December 22, 2024

દેવગઢ બારિયામાં રીંછનો યુવાન પર હુમલો, પાક સાચવતી વખતે અચાનક ત્રાટક્યું

દેવગઢ બારિયાઃ તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં રીંછની વસતિ વધુ છે. જેમાં આજે દેવગઢ બારીયા તાલુકામાં રીંછના હુમલાની ઘટના બની છે. વહેલી સવારે મકાઈનો પાક સાચવવા ગયેલા 36 વર્ષીય યુવક પર ભુવાલ ગામે રીંછે હુમલો કર્યો છે.

મોજે ભુવાલ ગામના 36 વર્ષીય યુવાન રામસીંગભાઈ જશુભાઈ પટેલ વહેલી સવારે ખેતરમાં મકાઈનો પાક સાચવવા ગયા હતા. તે સમયે વન્ય પ્રાણી રીંછે અચાનક હુમલો કર્યો હતો. રીંછના હુમલામાં યુવકને માથાના તથા જમણી બાજુ આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલામાં તેમનો જમણો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો અને જમણા પગે ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ડાબી બાજુના હાથમાં હથેળીના તથા ડાબી બાજુના પગના ઢીંચણના ભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનાની જાણ પરિવારને અને આસપાસના લોકોને થતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે બારીયા સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, વધારે ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દેવગઢ બારિયા વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.