January 8, 2025

ફડણવીસ,શિંદે અને પવાર એક જ કારમાં રાજભવન પહોંચ્યા, રાજ્યપાલને મળીને સરકાર રચવાનો કર્યો દાવો

Maharashtra New CM: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેઓ પદના શપથ લેશે. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બનશે. ફડણવીસ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા છે.

મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો કર્યો
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર એક જ કારમાં સાથે રાજભવન પહોંચ્યા. અહીં તેમણે રાજ્યપાલ રાધાકૃષ્ણનની સામે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પ્રસંગે નિરીક્ષક નિર્મલા સીતારમણ પણ હાજર હતા.

મહારાષ્ટ્રના નવા સીએમનું નામ ફાઈનલ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજભવન પહોંચ્યા છે. ત્રણેય અહીં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને રાજ્યપાલને સમર્થન પત્રો સબમિટ કર્યાં.

મહારાષ્ટ્રમાં અમારી એકતરફી જીત હતીઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ‘એક હૈ તો સેફ હૈ’. મહારાષ્ટ્રમાં અમને એકતરફી જીત મળી છે. હું આ જનાદેશ માટે આભારી છું. મને ટેકો આપવા માટે એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર.

ફડણવીસના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પત્ર જારી
રાજ્ય સરકારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પત્ર જારી કર્યું છે. આ આમંત્રણ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે લખવામાં આવ્યું છે.

ફડણવીસના નિવાસસ્થાનની બહાર ઉત્સવનું વાતાવરણ
નાગપુરમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર ઉજવણીનો માહોલ છે. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા છે. ફડણવીસને સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.