તંત્રની આળસને કારણે જામનગરના ઐતિહાસિક રણમલ તળાવમાં ગંદકી
સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં આવેલું ઐતિહાસિક રણમલ તળાવ જામનગરની શોભાને ચાર ચાંદ લગાવે છે અને જામનગરના માથાના મુગટની મણી સમાન ઝળહળે છે. જામનગરના આ તળાવની જાળવણી અંગે તંત્ર હજુ ઘોર નિદ્રામાં છે. તંત્રની આળસ અને અમુક શહેરીજનોની અણસમજને પાપે રણમલ તળાવ હાલ ગંદકીથી ખદબધી રહ્યું છે. જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારોભાર રોશની લાગણી જોવા મળી રહી છે. બીજી બાજુ તંત્ર આ મામલે આળસ ખંખેરી અને વાસ્તવિક કામગીરી કરે તેવો લોકોમાંથી સુર ઊઠી રહ્યો છે.
નોંધનીય છે કે જામનગરનું રણમલ તળાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, પરંતુ આ તળાવની આજુબાજુના જ લોકો તળાવને નર્ક બનાવી રહ્યા છે. આજુબાજુમાં રહેતા લોકો તળાવમાં આડેઘડ કચરો ઠાલવતા જોવા મળે છે જેને કારણે તળાવ ગંદકીમાં ફેરવાઇ ગયું છે. કચરો નાખવા ઉપરાંત ન્હાવા સહિતનો ઉપયોગ કરતા હોવાથી તળાવની દુર્દશા થઈ છે, તળાવની ગંભીર સ્થિતિ છતાં પણ આળસુ અધિકારીઓ આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરતા નથી.
લોકો બેફામ કચરો ઠાલવી રહ્યા છે
શહેરના પર્યાવરણ પ્રેમીએ જણાવ્યું કે તળાવમાં બેફામ કચરો ઠલવાતો હોવા છતાં તંત્ર માત્ર બોર્ડ લગાવી અને સંતોષ માણી લેતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નવાઇની વાત તો એ છે કે કચરો કરવા અંગે દંડની જોગવાઇ દર્શાવતા બોર્ડ લગાવેલું છે ત્યાં જ લોકો બેફામ કચરો ઠાલવી રહ્યા છે. તળાવની જાળવણી અંગે કચરો નાખનારને રોકવા કોઇ ગાર્ડ કે તળાવ ફરતે રેલિંગની પણ વ્યવ્સથા કરવામાં આવી નથી. પરિણામે પાણીમાંથી પણ દુર્ગધ આવી રહી છે. તો બીજી બાજુ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તળાવમાં ગંદકી કરતા લોકોને દંડ પણ ફટકારવામાં આવે છે. થોડા સમય પહેલા જ 30થી વધુ લોકોને દંડ ફાટકરવામાં આવ્યો હતો, એટલું જ નહીં 15થી 30 દિવસે તળાવની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે. પરંતુ લોકો દરરોજ વધુ માત્રામાં કચરો ફેંકી રહ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, જામનગરમાં વર્ષે લાખો પ્રવાસીઓ પક્ષીઓ જોવા આવી રહ્યા છે. આ પ્રવાસીઓ શહેરમાં આ રણમલ તળાવની પણ મુલાકત લે છે, જો કે આ તળાવની હાલત જોઈને આબરૂ ધૂળધાણી થઇ રહી છે. આ અંગે વહેલી તકે કોઈ પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓ અને શહેરના જાગૃત નાગરિકોએ માંગ કરી છે.