દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

દ્વારકાઃ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ ટંકારિયા જેવા ગામોમાં તોફાની વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે હિટવેવ સહિત માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે, આગામી 15મી મેથી 20મી મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત 20મી મેથી 31મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. મહેસાણા, હિંમતનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદની આાગાહી કરવામાં આવી છે.