વરસાદી પાણી ઉતર્યા બાદ રોગચાળા નિયંત્રણ માટે જિલ્લા વહીવટ સજ્જ: પોરબંદર કલેકટર
પોરબંદર: સમગ્ર સૌરાષ્ટ્ર સહિત પોરબંદરમાં અતિ ભારે પડેલ વરસાદમાં પાણી ઉતર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર સજ્જ હોવાનું કલેકટર કે. ડી. લાખાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પોરબંદરમાં કચરા અને ગંદકીના નિકાલ માટે જામનગર તથા રાજકોટ કોર્પોરેશન માંથી મશીનરી અને મેનપાવરની ટીમો મંગાવાઇ છે. અતિ ભારે વરસાદમાં પોરબંદરને મદદ કરવા રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો હાથ ધર્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પણ જિલ્લાની વરસાદી પાણીની સ્થિતિનો ચિતાર મેળવ્યો છે અને જિલ્લા પ્રશાસનને જે કંઈ જરૂરિયાત પડે તે તમામ મદદ કરી લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.પોરબંદર નજીકના જિલ્લાઓના વહીવટી તંત્ર તથા કોર્પોરેશનને પોરબંદરને મદદ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે. પોરબંદર શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યશીલ છે. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા જિલ્લા સેવા સદન -1ના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અતિભારે વરસાદમાં થઈ રહેલ કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણી એ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ બાદ પ્લાસ્ટિક તેમજ ગંદકીની સ્થિતિ ના સર્જાય તે માટે અગાઉ થી આયોજન કરવામાં આવ્યું છે. લોકોના આરોગ્યને ધ્યાને લઈને આગોતરા આયોજનના ભાગરૂપે પૂરા પ્રયાસો હાથ ધરાયા છે.
રાજકોટ અને જામનગર કોર્પોરેશન માંથી મશીનરી તથા મેનપાવર મંગાવવામાં આવ્યો છે. ડી-વોટરીંગના વાહન, માઉન્ટેડ હેવી પંપ સેટ, જેસીબી મશીનરી ત્રણ, ટ્રેક્ટર ટ્રોલી પાંચ, 120 સફાઈ કામદારો સાધનો સાથે, ડીડીટી 1000 બેગ, એન્ટી મેલેરિયા 1000 લિટર, ડીજી સેટ, પેનલ બોર્ડ, પંપીંગ મશીનરી સહિતની સાધન સામગ્રી મંગાવામાં આવી છે. અતિ ભારે પડેલ વરસાદમાં પાણી ઉતાર્યા બાદ ગંદકી અને કચરાનો નિકાલ કરવા માટે તંત્ર સજ્જ છે. લોકોના આરોગ્ય ન જોખમાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અતિ ભારે પડેલ વરસાદમાં પોરબંદરને મદદ કરવા અન્ય જિલ્લાના કોર્પોરેશનને સૂચના આપી દેવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા, પા.પુ.બોર્ડના કાર્યપાલક ઇજનેર મહેશ દામા, પથીક ઓડેદરા,મામલતદાર મનોજ દેસાઈ, ચીફ ઓફિસર ગઢવી, સહિતના અધિકારીઓ અને પોરબંદરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.