January 27, 2025

બરડા ડુંગર વિસ્તારમાંથી 2 કંકાલ લટકતા મળ્યા, તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

દ્વારકાઃ ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાંથી 2 માનવ કંકાલ મળી આવ્યા હતા. ગઈકાલે બરડા જંગલ વિસ્તારમાંથી 2 માનવ ખોપરી તેમજ માનવ શરીરનાં હાડકાં મળ્યા હતા. ત્યારે ગત રાતથી SOG, LCB, પોલીસ અને ફોરેસ્ટની ટીમોએ ડુંગરમાં ધામા નાંખ્યા છે.

કંકાલને લઈને FSL ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કિલેશ્વર નેસથી આગળ વડલીવાળી જગ્યાથી આંબલીના ઝાડ પર બે કંકાલ લટકતા મળ્યા હતા. 2 માનવ ખોપરી સહિત આસપાસમાંથી માનવ અંગના કંકાલ પણ મળ્યા હતા.

દ્વારકા જિલ્લા DySPની નજર હેઠળ FSL દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 6 માસથી કિલેશ્વર નેસ વિસ્તારમાંથી 18 વર્ષીય યુવતી મંજુબેન ભીખાભાઈ ચાવડા ફરાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઢેબર ગામના 20 વર્ષીય યુવક કરસન ભીમાભાઈ ફુંગાસ ફરાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે બંને કંકાલના DNA સેમ્પલ લઈને મૃતકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.