જૂનાગઢમાં જન્મના પ્રમાણપત્રમાં નામમાં સુધારો કરવા મુશ્કેલી, અરજદારોને ખાવા પડે છે કચેરીના ધક્કા

જૂનાગઢ: જૂનાગઢમાં જન્મના પ્રમાણપત્રમાં નામમાં ફેરફાર કરવાને લઈને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ મહાનગપાલિકા કચેરી ખાતે જન સેવા કેન્દ્રમાં જન્મ મરણની નોંધણીની કામગીરી કરવામાં આવે છે. જ્યાં અરજદારો જન્મના પ્રમાણપત્રમાં નામમાં ફેરફાર કરાવી શકે છે. જેના માટે નિયમાનુસાર ફી ભરીને જરૂરી અરજી કરીને નામમાં સુધારો કરાવી શકાય છે, ઘણાં કિસ્સામાં સોગંદનામું રજૂ કરીને પણ નામમાં ફેરફાર કરાવી શકાય છે.
ઘણી વખત પોતના કે માતા પિતાના નામ પાછળ ભાઈ, બેન, કુમાર, કુમારી, ચંદ્ર, લાલ, બાનુ જેવા શબ્દો હોય છે જેને લઈને તેમાં ફેરફાર કરવો આવશ્યક હોય છે. જૂનાગઢમાં રહેતા પાયલબેન રાઠોડના પતિ સેનામાં ફરજ બજાવે છે. તેના પતિનું નામ તેના આધારકાર્ડ અને પાનકાર્ડ મુજબ મનીષ હતું અને તેની પુત્રીના પ્રમાણપત્રમાં પિતાના નામ પાછળ કુમાર ઉમેરી દેવાતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાયલબેને આ અંગે રજૂઆત કરતાં તેને અરજી કરવાનું કહેવામાં આવ્યું અને સોગંદનામું કરવા કહેવાયું, પાયલબેને બંને પ્રક્રિયા કરી છતાં નામમાં કોઈ સુધારો ન થયો અને સંતોષકારક જવાબ ન મળતાં હવે તેઓ યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ અંગે જ્યારે ન્યુઝ કેપીટલે અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ સરકારના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી છે. જેથી આ અંગે અધિકારીઓએ કેમેરા સામે કશું જ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને આ તકલીફ થોડા સમયમાં દૂર થઈ જશે તેવું જણાવ્યું હતું. હાલ તો પાયલબેન જેવા અનેક અરજદારો છે. જેમને ટેકનીકલ ખામીના કારણે કચેરીના ધક્કા ખાવા પડે છે અને તેમના કામ ટલ્લે ચડે છે. અરજદારોને સમયે કામ થતાં નથી જેને લઈને અનેક મુશ્કેલી પડે છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.