હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા 7 લોકોની અટકાયત, 70 CCTV ફેંદ્યા બાદ આરોપીના સગડ મળ્યાં!

કલ્યાણપુરઃ હર્ષદના દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવના ગર્ભગૃહમાંથી શિવલિંગ સહિત થાળું ચોરાવવાની ઘટના બની હતી. ત્યારે આ મામલે પોલીસે તપાસ કરી 7 લોકોની અટકાયત કરી છે.
પોલીસે આ મામલે ટીમ બનાવી ગુનો ઝડપથી ઉકેલવા માટે કવાયત હાથ ધરી હતી. સૌથી પહેલા FSL ટીમ દ્વારા ઘટનાસ્થળનું બારીક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્નિફર ડોગ દ્વારા આરોપીઓને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળે કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા ન હોવાથી દૂરની જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત ઘટનાસ્થળની આજુબાજુની હોટેલ, ધર્મશાળા, વાડી, ફાર્મ હાઉસમાં રહેતા માણસોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. 70 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીઓનું પગેરું શોધવામાં પોલીસને આખરે સફળતા મળી હતી.
પોલીસે મહત્વની કડી શોધી નાંખી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામમાંથી લોકોનું એક ગ્રુપ આવ્યું હતું અને તેમણે શિવલિંગની ચોરી કરી હતી. તેથી તાત્કાલિક પોલીસે ટીમ મોકલી 8 પુરુષ સહિત 3 મહિલાની આરોપી તરીકે ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી 8 પુરુષની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ અવારનવાર હરસિદ્ધિ મંદિરે દર્શન કરવા આવતા હતા. તેમાંથી રમેશસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજીને અવારનવાર સપનું આવતું હતું કે, પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વહાણવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરશે તો ઉન્નતિ થશે. તેથી આ પરિવારના તમામ માણસો વાહનો લઈને 11 આરોપીઓ સાંજના સમયે હર્ષદ આવ્યા હતા.
તેઓ શિવલિંગ ઉખાડવાના સાધનો લઈને આવ્યા હતા. તમામ આરોપીઓ ઝગડુશા ધર્મશાળામાં રોકાયા હતા. એક દિવસના રાત્રિના સમયે શિવલિંગ અને થાળું જમીનમાંથી ઉખેડી નાંખ્યું હતું. તેમાંથી શિવલિંગ લઈને થાળું દરિયા તરફ લઈ ગયા હતા. ત્યારે થાળું વજનદાર હોવાથી તેઓ અડધે રસ્તે મૂકીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી શિવલિંગ, સર્પ, છત્તર, ચદર, બે કાર અને મોબાઇલ મળીને કુલ 3.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
અટકાયત કરેલા આરોપીઓ
1. મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા
2. જગતસિંહ ઉદેસિંહ મકવાણા
3. મનોજસિંહ અમરતસિંહ મકવાણા
4. વનરાજસિંહ સમરસિંહ મકવાણા
5. રમેશસિંહ આલુસિંહ મકવાણા
6. કેવલસિંહ રૂપસિંહ મકવાણા
7. હરેશસિંહ જસવંતસિંહ મકવાણા
8. અશોકસિંહ દિલીપસિંહ મકવાણા