December 18, 2024

દ્વારકામાં વરસાદી પાણી ઓસર્યા, હોટેલ-ગેસ્ટ હાઉસમાં લાખોનું નુકસાન

દ્વારકાઃ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા છે. દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણીનો નિકાલ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવ્યો છે. હોટેલ અને ગેસ્ટ હાઉસમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે હોટેલ અને ગેસ્ટ હાઉસમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને તેને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

દ્વારકા શહેરમાં પાણી ભરાતા રહીશોમાં રોષ
દ્વારકા શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જૂની પાલિકા વિસ્તાર, ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભદ્રકાળી મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો અટવાયા છે. શહેરમાં આવેલી અનેક રેસ્ટોરાં-હોટેલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

કલ્યાણપુરમાં ફરી વરસાદ શરૂ
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી વરસાદ શરુ થયો છે. કલ્યાણપુરના જામ ગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ કરી છે. જામ ગઢકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં મૂકાયાં છે. સતત પડતા વરસાદના પગલે મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. દ્વારકાના કલ્પાણપુરના ભાટીયા ગામ પાસે બે દિવસ પહેલાં એક કાર તણાઈ ગઈ હતી. ત્યારે ચાલકનો સદ્નસીબે બચાવ થયો હતો. આજે પાણી ઓસરતા આ તણાયેલી કાર મળી આવી છે.