July 1, 2024

દ્વારકામાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર, વીજળી પડતા શ્રમિકનું મોત

દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયાની ભારથર ગામની નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ વ્યક્તિ ન્હાવા ન જાય તે માટે ગોમતી ઘાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વરસાદની આગાહીના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તંત્રએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી નાંખ્યો છે. ઉલ્લેખનીય છે કે, યાત્રિકોને ગોમતી ઘાટે ન્હવા તેમજ અવરજવર માટે મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ કપડવંજમાં કરંટ લાગતા મહિલાનું મોત, બે બાળકો નોંધારા બન્યાં

કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાટિસા સહિત આજુબાજના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદ પડતા નદીનાળાં બે કાંઠે વહેતા થયા છે. વરસાદી પાણીને લઈને ભાટિયા ગામની નદીમાં પૂર જેવાં દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ, રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર પંથકના રાજપરા, ચૂર, ધતુરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાજપરામાં વાવણીલાયક ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી વહેતા થયા છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં 21 કરોડનું ચરસ ઝડપાયું, એક વ્યક્તિની ધરપકડ

ખંભાળિયાના કેશોદ ગામના સીમ વિસ્તારમાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું છે. ગાજવીજ સાથે વરસાદ હોવાથી વીજળી પડી હતી. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ નામના વ્યક્તિ વાડીમાં કામ કરી રહ્યા હતા અને તે સમયે જ વીજળી પડતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

ખંભાળિયાના કેશોદમાં વીજળી પડતા 3 પશુનાં મોત નીપજ્યા છે. વરસાદી વાતાવરણમાં પંથકમાં વીજળી પડવાના બનાવો સામે આવ્યાં છે. પશુ પાલકની 3 ભેંસો પર વીજળી પડતા મોત નીપજ્યા છે. મોંઘીદાટ ભેંસોના મોત નીપજતા પશુપાલક પરિવારમાં ગમગીની છવાઈ ગયો છે. પૂંજાભાઈ સવદાસભાઈ ડેર નામના ખેડૂતની ત્રણ ભેંસોનાં મોત નીપજ્યા છે.