દ્વારકામાં 21 ટાપુ, માત્ર બેટ દ્વારકામાં જ માનવ વસાહત!
ધર્મેશ ઉપાધ્યાય, દેવભૂમિ દ્વારકાઃ બેટ દ્વારકા અને ઓખાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થયો છે. અગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન ગણાતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. સિગ્નેચર બની જતા તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. આ સિગ્નેચર બ્રિજ બની જવાથી બેટ દ્વારકા જેવા સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર હવેથી વાહનો મારફતે અવરજવર શક્ય બનશે.
દ્વારકા જિલ્લામાં કુલ 21 ટાપુઓ આવેલા છે. તેમાં બેટ દ્વારકા નામના ટાપુ પર માનવ વસાહત વસે છે. આ સાથે અહીં 12 હજારથી વધુની વસ્તી છે. અહીં બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તેમનું પૌરાણિક મંદિર અહીં આવેલું છે. આ સાથે બેટ દ્વારકામાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું વિશ્વનું એકમાત્ર મંદિર બેટ દ્વારકામાં આવેલું છે. અહીં લાખો યાત્રિકો વર્ષોથી ફેરી બોટ મારફતે દરિયામાંથી આવી દર્શને આવતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીના વિચારોમાં બેટ દ્વારકા વર્ષો પહેલાં સ્થાન મેળવી ચૂક્યું હતું. એટલે જ તેમણે અહીં અંદાજિત 900 કરોડથી વધુના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.
આ બ્રિજ બનવામાં થોડો વધારે સમય લાગ્યો હતો. દરિયામાં આ બ્રિજ બનાવાનો એક પડકાર પણ હતો, જેને આખરે પૂર્ણ કરવામાં આવ્યો છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતા બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ થવાથી સ્થાનિકોની અવરજવર હવે વધી જશે. પહેલા ખરાબ હવામાનને કારણે ફેરી બોટ બંધ રાખવી પડતી હતી અને યાત્રિકો દર્શન કરવા જઈ નહોતા શકતા. ત્યારે હવે આ બ્રિજ બનાવથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.
આ સિગ્નેચર બ્રિજ પર લોકો ચાલીને પણ અવરજવર કરી શકશે. ભારેખમ વાહનો પણ અવરજવર કરી શકશે. જેથી અહીં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. બ્રિજ ખૂબ મજબૂત અને સુંદર બનાવાયો છે. બ્રિજ પર વિવિધ સુંદર દ્રશ્યોની સાથે શ્લોક પણ અંકિત કરવામાં આવ્યા છે. સુંદર સેલ્ફી પોઇન્ટ બને તેવા અદ્ભુત લોકેશન સાથે આ બ્રિજ બેટ દ્વારકા માટે આશાની નવી કિરણો લઈને આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 25-2-2024ના રોજ આ બ્રિજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારકા જિલ્લાના પ્રવાસે આવનારા હોવાથી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.