ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં ભળશે, ગુજરાત વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા કહ્યું કે હું મારા સમર્થકોને સાથે લઇને ભાજપમાં જોડાઉ છું. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય વાઘેલાએ દાવો કર્યો છે કે તેમના રાજીનામાનો હેતુ દેશમાં ‘રામ રાજ્ય’ સ્થાપિત કરવાના પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પ્રયાસોને મજબૂત કરવાનો છે. ઘમેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ નિવેદન આપ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રસન્ન થઈને ભાજપ જોડાઉ છું. દેશ સહિત રાજ્યનો યોગ્ય વિકાસ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો છે. વધુમાં કહ્યું કે ભાજપ પક્ષ કહેશે તો જ લોકસભા કે પછી વિધાનસભાની ચૂંટણી લડીશ.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2024 પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ભરતી અભિયાન’ શરૂ, 1500થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા
નોંધનીય છે કે વાઘેલા 2022માં ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ચૂંટણી પહેલાં વાઘેલા ભાજપમાં હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેમણે બળવો કર્યો અને અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી પણ ગયા હતા. તેમણે ભાજપના અશ્વિન પટેલને 14 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. માહિતી અનુસાર વાઘેલાએ આજે સવારે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું અને તેના રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ પગલું આગામી એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉઠાવ્યું છે. રાજીનામું આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા વાઘેલાએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે અને બીજી બાજુ શાસક પક્ષે તેમને ફરીથી કોઈ પદ કે ટિકિટ આપવાનું વચન આપ્યું નથી. વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે “મેં મારા મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે,” મેં રાજીનામું આપ્યું છે તેનું એક જ કારણ છે કે હું દેશમાં રામ રાજ્યની સ્થાપનાના પ્રયાસમાં પીએમ મોદી અને અમિત શાહની સાથે રહીને મજબૂત કરવા માંગુ છું. છેલ્લા બે મહિનામાં ગુજરાત વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપનારા ઘમેન્દ્રસિંહ વાઘેલા ત્રીજા ધારાસભ્ય છે. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી અને તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.