તાડકુવા ગામની સરકારી પડતર જમીન વ્યારાના ધાર્મિક સંપ્રદાયને ફાળવી દેવાતા વિવાદ

દિપેશ મજલપુરીયા, તાપી: તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં તાડકુવા ગામની સરકારી પડતર જમીન વ્યારા તાલુકાના ચીખલદા ગામના પૈસાદાર ખેડૂત અને ધાર્મિક સંપ્રદાયને ફાળવાઇ હોવાના આક્ષેપ કરાયા હતા.
તાપી જિલ્લાના તાંડકુંવા ગામે આવેલ જમીન મામલે મામલો ગરમાયો છે. આજે આ મુદ્દે આદિવાસી પંચે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. આદિવાસી પંચના આગેવાન લાલસિંગ ગામીત અને ફરિયાદ કરનાર ખેડૂત દિવ્યેશ ગામીતએ જણાવ્યું કે તાંડકુંવા ગામની સરકારની પડતર 5 વીઘા જમીન ગોપાલભાઈ ગામીત નામના ખેડૂત જેઓ કરોડોની મિલકત ધરાવે છે તેમને ખેતી કરવા આપેલ જમીનનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથે તાંડકુંવા ગામની ધાર્મિક સંપ્રદાયની આ વિવાદિત જમીનની આસપાસમાં અન્ય ખેડૂતોની જમીન આવેલ છે, જેમાં જવા આવવાનો રસ્તો આ જમીન પર કબ્જો જમાવી બેઠેલા બિલ્ડરો દ્વારા બ્લૉક કરી દેવામાં આવ્યો છે.
કુદરતી પાણીનાં વહેણની કોતર પણ પૂરી દેવામાં આવી છે જેને લઈ આસપાસના ખેતરોમાં વરસાદનું પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. જે અંગે અગાઉ આસપાસના ખેડૂતો દ્વારા વાંધો ઉઠાવી ન્યાયની માંગણી સાથે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેનો દ્વેષ રાખી બિલ્ડરો દ્વારા ફરિયાદી ખેડૂતને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે પણ અગાઉ પોલીસ ફરિયાદ આપ્યાના 15 દિવસ પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાને લઈને આજે આદિવાસી પંચ ના નેજા હેઠળ આ ફરિયાદી પીડિત ખેડૂતને ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને આ મુદ્દે જલ્દી કાર્યવાહી ન કરવામાં આવેતો આદિવાસી પંચે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચરી હતી.