January 18, 2025

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી તારાજી; રોડ-ખેતરો ધોવાયાં, ધરતીપુત્રો ચિંતામાં

મનોજ સોની, દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે રોડ-રસ્તા તેમજ ખેતરોમાં વ્યાપક ધોવાણ સાથે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે અને તેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.

કલ્યાણપુર તાલુકામાં એક સપ્તાહમાં 50 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે વરસાદના પગલે ધસમસતા પાણીના પૂર ખેતરોમાંથી વહેતા થયા હતા. તેને લઈને ખેતરોમાં જમીનનું ધોવાણ તેમજ ખેતરે જવાના માર્ગમાં પણ વ્યાપક ધોવાણ થયું છે.

ભારે વરસાદના પગલે ખેતરોમાં એક સપ્તાહ સુધી પાક પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભિતી સેવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીના પાકનું મુખ્યત્વે વાવેતર કર્યું હતું. પરંતુ આ પાક એક સપ્તાહથી પાનેલી, ટંકારિયા, દેવળીયા, સૂર્યાવદર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અને પાક વિમાની માગ કરી રહ્યા છે. પાક વીમો સરકાર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માગણી પણ ખેડૂતો કરી રહ્યા છે.