January 2, 2025

જામનગરની શાળાના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ

સંજય વાઘેલા, જામનગર: જેમણે આપણને લખતા વાંચતાં શીખવાડ્યું તેમના માટે આમ તો જેટલું લખીએ તેટલું ઓછું છે અને તે છે શિક્ષક. ભારતમાં દર વર્ષે તા. 5 સપ્ટેમ્બરના રોજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે, ચાલો જામનગરના એક એવા શિક્ષકની વાત કરીએ જેઓ પોતે દિવ્યાંગ છે છતાં પોતાની શાળાના બાળકો માટે જાણે કે સપોર્ટ સિસ્ટમ સમાન બની ગયા છે.

આપી જ્ઞાનનો ભંડાર અમને,
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને;
છીએ આભારી એ ગુરૂઓના અમે,
જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને.

શિક્ષકને લગતી આ પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડીશાળા-2 માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રામીબેન કનારાને ખરા અર્થમાં લાગુ પડે છે. કારણ કે, દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેતમજૂરો અને પરપ્રાંતીયોના બાળકોને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શકની પણ ગરજ સારે છે. તેઓ છેલ્લા 14 વર્ષથી આ શાળામાં નોકરી કરે છે.

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતથી ભણાવવાની તેમની પધ્ધતિથી દર વર્ષે તેમના 50 % વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થાય છે અને કોઈપણ જ્ગ્યાએ ટ્યૂશન રાખ્યા વગર માત્ર રામીબેન દ્વારા આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનતા જવાહર નવોદયની પરીક્ષામાં પણ ઉતીર્ણ થઈ ત્યાં અભ્યાસ અર્થે જઈ શક્યા છે.

શાળાએ જતા વિદ્યાર્થીઓના શિક્ષક નહીં પરંતુ એક માં પોતાના બાળકનો ઉછેર કરવા માટે જેટલો પરિશ્રમ કરે છે તેવી રીતે રામીબેન પણ દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમજીને અંગત ધ્યાન આપી જ્ઞાન આપે છે.

રામીબેન કનારા જણાવે છે કે, તેઓને વર્ષ 2004માં નોકરી મળી હતી. છેલ્લા 14 વર્ષથી બબરઝર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની સાથે સાથે મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ માટેની અને જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની પણ તૈયારીઓ કરાવે છે અને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવતા સિલેકટ પણ થયા છે.

15 કિમી દૂરથી અપડાઉન કરીને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે મહેનત કરે છે. આ શાળામાં બાળક અભ્યાસ પૂર્ણ કરી લે પછી પણ તેમના માતાપિતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે શાળાએ આવીને માર્ગદર્શન મેળવે છે. શિક્ષકદિન નિમિતે તમામ શિક્ષકોને સંદેશો આપતા રામીબેન જણાવે છે, શાળાના વિદ્યાર્થીને પોતાનું બાળક માનીને શિક્ષણ આપવું જોઈએ. કર્મ કરતાં રહો, તેનું ફળ ચોક્કસ મળે છે. દિવ્યાંગ હોવા છતાં હિમ્મત હાર્યા વગર હું મારી ફરજ બજાવી રહી છું.