વિકલાંગ ભારતીયની બળજબરીથી રશિયન સેનામાં કરી ભરતી, પરિવારે સરકાર પાસે માગી મદદ
રશિયા: પંજાબના જલંધર જિલ્લાના ગોરૈયાના અન્ય એક ભારતીયને કથિત રીતે ટ્રાવેલ એજન્ટો તરફથી છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. પીડિત મનદીપ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેમણે તેને ઇટાલી મોકલવાનું વચન આપ્યું હતું. મનદીપને ઇટાલીને બદલે મોસ્કો મોકલવામાં આવ્યો જ્યાં તેને સેનામાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું.
મનદીપ કુમારના ભાઈ જગદીપ કુમારે કહ્યું, “મારા ભાઈને નાનપણથી જ પગમાં તકલીફ છે. મનદીપ અને તેના મિત્રોને આર્મેનિયા થઈને ઈટાલી જવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, પરંતુ રશિયા પહોંચી ગયા હતા. એજન્ટોએ તેમનું શોષણ કર્યું અને વધુ પૈસાની માંગણી કરવાની ધમકી આપી.” પરિવારે કહ્યું કે મનદીપનો છેલ્લે માર્ચમાં સંપર્ક થયો હતો, જેમાં તે આર્મી યુનિફોર્મમાં હતો અને બચાવ માટે વિનંતી કરી રહ્યો હતો. આમાં મનદીપ રશિયન આર્મીથી પોતાના જીવને ખતરા વિશે જણાવી રહ્યો હતો. જગદીપ કુમારે કહ્યું, “જ્યારે અમે સાંભળ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં તૈનાતી માટે મનદીપ અને અન્ય પંજાબી છોકરાઓને રશિયન આર્મીમાં બળજબરીથી ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારે અમારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.”
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને કેમ ન જોઈ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? જીત બાદ આવ્યા આંખમાં આસું
હવે પરિવાર સરકારને મનદીપને દેશમાં પરત લાવવાની વિનંતી કરી રહ્યો છે. પરિવારે રાજ્યસભા સાંસદ બલબીર સિંહ સીચેવાલનો સંપર્ક કર્યો છે. સીચેવાલે કહ્યું છે કે તેમણે તરત જ વિદેશ મંત્રાલય સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સમાન સંજોગોમાં ફસાયેલા મનદીપ કુમાર અને અન્ય લોકોની સલામત પરત સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સીચેવાલે જણાવ્યું હતું કે, “જ્યારે નિર્દોષ યુવાનોને અનૈતિક એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે તે જાણવું ખૂબ જ ચિંતાજનક છે. આપણે આપણા યુવાનોને આવી જાળમાં ફસાવાથી સાવચેત રહેવું જોઈએ.”