જામનગર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર

જામનગર: ગુજકોસ્ટ – ગાંધીનગર પ્રેરિત, એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ, DEO કચેરી જામનગર , DPEO કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય “આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ” વિષય પર જિલ્લા કક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં 37 જેટલી શાળાના 40 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોના વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે 20 પ્રશ્નોની લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના બાળકોએ સંતોષકારક જવાબો આપ્યા હતા.

સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોની રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંક પર લાવીકા ત્રિપાઠી કે.ડી.અંબાણી શાળા, મોટી ખાવડી, દ્વિતીય ક્રમાંક પર હેમ્યા શુક્લા સત્ય સાંઈ શાળા, જામનગર અને તૃતીય ક્રમાંક પર ત્રિષા ક્ટારીયા સેન્ટ ફ્રાન્સીસ શાળા, જામનગરની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા બાળકોને શિલ્ડ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ કાર્યક્મમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક અને સંચાલક તરીકે સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, બી.એચ.ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ, કાલાવડના પ્રાધ્યાપક રીયાબેન કાકુ, કલ્યાણ પોલિટેકનિક કોલેજ, જામનગરના પ્રમિત ગોહેલ, સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતાએ અને કર્મચારી સંજય પંંડયાએ ફરજ બજાવી હતી.