UNની ચેતવણી છતાં પણ ઇઝરાયલનો ગાઝા પટ્ટી પર હુમલો, 21 લોકોના મોત
Israel-Gaza war: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી છતાં ગાઝા પટ્ટી પર ઈઝરાયલનો હુમલો શનિવારે પણ ચાલુ રહ્યો હતો. રફાહ અને ગાઝાના અન્ય ભાગોમાં કરવામાં આવેલા પ્રચંડ બોમ્બમારામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. ઈઝરાયલે ગાઝામાં કાર્યવાહી ઝડપી બનાવવાના આદેશ આપ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ ભારે વસ્તીવાળા શહેર પર મોટા હુમલાને કારણે ભયાનક આફતની ચેતવણી આપી છે. ઈઝરાયલના હુમલા બાદ લોકોને દેઈર અલ-બાલાહ શહેરની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય ગાઝામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઉત્તરી ગાઝામાં પણ હુમલા થયા છે.
9 મેના રોજ ઇજિપ્તના કૈરોમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ મંત્રણા નિષ્ફળ થયા બાદ ઇઝરાયેલે રફાહ પર હુમલા તેજ કર્યા છે. રિપોર્ટ અનુસાર, પત્રકારો, ડોક્ટરો અને અન્ય સ્થાનિક લોકોએ ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટની માહિતી આપી છે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે આ અઠવાડિયે ઈઝરાયલી સૈનિકોએ આંતરરાષ્ટ્રીય અપીલને નકારી કાઢી અને પૂર્વ રફાહમાં પ્રવેશ્યા પછી માનવતાવાદી રાહત પણ અવરોધિત કરવામાં આવી છે. માનવતાવાદી સહાય પહોંચાડવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચી રહી નથી: હમાસ
હમાસે ઈઝરાયલ પર આરોપ લગાવ્યો છે કે તેણે મંગળવારે રફાહમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે શહેરના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વી રફાહના રહેવાસીઓને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યા પછી ઇઝરાયેલી સૈનિકોએ રફાહ ક્રોસિંગના પેલેસ્ટિનિયન ભાગનો કબજો મેળવી લીધો છે અને તેને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જેના કારણે માનવીય સહાય તરીકે ગાઝા પહોંચતા ઈંધણનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઇઝરાયેલી સૈનિકોનું કહેવું છે કે શનિવારે સૈનિકો ક્રોસિંગ પર ‘ઓપરેશનલ એક્ટિવિટી’માં રોકાયેલા હતા. જ્યાં સૈનિકોને સશસ્ત્ર આતંકવાદીઓ સામે લડવું પડ્યું હતું. ઘણી ભૂગર્ભ ટનલ શાફ્ટ અહીં હાજર હતી.
ગયા ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયલ પર અચાનક હુમલો કરવામાં આવ્યો ત્યારથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના આ હુમલામાં 1100થી વધુ ઈઝરાયલના નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસે ઘણા ઈઝરાયલ નાગરીકોને પણ પકડી લીધા હતા. ઈઝરાયલનું કહેવું છે કે હજુ પણ 120થી વધુ લોકો હમાસની કસ્ટડીમાં છે. આમાં 36 લોકોનો પણ સમાવેશ થાય છે જેમના મૃત્યુ થયા હોવાનું ઇઝરાયેલ સેના કહે છે.
હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના જવાબી હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 35 હજાર લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ ભયંકર યુદ્ધને કારણે ગાઝામાં માનવીય સંકટ ઉભું થયું છે. આ વિસ્તારના બાળકો ભૂખમરાનો ભોગ બની રહ્યા છે.