કરાડ અને ગોમા નદી પરના 2 ચેકડેમ ક્ષતિગ્રસ્ત ખેડૂતો માટે આફત
દશરથસિંહ પરમાર, પંચમહાલ: પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનવવામાં આવેલા 2 ચેકડેમો ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતો હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે આ બન્ને ચેકડેમને વહેલી તકે રીપેર કરવામાં આવે અથવા નવીન બનાવવા મા આવે તેવી માંગ કરી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના બરોલા-મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી પર બનાવવામાં આવેલો મોટો ચેકડેમ છેલ્લા બે ચોમાસાની ઋતુમાં નદીમાં આવેલા પાણી ભારે પ્રવાહને લઈને તૂટી જવા પામ્યો હતો જેને લઈને ચેકડેમમાં સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું હતું. ચેકડેમ તૂટી જવાને આજે બે વર્ષ થી વધુ સમય વીતવા છતાંપણ સિંચાઈ વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની તપાસ સુધ્ધા કરવામાં આવી નથી. તો બીજી તરફ કાલોલ તાલુકાના રામનાથ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બનાવવામાં આવેલા મોટા ચેકડેમનો પણ એક ભાગ ચોમાસાની સિઝનમાં તૂટી જવા પામ્યો હતો.
ત્યારે સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું, તેમજ આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય અને જેને લઈને બાકી રહેલા પાણીને વહેતું અટકાવી શકાય, જોકે બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા કામચલાઉ ચેકડેમના તૂટેલા ભાગનું સમર કામ કરવામાં આવ્યું હતું પરંતુ બંને ચેકડેમ માં પાણીનો સંગ્રહ હાલમાં ન હોવાને લઈને ખેડૂતોને સિંચાઈ નું પાણી હાલ મળી રહ્યું નથી તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ નીચે જવાને લઈને પશુપાલન કરતા ખેડૂતોને પણ હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે જેથી કરીને આગામી શિયાળા ની સિઝનમાં પાણી નો સંગ્રહ થઇ શકે અને ખેડૂતો ને સિંચાઈનો લાભ મળી શકે. ત્યારે હવે જોવું રહ્યું કે ચેકડેમમાં પાણી વહેલું આવે છે કે ચોમાસું વહેલું આવે છે.