગતી હતી. આ જોઈને પતિ પરેશાન થઈ ગયો હતો. પછી આ બધાને લઈને બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. અને વ્યથિત પતિ તેની પત્નીને છોડીને તેના જૂના મકાનમાં રહેવા જતો રહ્યો હતો.

મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પતિ ઘરેથી જતા રહેતા પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો હતો. જ્યાં બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવકે કાઉન્સેલિંગ દરમિયાન આ બધી વાતો જણાવી હતી.

તેના કહેવા મુજબ પત્ની દરરોજ પેટ્રોલ અને ગુટખા માટે પૈસા માંગે છે, આટલા પૈસા ક્યાંથી લાવવા? આ અંગે પત્નીનું કહેવું છે કે તે લગ્ન પહેલા પણ ગુટખાનું સેવન કરતી આવી છે. અને તેને બાળપણથી જ બુલેટ ચલાવવાનો શોખ હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના પિતાએ તેને બુલેટ બાઇક આપી હતી. આ બધા પર પતિનું કહેવું છે કે જ્યાં સુધી પત્ની ગુટખા ખાવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તે તેની સાથે નહીં રહે.

આ અંગે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારનું કહેવું છે કે પતિએ પત્ની પર ગુટખા ખાવાનો આરોપ લગાવ્યો છે. પત્ની કહે છે કે હવે તેણે ગુટખાનું સેવન ઓછું કર્યું છે. હાલ બંનેને આગામી તારીખે ફરી આવવાનું કહેવામાં આવ્યું છે.